વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ
૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે.
૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે.
શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે. વેદો-પુરાણો અનુસાર શિવરાત્રીને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રીને દિવસે જ પ્રગટ થયું હતું.
મહા વદ ચૌદસને દિવસે આવતું મહાશિવરાત્રીનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. (શિવનો એક અર્થ કલ્યાણકારી – મંગલકારી) સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સંભળાવે છે. શુભચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રી કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઇચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઇચ્છા, સમર્પણ અને વિશુદ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ વાતમાં કોઈ શંકા નથી છે.
શિવરાત્રીના વ્રત સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. શિવરાત્રીના દિવસે એક પારધીના થયેલા હૃદય પરિવર્તનની પૌરાણિક કથાની તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકારરૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીનાં પાંદડાં તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ વાતાવરણ મનોદશા સર્જે છે. અને તેમાંય સવાર થતાં જ બચ્ચાં સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારની કરુણા, વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું દિલ દ્રવી જાય છે. આ માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે અને તેનામાં શિવત્વ એટલે કે કલ્યાણકારી – મંગલકારી ભાવના પ્રગટ કરે છે.
ભારતભરમાં જ્યાં જ્યાં શિવનાં મોટાં મંદિરો છે ત્યાં ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાય છે. ગિરનારની ગોદમાં શિવરાત્રીના દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનું મિલન સ્થળ છે, જ્યાં ભારતભરના સાધુ-સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રીના રોજ રાત્રે ૯ વાગ્યેથી નિર્વસ્ત્ર બાવાઓનું સરઘસ છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં બાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીના ખેલ અને લાઠીના હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઊમટી પડે છે. આ સરઘસ ફરતું ફરતું છેલ્લે ભવનાથ મંદિરના બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ બાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારાફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહીસ્નાનનું મહત્ત્વ છે તેમ આ ભવનાથના મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્ત્વ ખૂબ જ છે. કહેવાય છે કે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાંથી જ અદૃશ્ય થઈ જાય છે.
ૐ નમ: શિવાય
ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત ||
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ |
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ ||
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્ |
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્ ||
આ મંત્રથી ભગવાન શિવને બીલીપત્ર ચઢાવી પૂજન થાય છે.
સૌ શિવભક્તોને શિવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ