મિત્રો, આપણે દિવાળી ધામધૂમથી મનાવી, હવે દેવોની દિવાળી દેવદિવાળી આવશે. જેની ઉજવણી દેવો સાથે માનવો પણ કરે છે. દેવદિવાળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવદિવાળીના દિવસે જ ઠેર ઠેર તુલસીવિવાહનું આયોજન પણ કરવામાં આવે છે અને ગુરુ નાનકદેવ જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં દેવદિવાળીના પર્વનું ઘણું મહત્ત્વ રહેલું છે. શાસ્ત્રો અનુસાર દેવશયની એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને પ્રબોધ કરી જગાડવામાં આવે તે દિવસ પ્રબોધિની એકાદશી તરીકે જાણીતો થયો, પરંતુ ભગવાન લાંબા અરસા પછી શયનમાંથી બહાર આવતા હોઈ ભક્તો આનંદિત થઈ એકાદશીના ચાર દિવસ બાદ એટલે કે કારતક સુદ-પૂર્ણિમાના દિવસે ભગવાન જાગ્યાનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. આ ઉત્સવ દેવો માટે ઉજવવામાં આવતો હોવાથી સ્વર્ગના દેવો પણ પૃથ્વીવાસીઓના આ પર્વમાં જોડાય છે. આમ, સર્વે દેવતાઓએ સાથે મળીને આ ઉત્સવ ઉજવતા હોવાથી તે દેવદિવાળીના નામે પ્રખ્યાત થયો છે.
દેવદિવાળી સાથે જોડાયેલી બીજી આખ્યાયિકા અનુસાર આ દિવસે ત્રિપુરાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવતાઓએ તે દિવસની ઉજવણી દીપ પ્રગટાવી કરી હોવાથી આ દિવસ દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. ત્રીજી કથા અનુસાર પાર્વતીપુત્ર કાર્તિકેયજીએ સ્વર્ગના સેનાપતિ બનીને તારકાસુરનો વધ કર્યો. તારકાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવોએ કૈલાસમાં દીવાઓ પ્રગટાવી જે દિવસે ઉત્સવ મનાવ્યો તે દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. આ દિવસની જીતની ખુશાલીમાં કાર્તિકેયજીને કાર્તિક (કારતક) મહિનાના સ્વામી બનાવવામાં આવ્યા હતા. આજના દિવસે તુલસીવિવાહ રચાય છે, તેથી ‘તુલસીવિવાહ દિવસ’ તરીકે ઓળખાય છે, તેમજ આ દિવસે શીખોના ગુરુ નાનક સાહેબે શીખ સંપ્રદાયની સ્થાપના કરી હોઈ આ દિવસને ‘ગુરુનાનક જયંતી’ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ગંગાઘાટે (કાશીમાં) દેવદિવાળી
આ દિવસે ભગવાન શંકરે સ્વર્ગના દેવતાઓને ત્રિપુરાસુરના ત્રાસમાંથી મુક્ત કર્યા હોવાથી બધા દેવતાઓ ખુશ થઈ પૃથ્વી પર ભગવાન શંકર જ્યાં સદા બિરાજમાન છે તે કાશી વારાણસીમાં ઊતર્યા અને પૃથ્વીવાસીઓ સાથે દીવડા પ્રકાશિત કરી આ પ્રસંગને ધામધૂમથી મનાવ્યો. આથી એક માન્યતા છે કે આજે પણ કાશીના ગંગાઘાટ પર બધા જ દેવતાઓ પોતાના સ્વર્ગને આ દિવસની રાત્રીએ કાશીમાં ગંગાજીના ઘાટ અને નીરમાં પધરાવે છે. રાત્રીના સમયે જ્યારે ઘાટ અને ગંગાજીના નીર અનેક દીપોથી ઝળહળી ઊઠે છે ત્યારે તે દીવડાઓના પ્રકાશમાં ભક્તજનો પૃથ્વી પર ઊતરી આવેલા સ્વર્ગનાં દર્શન કરે છે. જેમ ઉત્તર ભારતના કાશીમાં આ દિવસ દીવડાઓથી ઝગમગી ઊઠે છે તેમ ઉત્તર ભારતની વ્રજભૂમિનાં મંદિરોમાં પણ આ દિવસે અન્નકૂટ ધરાવીને યમુનાજીમાં અનેકવિધ દીવડાઓ તરતા મૂકવામાં આવે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં તુલસીવિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાય છે. ગોવામાં આ ઉત્સવની ઉજવણી દિવસભર ચાલે છે જે ‘તુળસીચા લગ્ન’ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવનું ઘણું જ મહત્ત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ ચાલે છે. તુલસીવિવાહ બાદ જ ભારતમાં લગ્નની મોસમ શરૂ થાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.