“ સામાન્ય મનુષ્યનું જીવન અને અર્થ કામરૂપી પુરુષાર્થમાં વ્યતીત થતું હોય છે. આવા મનુષ્યો વર્ષમાં
ઓછામાં ઓછા 8 દિવસ ધર્મની આરાધના કરે અને આત્મકલ્યાણ સાધે તે હેતુથી જ્ઞાની ભગવંતોએ આ
પર્વનું આયોજન કર્યું છે. ‘પરિ’ એટલે ચારે બાજુથી અને ‘ઉષ’ એટલે વસવું આમ ચારે બાજુથી આત્માની
સમીપ રહેવાનું પર્વ એટલે પર્યુષણ પર્વ. ”
પર્યુષણ મહાપર્વ એ આત્મકલ્યાણની આરાધના માટેનું આધ્યાત્મિક પર્વ છે. અંત:કરણને બદલાવતું પર્વ છે. સર્વ જીવો સાથે મૈત્રીનો હાથ લંબાવતું પર્વ છે. ક્ષમાની દિવ્યતાનું પર્વ છે. સમભાવનું પર્વ છે. બીજાં બધાં પર્વો કરતાં તેની આરાધના અને ઉજવણી અત્યંત ઉલ્લાસપૂર્વક અને મોટા પાયે સમસ્ત જૈન સમાજમાં થાય છે. અહિંસાનું વધુમાં વધુ પાલન કરતું આ પર્વ સર્વ જીવોની રક્ષા કરે છે. કોઇ પણ જીવોને કોઇ પણ પ્રકારનું દુ:ખ થાય તેનું ધ્યાન રાખે છે માટે જ સર્વજીવહિતકારી એવા આ પર્વને પર્વાધિરાજ મહાપર્વ કે લોકત્તર પર્વ કહેવામાં આવે છે.
આ પર્વની ઉજવણી શ્રાવણ વદ 12 કે 13 થી શરૂ કરીને કુલ (8 +10) દિવસો પર્યંત કરવામાં આવે છે. સામાન્ય મનુષ્યનું જીવન અર્થ અને કામરૂપી પુરુષાર્થમાં વ્યતીત થતું હોય છે. આવા મનુષ્યો વર્ષમાં ઓછામાં ઓછ 8 દિવસ ધર્મની આરાધના કરે અને આત્મકલ્યાણ સાથે તે હેતુતી પરમ કરુણાવંત જ્ઞાની ભગવંતોએ આ પર્વનું આયોજન કર્યું છે. પર્યુષણ શબ્દ બે શબ્દોથી બનેલો છે. પરિ એટલે ચારે બાજુથી અને ઉષ એટલે વસવું. આમ ચારે બાજુથી આત્માની સમીપ રહેવાનું પર્વ એટલે પર્યુષણ પર્વ.
જીવ માત્ર સુખને ઇચ્છે છે, નાનામાં નાનું જંતુ પણ દુ:ખને ઇચ્છતું નથી. કોઇ પણ જીવને દુ:ખનું કારણ પોતે જ ઉપાર્જિત કરેલાં કર્મો છે. આ કર્મોથી હંમેશ માટે મુક્ત થવું તેમજ કાયમ માટે આત્માના અપૂર્વ આનંદની પ્રાપ્તિ કરવી એનું નામ મોક્ષ. તેમજ કર્મોથી મુક્ત થવાનું કારણ તપ છે. તપ દ્વારા નવાં કર્મો બંધાતાં અટકે છે. તેમજ પહેલાંનાં કર્મો નષ્ટ થાય છે. આ તપ બે પ્રકારે છેઃ 1. બાહ્ય 2. અંતરંગ
બાહ્યતપ 6 પ્રકારે છે. અનશન અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યા, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ. આ તપને ટૂંકમાં સમજીએ.
1. અનશન: અનશન એટલે ઉપવાસ. ઉપવાસ એટલે ભૂખ સહન કરવી એમ નહીં પરંતુ ભોજન લોલુપતાનો ત્યાગ કરીને મન અને ઇન્દ્રિઓને શાંત કરવી.
2. અવમૌદઃ અવમૌદર્ય એટલે ભૂખ હોય તેના કરતાં ઓછું જમવું, પેટને ઊણું રાખવું. તેનાથી ઇન્દ્રિયો શાંત થાય છે. સ્વાધ્યાય-ધ્યાન વગેરેમાં આળસ આવતાં નથી. નિદ્રા પર વિજય થાય છે તેમજ વાત-કફ-પિત્ત શાંત રહે છે.
3. વૃત્તિ પરિસંખ્યાનઃ આહારમાં અમુક જ આહાર લે અથવા નીરસ આહાર લે. એટલે કે વૃત્તિને સંમિપ્ત કરવી.
4 રસપરિત્યાગઃ મીઠું, મરચું, તેલ, ઘી, દૂધ, દહીં વગેરેનો ત્યાગ કરવો.
5. વિવિક્ત શય્યાસન: એકાંત સ્થાનમાં રહેવું. જેથી બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, ધ્યાનાદિથી સિદ્ધિ થાય છે.
6. કાયક્લેશ: દેહ પ્રત્યેની આસક્તિ ઓછી કરવા માટે ભૂખ, તરખ, ઠંડી, ગરમી વગેરે સહન કરવાં.
આ 6 તપને બાહ્ય તપ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં બાહ્ય દ્રવ્યનું અવલંબન હોય છે. તેમજ અન્ય લોકો આ તપને જોઈ શકે છે. આ બાહ્ય તપ એ અંતરંગ તપને સહાયક છે.
વિવિધ પ્રકારનાં અંતરંગ તપ
પ્રાયશ્ચિત: મન-વચન-કાયાથી કોઇ પણ પ્રકારનાં પાપ આપણાથી થઈ ગયાં હોય તેમજ લીધેલાં વ્રત કે નિયમોમાં થઈ ગયાં હોય તેમજ લીધેલાં વ્રત કે નિયમોમાં પ્રમાદ કે અન્ય કારણોને લીધે ત્રુટિ રહી ગઈ હોય તો ગુરુ કે ભગવાન સમક્ષ કબૂલ કરવાં.
વિનય : ભગવાન, ગુરુજનો, મુનિજનો, આગમો, શ્રાવકો તેમજ વડીલોનો વિનય કરવો.
વૈયાવૃત્ય : એટલે સેવા, મન-વચન-કાયાથી આચાર્ય, ઉપાધ્યાય, બાલમુનિ, બુદ્ધ મુનિ કોઇપણ મુનિ તપસ્વી, વિદ્વાન, સંઘ, શ્રાવક વગેરેની તેમના ધર્મની રક્ષા તેમજ વૃદ્ધિ માટે સેવા કરવી.
મન સ્વાધ્યાય: આળસ છોડીને જ્ઞાનની આરાધના કરવી.
વ્યુત્સગ: અહં તથા શરીરાદિ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો. આરંભ-પરિગ્રહનો ત્યાગ કરવો.
ધ્યાન-ચિત્તની-ચંચળતા: ચિતની ચંચળતાનો ત્યાગ કરવો.
આ 6 પ્રકારનાં તપ મનનું નિયમન કરતાં હોવાથી તેને અંતરંગ તપ કહે છે.
ઇચ્છા નિરોધ: તપ ઇચ્છાનો નિરોધ કરવો તે તપ. આમ 12 પ્રકારના તપમાંથી કોઇપણ તપ કરીએ તે કીર્તિની ઇચ્છા વગર, પ્રશંસાના લોભ વગર, નિરહંકારપણે, નિર્દયપણે, નિષ્કામપણ, વૈરાગ્યસહિત, સમક્ષપૂર્વક, રુચિપૂર્વક, પ્રસન્નતાથી, ઇન્દ્રિયોને વશ કરવા તેમજ આત્માની શુદ્ધિ માટે કરવા. તપ કરીને આ લોક કે પરલોકના સુખની ઇચ્છા ન કરવી. તપના દિવસે ટી.વી.વગેરે ન જોવું. ઘરમાં ન રહેતાં ઉપાશ્રયમાં રહેવું. ઘરમાં કોઇ પણ પ્રકારનો ક્લેશ કે કંકાશ ન થાય તેવું ધ્યાન રાખવું. પર્યુષણ પર્વના દિવસોમાં સામયિક, શ્રુત-શ્રવણ, ભગવાનની પૂજા, ગુરુવંદન, પ્રતિકમણ, બ્રહ્મચર્ય પાલન, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળત્યાગ, લીલોતરીનો ત્યાગ, ટીવી-મૂવીનો ત્યાગ વગેરે ક્રિયાઓ ઉત્સાહપૂર્વક કરવી.
(સાભારઃ દિવ્ય ભાસ્કર, ધર્મદર્શન – રીના શાહ)
સૌ જૈનબંધુઓને ગુજરાતીલેક્સિકોન તરફથી પર્યુષણ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આપ આપના આધ્યાત્મિક માર્ગમાં વિશેષ આગળ વધી આત્મકલ્યાણ સાધો તેવી મનોકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.