હનુમાન(Hanuman) ઉર્ફે પવનપુત્ર (Pavanputra), અંજનીપુત્ર, પરમ રામભક્ત (Rambhakta), મહાવીર, મારુતિ વગેરે વગેરે નામોથી પણ ઓળખાય છે. હનુમત્નો યોગિક અર્થ હનુ એટલે હડપચીવાળું એવો થાય છે. રૂઢિથી એ અર્થ સંકડાઈ ને હનુમાન નામના વાનરદેવ, જેની હડપચી બહાર પડતી છે તે એવો થાય છે.
ચાલો આજે હનુમાન અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
હનુમાન કપિરાજ પવન અને અંજનીના પુત્ર હતા જે મારુતિ નામથી ઓળખાય છે.
વળી તે રામના એક બળવાન વાનર ભક્ત તરીકે પણ પ્રખ્યાત છે.
ભગવદ્ગોમંડલ અનુસાર સૂર્યના વરદાનથી સોનાના બનેલા મેરુ પર્વત ઉપર કેસરી નામે એક વાનર અને તેની સુંદર સ્ત્રી અંજની રહેતા હતા. અંજની એક વખત પર્વત ઉપર ફરતી હતી, તેને જોઈને વાયુને કામ વ્યાપ્યો અને તેણે પોતાનું વીર્ય અંજનીના કર્ણ દ્વારા મૂક્યું જેથી અંજનીને ગર્ભ રહી હનુમાનનો જન્મ થયો.
પુત્રજન્મ થયા પછી તરત જ અંજની ફળ લેવા જંગલમાં ગઈ અને ભૂખ લાગવાથી હનુમાને રડવા માંંડ્યું. તેવામાં ઉદય પામતા સૂર્યને જોઈ હનુમાને તેને ફળ ધાર્યું અને તે લેવાને કૂદકો માર્યો. જ્યારે હનુમાને સૂર્ય તરફ કૂદકો માર્યો ત્યારે વાયુ હિમ જેવો થઈ સૂર્યના તાપથી તેનું રક્ષણ કરતો હતો. હનુમાન જ્યારે સૂર્ય પાસે પહોંચ્યા ત્યારે તે વખતે સૂર્યગ્રહણ હતું એટલે રાહુ સૂર્યને ગ્રહણ કરવા જતો હતો પણ હનુમાનની હડફટમાં આવવાથી ત્રાસ પામીને દૂર નાસી ગયો.
રાહુ ક્રોધ પામી ઇન્દ્ર પાસે ગયો અને ત્યાં જઈ ‘મને આપેલ ભક્ષ્ય બીજો કેમ લઈ જાય છે?’ એમ કહ્યું. આથી ઇન્દ્ર ઐરાવત ઉપર આરુઢ થઈ તેની સાથે સૂર્ય અને હનુમાન જ્યાં હતા ત્યાં ગયા. રાહુ સૂર્ય પાસે આવ્યો એટલે તેને પણ ફળ ધારી હનુમાન તેને પકડવા કૂદ્યા જેથી રાહુ નાસવા માંડ્યો અને ઇન્દ્રને પોતાનું રક્ષણ કરવા કહ્યું. એટલામાં હનુમાન ઐરાવતને પણ ફળ ધારી તેને લેવા દોડ્યા. આથી ગુસ્સે થઈ ઇન્દ્રે વજ્રનો અગ્રભાગ હનુમાનને માર્યો જેથી તે પર્વત ઉપર પડ્યા અને તેમની હડપચી એટલે કે હનુ ભાંગી ગઈ. આ જોઈ વાયુદેવ ગુસ્સે થઈ પોતાના પુત્રને લઈ એક ગુફામાં ભરાઈ ગયા અને પોતાનો પ્રચાર બધેથી બંધ કર્યો.
વાયુએ પોતાનો પ્રચાર બંધ કરતા ત્રણે લોકમાં દેવ, અસુર અને મનુષ્ય સર્વે દુખી થઈ ગયા. દેવો પ્રજાપતિ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી. પ્રજાપતિ બધા દેવો સાથે વાયુદેવ હતા ત્યાં ગયા અને હનુમાનને પંપાળ્યા જેથી હનુમાન ફરી જીવિત થયા. આથી પ્રસન્ન થઈ વાયુ પૂર્વવત વહન કરવા લાગ્યા અને સર્વ દેવોએ તેને વરદાન આપ્યા.
ત્યારબાદ બ્રહ્માએ કહ્યું કે, ‘હે વાયુ ! તારો વીરપુત્ર મારુતિ શત્રુને ત્રાસ ઉપજાવનાર અને ઘણો બળવાન થશે; તેની ગતિ કોઈ અટકાવી શકશે નહિ.’ વાયુ પોતાના પુત્રને અંજની પાસે મૂકી આવ્યા.
હનુમાન મોટા થતાં ઋષિઓને બહુ સંતાપતા (હેરાન કરતાં) આથી ઋષિઓએ ‘તું તારું બળ મોહવશ થઈ ભૂલી જઈશ અને જ્યારે કોઈ તારી કીર્તિ તારી પાસે કહેશે ત્યારે જ ફરીથી બળવાળો થઈશ.’ એમ શાપ આપ્યો.
હનુમાનને ઋક્ષરજસ વાનરના પુત્ર સુગ્રીવની સાથે ઘણી મૈત્રી હતી. તેમણે સૂર્ય પાસેથી ઘણા ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ ઘણા વિદ્વાન અને મહાન તપસ્વી હતા.
સીતાની શોધ માટે નીકળેલા ભગવાન રામ અને લક્ષ્મણને પણ તે સુગ્રીવના કહેવાથી ચતુરાઈથી લઈ આવ્યા. રામે સુગ્રીવને રાજ્ય મેળવી આપ્યા પછી વાનરોને સીતાની ભાળ કાઢવા મોકલ્યા હતા. તેમાં હનુમાનને અંગદ અને થોડા વાનરો સાથે દક્ષિણ દિશા તરફ મોકલ્યા.
ત્યાં હનુમાન મયદાનવે પોતાના ઉપભોગ માટે બનાવેલી માયાવી ગુફામાં રહેતી મેરુસાવર્ણિની પુત્રી સ્વયંપ્રભાને મળ્યા. ત્યાં વાનરો ફળ ખાઈ અને જળ પીને તૃપ્ત થયા પછી તેણીને તેમને ગુફાની બહાર કાઢવા આજીજી કરી. સ્વયંપ્રભાએ તેમને નેત્ર બંધ કરવાનું કહી એક ક્ષણમાં ગુફાની બહાર સમુદ્ર પાસે લાવી મૂક્યા.
પાછા ફરવાની મુદ્દત થઈ ગઈ છતાં સીતાની ભાળ લાગે તેમ હતું નહિ. તેથી સર્વેએ ત્યાં મરી જવાનો વિચાર કર્યો એવામાં સંપતિ તેમને મળ્યો, તેણે સીતાની ભાળ આપી તેમને લંકા જવા કહ્યું પણ સમુદ્ર કેમ ઓળંગવો એ વિચારમાં તેઓ પડ્યા. એ વખતે જાંબુવાને હનુમાનને સમુદ્ર ઓળંગવાનું કહી તેમના આગળના પરાક્રમ યાદ કરાવ્યા. આથી ઋષિના શાપ પ્રમાણે હનુમાનમાં વીરત્વ વ્યાપી ગયું અને પોતાનું સ્વરૂપ ઘણું જ વધારીને કૂદકો માર્યો. તેમને મદદ કરવા સમુદ્રે મૈનાક પર્વતને ખુલ્લો કર્યો.
રસ્તામાં બ્રહ્મદેવના કહેવાથી તેના બળની પરીક્ષા કરવા આવેલ રાક્ષસોને મહાત કરી અને લંકા પહોચતાં પહેલા સિંહિકાને મારી નાખી; સંધ્યાકાળે લંકા પહોંચી, લંકાના રક્ષણ કરનારને પરાભવ કરી તેમણે અંદર પ્રવેશ કર્યો.
અશોકવનમાં આવતાં તેમણે ઉપવાસને લીધે કૃશ થઈ ગયેલી દુખી માતા સીતાને જોયા. પ્રભાત થતાં ત્યાં રાવણ પોતાની સ્ત્રીઓ તથા દાસીઓ સાથે આવ્યો અને સીતાને પોતાની પત્ની થવા સમજાવવા લાગ્યો, પણ તેણીએ તેનો તિરસ્કાર કર્યો. આથી રાવણ ગુસ્સે થઈ સીતાને કોઈ પણ રીતે વશ કરવાનું રાક્ષસીઓને કહી જતો રહ્યો. રાક્ષસીના ત્રાસથી ત્રિજટા નામની વૃદ્ધ રાક્ષસીએ સીતાને બચાવી. તે વખતે હનુમાન સૂક્ષ્મ રૂપ ધારણ કરી રામના ગુણાનુવાદ ગાવા માંડ્યા અને પોતાને શા માટે મોકલ્યો છે તે પણ કહ્યું.
સીતાના કહેવાથી તે તેમની સમક્ષ પ્રત્યક્ષ થયા, પણ આ રાવણ હશે તેવો વહેમ સીતાને આવવાથી તેમણે રામની વીંટી સીતાને આપી. પછી સીતા પાસેથી સમાચાર લઈ અને નિશાની તરીકે સીતાનો ચૂડામણિ લઈ તેઓ વિદાય થયા. જતાં પહેલાં તેમણે અશોકવાટિકામાં ઘણું નુક્સાન કર્યું. તેને પકડવા આવેલા રાક્ષસોને પણ હણ્યા. આથી રાવણે પોતાના એક પુત્રને મોકલ્યો, તેને પણ હનુમાને માર્યો. આથી રાવણે આથી ગુસ્સે થઈ ઇંદ્રજિતને મોકલ્યો; તે હનુમાનને બ્રહ્માસ્ત્રથી બાંધી રાવણના દરબારમાં લાવ્યો, ત્યાં હનુમાને બહુ છટાથી રાવણને બોધ કર્યો. તેને મારવાના હેતુથી તેનું પૂછડું સળગાવ્યું. હનુમાને લંકામાં ઘણે સ્થળે આગ લગાડી. પછી અરિષ્ટ પર્વત ઉપરથી કૂદી પાછો મહેંદ્ર પર્વત ઉપર આવ્યો. ત્યાં જાંબુવાનને તેણે સર્વ હકીકત કહી સંભળાવી. પછી બધા રામ પાસે આવ્યા, ત્યારે જાંબુવાને રામને સઘળી હકીકત જણાવી.
હનુમાને સીતાએ આપેલ ચૂડામણિ રામના ચરણમાં મૂકયો. યુદ્ધમાં પણ વખતોવખત હનુમાને ઘવાયેલા વાનરોને ઉપચારાર્થે ઋષભ પર્વત ઉપરથી ઔષધિ લાવીને, લક્ષ્મણને શક્તિ વાગી તે વખતે કાળનેમીનો વધ કરીને અને દિવ્ય ઔષધિ લાવીને ઘણી ઘણી સેવા ઉઠાવી. રામનો રાજ્યાભિષેક થયા પછીપણ હનુમાન તેમની સાથે જ રહ્યા. તેણે રામને પોતાની સેવાથી પ્રસન્ન કર્યા, રામે તેને બ્રહ્મવિદ્યા શીખવી. રામચંદ્ર નિજધામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા તે વખતે રામે હનુમાનને ‘આ કલ્પના અંત સુધી તારે આ ભૂમિ ઉપર રહેવું’ એવી આજ્ઞા કરી.
હનુમાન બહુધા હિમાલયના ગંધમાદન શિખર ઉપર રહે છે. કોઈ કોઈ વખત કિંપુરુષ વનમાં રહે છે, એણે એક રામાયણ લખ્યું છે જે હનુમાન નાટક નામે પ્રસિદ્ધ છે.
ભાગવતમાં કહ્યું છે કે, એ સતત બધાને રામકથા સંભળાવે છે તેણે લંકા બાળી હોવાથી તેને લંકાદાહી તેવું નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને મરુત્પુત્ર, મારુતિ, આંજનેય, યોગચર, રજતદ્યુતિ વગેરે ઘણાં નામોથી ઓળખવામાં આવે છે. તે ભીમનો ભાઈ કહેવાય છે. કેમકે, તે બંને વાયુપુત્ર હતા. તેના પુત્રનું નામ મકરધ્વજ હતું. તે શંકરનો અવતાર મનાય છે. તે એક વિદ્વાન વ્યાકરણકર્તા મનાય છે. તેને કાળું મોઢું, ભરમ ઉપર જાડા અને બરછટ વાળ, નાજુક બદન અને લાંબી પૂંછડી હોય છે.તે વ્રજ બાંધાના હતા ને ગરુડની માફક કૂદી શક્તા હતા. આ દેવની અસ્પષ્ટ મૂર્તિને સિંદૂર, તેલ, અડદ અને આકડાના ફૂલની માળાથી પૂજન કરાય છે. આ રક્ષક અને આયુષ્ય વધારનાર દેવ ગણાય છે. તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે એટલે કે તેઓ બ્રહ્મચારીઓના આદર્શ મનાય છે વળી તેમની ગણના પનોતીને દબાવી રાખનાર દેવ તરીકે થાય છે.
હનુમાનની ભક્તિ અર્થે હનુમાન ચાલીસા ગાવામાં આવે છે. જે નીચે મુજબ છે.
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિદ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||
હડપચી : જ્યાં દાઢી ઊગે છે તે નીચલા જડબાનો ભાગ
ભક્ષ્ય : ખાવા જેવું, ખાવાને યોગ્ય. (૨) ન○ ભોજન માટેનો પદાર્થ. (3) (લા.) શિકારનું પશુ કે પક્ષી
ચૂડામણિ : માથાના વાળમાં બાંધવામાં આવતું કિંમતી રત્ન (અત્યારે રિવાજ નથી.) (૨) મુગટમાં જડવામાં આવતું રત્ન. (૩) સ્ત્રીઓના માથાનું એક ઘરેણું. (૪) (લા.) સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.