બ્રહ્માએ ચિત્રગુપ્તને વહેલી સવારે બોલાવીને પૂછ્યું, “ચિત્રગુપ્ત, તમારા ચોપડા મુજબ હવે આપણે કેટલા જીવોને તેમના કર્મ પ્રમાણે નવું જીવન બક્ષી, ફરી પાછા પૃથ્વીલોકમાં મોકલવાના છે?”
“પ્રભુ, ગઈકાલ સુધીમાં આપણે જેટલા જીવોને પૃથ્વીલોકમાં પાછા મોકલ્યા છે, તેના કરતાં હમણાં થોડો કોટા આપણે વધારવો પડશે. છેલ્લા કેટલાક મહિનાથી, તોફાન, વંટોળ, ધરતીકંપ, યુદ્ધો અને આતંકવાદને કારણે પશુપંખી અને મનુષ્યનું સારું એવું નખોદ વળી રહ્યું છે. ભલે આ બધું તેમના કર્મ પ્રમાણે થઈ રહ્યું હોય, છતાં આપણા માટે ચિંતાનો વિષય થઈ ગયો છે. ખરેખર! હું તો આ પરિસ્થિતિથી કંટાળી ગયો છું. જો આવું જ થોડો વખત વધારે ચાલતું રહ્યું તો હું છું એના કરતા પણ વધારે વૃદ્ધ થઈ જઈશ.”
“ચિત્રગુપ્ત, તમે શું કામ આટલી બધી ચિંતા કારણ વિના કરો છો. તમે એક કામ કરો. સ્વર્ગલોકની બહાર જે જીવો પૂર્ણ જન્મની રાહ જોતા ઊભા છે. તેમાં તમે મારો ઢંઢેરો પીટાવીલો કે આવતીકાલે સવારે ફકત બે કલાક માટે સ્વર્ગલોકના આઠે દરવાજા ખોલી નાખવામાં આવશે.” ‘જે વહેલો તે પહેલો, એ નિયમમુજબ, જે કોઈ મારા મહેલની બહારના ભાગમાં, ફાળવેલા સમયમાં આવી પહોંચશે, તેમને ગયા જન્મના પાપ-પુણ્યની કોઈ તપાસ કર્યા વગર ફરી પાછા પૃથ્વીલોકમાં, પોતાની ઇચ્છા મુજબનું જીવન બક્ષી મોકલવવામાં આવશે.”
સૂર્ય ઉગતાની સાથે, બીજે દિવસે રોજના સમય મુજબ બ્રહ્માએ ચિત્રગુપ્તની સાથે પોતાના મહેલના ઝરૂખેથી એક નજર રાજમહેલ સામેના બાગમાં નાખી તો તેમની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પશુપંખી અને માનવોના ટોળેટોળા ફરી પાછા પૃથ્વીલોકમાં જવા રાહ જોતા ઊભા હતા.
“ચિત્રગુપ્ત, આપણે આ બધા જીવોને પૃથ્વી પર મોકલવાનું શરૂ કરી દઈએ. આજે રોજ કરતા વીસ-પચ્ચીસ ગણા જીવો ફરી જન્મવા આવી પહોંચ્યા છે. મને લાગે છે લગભગ આજે તો સાંજ પહેલા આપણે કામ પૂર્ણ કરી નહી શકીએ. ચિત્રગુપ્ત, તમે એકપણ મિનિટ અકારણ બગાડ્યા સિવાય ટોળા પ્રમાણે તમે તમારી કાર્યવાહી શરૂ કરી દો.”
બ્રહ્માજીની આજ્ઞા થતાં જ ચિત્રગુપ્તે એક પછી એક જીવોને તેમના નંબર પ્રમાણે બોલાવવાની શરૂઆત કરી દીધી. પ્રત્યેક ટોળામાંથી આવતા જીવની બસ એક જ ઇચ્છા હતી. હરેકને પૃથ્વી પર માણસ થઈને જન્મવું હતું. પશુપંખી અને માણસના ટોળામાંથી જે કોઈ બ્રહ્મા પાસે આવતા જાય એટલે ચિત્રગુપ્ત, ચોપડામાંથી તેમના ભૂતકાળનું પાનું ખોલી તેના કર્મ વિશેની સંપૂર્ણ વિગત બ્રહ્માજીને જણાવતા કહે, “પ્રભુ આ જીવને તો હજી બળદ તરીકે જન્મ લેવાનો બાકી છે. પણ પ્રભુ આજે લોટરીમાં આ જીવ કર્મ પ્રમાણે બળદનું જીવન માંગવાને બદલે મનુષ્યનું જીવન માંગી રહ્યો છે.”
“ઠીક છે ચિત્રગુપ્ત, તમે તેના કર્મ પ્રમાણે નહીં પણ આજે આપણે જાહેર કરેલ ઢંઢેરામાં, આપેલા વચન મુજબ આ જીવને માણસનું જીવન બક્ષી દો. પરંતુ તમે એક બાબતનો ખ્યાલ રાખજોકે, પૃથ્વી પર આ જીવ ભલે કહેવાય મનુષ્ય પણ તે જીવન તો બળદ જેવું જીવે તે પ્રમાણે વ્યવસ્થા કરીને પછી જ તેને ધરતી પર મોકલજો.”
બ્રહ્માજીની આજ્ઞા મુજબ, ચિત્રગુપ્ત તમામ જીવોની ચોપડામાંથી સંપૂર્ણ વિગત તપાસી, તેમના પાપ પુણ્ય પ્રમાણે આ વખતે તેમને કઈ યોનિમાં જન્મ લેવાનો હતો તે જાણી બહારથી દેખાતા મનુષ્યને પૃથ્વી પર પોતાના કર્મ પ્રમાણે જીવન જીવવા મોકલવા માંડ્યા.
લગભગ સાંજ ઢળવા આવી. લગભગ આખો બાગ ખાલી થઈ ગયો. બસ સૌથી છેડે એક પંખી ફરી પૃથ્વીલોકમાં જવા બ્રહ્માજીના આશીર્વાદની રાહ જોતું બાગના એક વૃક્ષની ડાળે બેઠું નિરાંતે ટહુકતું હતું. બ્રહ્માજીએ તેને પોતાની પાસે બોલાવ્યું. “અરે! પંખીરાજ તમે કેમ સૌથી છેલ્લે ટહુકા વેરતા રહી ગયા છો? તમારે પણ માણસ થઈને આ ભવે પૃથ્વીપર પાછા ફરવાની ઇચ્છા હશે! ખરુંને; ખુશીથી તમે પણ મારા વચન મુજબ આજે તમે મનુષ્ય અવતાર ધારણ કરીને જઈ શકો છો. ભાઈ ચિત્રગુપ્ત, તમે આ પંખીને માણસનું સર્ટીફિકેટ આપી દો, બસ પછી આપણે સાંજના ભોજન માટે રવાના થઈએ….”
“પ્રભુ, તમોને ભૂખ લાગી હોય તો ખુશીથી જમવા જાઓ. હું તો આવતીકાલ લગી બાગમાં વૃક્ષની ડાળે ટહુકા વેરતો તમારા આગમનની રાહ જોઈશ.” “અરે! બાળક વચન મુજબ હું તને આજે તારી ઇચ્છા પ્રમાણે જન્મ આપ્યા વગર કેવી રીતે જમવા જઈ શકું, ચાલ જલ્દીથી મને જણાવી દે કે તારી ઇચ્છા શું છે?” “પ્રભુ, મારે પૃથ્વીલોકમાં અવશ્ય જવું છે પણ મનુષ્ય તરીકે નહીં!”
“તો પછી તારે કઈ યોનિમાં ફરી જન્મ લેવો છે?”
“પ્રભુ, મને આવતો જન્મ પણ પંખીનો જ આપો!”
“પંખીનો, અરે! મૂર્ખ, સવારથી અહિંયા હું બેઠો છું. આજે લાખો કરોડો જીવને, તેમની ઇચ્છા મુજબ મનુષ્ય જીવન બક્ષ્યું છે. કોઈ જીવે ભૂલથી પણ ફરી પશુપંખીનું જીવન પાછું માંગ્યું નથી. પ્રત્યેક જીવને મનુષ્ય થઈને જન્મવું હતું. તું પહેલું પાત્ર છે કે ફરી પાછું મારી પાસે પંખીનું જીવન માંગી રહ્યું છે. હું તને તારી ઇચ્છા મુજબ પંખીનું જીવન ચોક્કસ આપીશ પણ તું મને તેનું રહસ્ય જણાવ કે તારે ફરી પાછું શામાટે પંખી થઈને જન્મવું છે?”
“પ્રભુ, આપની પાસે હું જીવન વિશેની ફિલોસોફીનું શું ચર્ચા કરું? આપ તો અંતર્યામી છો.” “તું એ બધી વાત જવા દે. મને અને ચિત્રગુપ્તને તું જણાવ કે તારે શા માટે મનુષ્ય જીવનને બદલે પંખીનું જીવન જોઈએ છે?”
“પ્રભુ, મનુષ્ય જીવન અને પંખીના જીવનમાં બસ આટલો જ તફાવત છે. માણસ જીવન જીવવામાં બહુ કંજૂસ છે. પ્રત્યેક પળે સુખ દુ:ખનો ગ્રાફ દોરતો રહે છે. સુખ અને દુ:ખમાં કેટલો ફાયદો છે તે વિચારીને જીવનનું એકેક ડગલું ભરતો હોય છે. સુખમાં ખડખડાટ હસવાને બદલે જાણે કોઈ કંજૂસ માણસ એકેક પાઈ ગણી ગણીને વાપરતો હોય છે તે રીતે જીવનમાં હાસ્ય વાપરતો રહે છે. જ્યારે પંખી જીવનનો આ એક અનેરો લાહવો છે. જીવનની પ્રત્યેક ક્ષણ આનંદમય હોય છે. કોઈપણ ઋતુ હોય પછી ભલે વસંત હોય કે પાનખર. બસ અમારે તો આ બાબતમાં કોઈ ભેદ રાખવાનો હોતો નથી. જે કંઈ સમય ભાગ્યમાં મળે તેમાં લીલા ટહુકા વેરતા જીવવાનું. જેટલું લહેરથી વસંતમાં જીવવાનું એટલુંજ પ્રેમથી પાનખરમાં, ક્યાંય સુખદુ:ખનો હૈયે ભાર નહીં.”
“વત્સ, તારી આ વાતથી તો આજ મારું બ્રહ્માંડ પણ ડોલી રહ્યું છે. જા પુત્ર તને આ વખતે કોઈ ગાઢ જંગલમાં જન્મ આપવાને બદલે હું તને કોઈ ચક્રવતી રાજાના મહેલમાં સોનાના પિંજરામાં મોકલી આપું છું, પછી તારે આખી જિંદગી દાણાપાણી માટે રઝળવું નહીં પડે.”
“પ્રભુ, તમારે મને ખરેખર મારી ઇચ્છા મુજબ પંખીનું જીવન આપવું હોય તો, મહેરબાની કરીને સોનાના પિંજરે નહીં પણ કોઈ જંગલમાં વૃક્ષોની ડાળે, ઝરણા, પર્વતની ગોદમાં આપો. દાણાપાણી માટે જંગલમાં વૃક્ષોની ડાળે, નદીનાળે, વન વગડે અને ખેતર શેઢે ટહુકા વેરતા રઝળવાનો જે આનંદ છે તે ભલા સોનાના પિંજરે ક્યાંથી હોય?
ચિત્રગુપ્ત બોલ્યા, “પ્રભુ, કાશ આજ આ વાત મારા મનમાં ઊતરી ગઈ હોત તો! પ્રભુ, બસ આ જન્મ બાદ આવતો જન્મ મને પંખીનો આપજો!”
બ્રહ્માજી હોઠમાં મલક્યા,
“ચિત્રગુપ્ત, નિયતી તો પ્રત્યેકના ભાગ્ય પ્રમાણે લેખ લખતી હોય છે. તે પ્રત્યેક જીવને સુખી જોવા ઇચ્છતી હોય છે. પણ જીવ ખુદ સામે ચાલીને દુ:ખ માગી લે તો, બિચારી તે શું કરે?”
ચિત્રગુપ્તે નિસાસો નાંખ્યો, અરે પ્રભુ શું મે મારે જ હાથે પગ પર કુહાડો મારયો!”
સ્વર્ગલોક – heaven.
ઢંઢેરો – publication through a crier who beats a little drum; notification; proclamation (by ruler or government).
કાર્યવાહી – method of transacting business, procedure; proceedings, minutes of business.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.