ઉત્સાહી માણસને શારીરિક ઉંમર બહુ અસર કરી શકતી નથી. એવા માણસો મોટી ઉંમરે પણ યુવાનો જેવું કામ કરી શકતા હોય છે. એમનો ઉત્સાહ એમના મનની એક સ્થિતિ હોય છે. અને એમના મનમાં યુવાન વ્યક્તિના બધા જ ગુણો સચવાઈ રહ્યા હોય છે. તમારામાં ઉત્સાહ છે ત્યાં સુધી તમે યુવાન છો અને તમે યુવાન છો ત્યાં સુધી તમારું હૃદય ધરતી પાસેથી, વ્યક્તિઓ પાસેથી અને અનંતના ઊંડાણમાંથી સૌંદર્ય, આનંદ, હિંમત, સાહસ અને શક્તિના સંદેશાઓ ઝીલી શકે છે.
સેમ્યુઅલ ઉલ્લમાનનું એક પુસ્તક છે ‘ફ્રોમ ધ સમ્મીટ ઓફ ઈયર્સ ફોર સ્કોર’. એમાં ઉત્સાહ અને યુવાની વિશે લખ્યું છે, ‘‘યુવાની એ જીવનનો કોઈ ખાસ સમય નથી. એ તો મનની એક સ્થિતિ છે. ઇચ્છાશક્તિનો ફુવારો છે. કલ્પનાનો ખજાનો છે. લાગણીઓનું બળ છે. ડરપોકપણા ઉપર હિંમતનો વિજય છે અને સગવડોની ચાહના ઉપર સાહસની જીત છે.’’
લેખકે અહીં એક નાનકડા ફકરામાં યુવાની-જીવનની એક અવસ્થાને એવી રીતે સમજાવી છે કે વૃદ્ધાવસ્થા જેવી બીજી અવસ્થા અંગેની સમજણ પણ સરળ બની જાય છે. જીવનની જુદી જુદી અવસ્થાઓના સાચા સ્વરૂપની ‘સમજણ’ માણસના જીવનમાં રાહબર બની રહે છે.
કોઈ વ્યક્તિ અમુક ઉંમરની થઈ જાય, એની જિંદગીનાં અમુક વર્ષો પસાર થઈ જાય એટલામાત્રથી એ વ્યક્તિ વૃદ્ધ બની જતી નથી. પોતાના આદર્શો તજી દેવાથી જ માણસ વૃદ્ધ થવા માંડે છે. વર્ષો માત્ર ચામડી ઉપર જ કરચલી ઉત્પન્ન કરે છે, પરંતુ ઉત્સાહનો અભાવ તો મનમાં કરચલી ઉત્પન્ન કરે છે.
પરંતુ માણસ જ્યારે ટેકરીની બીજી બાજુએ ઉતરવા માંડે છે ત્યારે એનો ઉત્સાહ, હોંશ, ઉમંગ ઓસરવા માંડે છે. એમ થવાનું ખરેખર તો કોઈ કારણ નથી હોતું, છતાં એક મંદતા એનામાં પ્રવેશે છે.
મીણબત્તી સળગે છે ત્યારે મીણના પહેલા ટીપામાં પ્રકાશ આપવાની જેટલી શક્તિ હોય છે એટલી જ શક્તિ એના છેલ્લા અવશેષમાં પણ હોય છે. છેલ્લે બાકી રહેતા ભાગમાં પ્રકાશ આપવાની શક્તિ ઓછી થઈ જતી નથી.
જોકે, મીણબત્તીની પ્રકાશ આપવાની ક્રિયા એ એક ભૌતિક અને રાસાયણિક ક્રિયા છે જ્યારે માનવીની ક્રિયાઓમાં એનું મન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે માણસ જ્યારે મનથી ઓસરવા માંડે છે ત્યારે શારીરિક રીતે બહુ મોટો ફેર નહીં પડતો હોવા છતાં એની શક્તિઓ પણ ઓસરવા માંડે છે.
અહીં એમ કહેવાનો આશય નથી કે માણસના શરીરમાં એની અવસ્થા મુજબના ફેરફારો થતા નથી. આમ છતાં, માનવી તરીકે જે કાર્યો એણે કરવાનાં હોય છે, એ કરવા માટે એનું શરીર દરેક અવસ્થામાં પૂરી ક્ષમતા ધરાવતું હોય છે. જ્યારે માણસની શારીરિક શક્તિ અવસ્થાને લીધે થોડી ઘટે છે ત્યારે માણસે પોતાના અનુભવથી ઘડાઈને ઓછી શક્તિથી પણ સરસ રીતે કામ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધેલ હોય છે. એટલે વાસ્તવિક પરિસ્થિતિ લગભગ સરખી જ રહે છે. માટીનું પાકું વાસણ કાચા વાસણ કરતાં વધુ સક્ષમ હોય છે.
માણસ દરેક કામ પોતાના શરીર દ્વારા કરે છે, પરંતુ એ કરનાર તો એનું મન જ હોય છે. એટલે જ ક્યારેક યુવાન માણસ પણ ન કરી શકે એવું કામ વૃદ્ધ શરીર કરી શકે છે. પહેલવાન ન કરી શકે એ કામ સામાન્ય માણસ કરી નાખે છે. તંદુરસ્ત માનવી ન કરી શકે એ કામ રોગથી ક્ષીણ થઈ ગયેલ માનવી કરી બતાવે છે.
માણસમાં જ્યારે ઉત્સાહ કે ઉમંગ ઓસરવા લાગે છે ત્યારે એને થાકનો અનુભવ થવા લાગે છે. નિરાશા એને વારંવાર ઘેરી લે છે. માણસના જીવનમાંથી જ્યારે ઉત્સાહ ઓસરી જાય છે ત્યારે ઘણી વાર એવા માણસો કડવા, નિંદાખોર, વાંકદેખા કે ઈર્ષાળુ બની જાય છે. આવા હતાશ થયેલા માણસો ક્યારેક જ્ઞાની અને ત્યાગીનો અંચળો પણ ઓઢી લે છે. એવા લોકો પોતાને અને સમાજને વધુ નુકસાન કરે છે.
ઉત્સાહ વિના થતી જીવનની કોઈ પણ ક્રિયા નિર્જીવ અને નિરર્થક હોય છે. ઉત્સાહ વિનાના ત્યાગ કે જ્ઞાનથી પણ માણસને કશો લાભ થતો નથી. ઉત્સાહ એ જીવનનું બળ છે. ઉત્સાહને લીધે જ જીવનશક્તિ હરપળે કાર્યશીલ રહે છે.
માણસના મનમાં ઉત્સાહનો સંચાર થાય છે ત્યારે સામાન્ય શરીરમાં પણ અસામાન્ય શક્તિ પ્રગટ થાય છે. શરીર ક્યારેય પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરતું નથી. કયા કામમાં કેટલી શક્તિનો ઉપયોગ કરવો એનો નિર્ણય માણસનું મન કરે છે. અને એની આજ્ઞા પ્રમાણે શરીર પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. ઉત્સાહ એ મનની ઉત્તમ સ્થિતિ છે. કેટલાંક માણસો ક્યારેક અતિશય ઉત્સાહમાં હોય છે તો ક્યારેક જાણે પર્વતની ખીણમાં ગબડી પડયા હોય છે એવા નિરુત્સાહી અને નિરાશ હોય છે. સામાન્ય માનવી કાયમ બહુ ઊંડી નિરાશા અનુભવતો નથી,પરંતુ એનો ઉત્સાહ પણ એક સ્તર સુધી જ પહોંચી શકે છે. જિંદગીનાં સામાન્ય કામો તે સારી રીતે ઉત્સાહપૂર્વક કરે છે. કેટલાંક માણસો ઉત્સાહથી એટલા ઉભરાતા હોય છે કે એમની હાજરીથી જ તેમની આજુબાજુના માણસો ઉપર પણ તેમના ઉત્સાહની ભરતીની અસર થાય છે.
આવા ઉત્સાહી માણસને શારીરિક ઉંમર બહુ અસર કરી શકતી નથી. એવા માણસો મોટી ઉંમરે પણ યુવાનો જેવું કામ કરી શકતા હોય છે. એમનો ઉત્સાહ એમના મનની એક સ્થિતિ હોય છે. અને એમના મનમાં યુવાન વ્યક્તિના બધા જ ગુણો સચવાઈ રહ્યા હોય છે.
તમારામાં ઉત્સાહ છે ત્યાં સુધી તમે યુવાન છો અને તમે યુવાન છો ત્યાં સુધી તમારું હૃદય ધરતી પાસેથી, વ્યક્તિઓ પાસેથી અને અનંતના ઊંડાણમાંથી સૌંદર્ય, આનંદ, હિંમત, સાહસ અને શક્તિના સંદેશાઓ ઝીલી શકે છે.
તમારા હૃદયના બધા જ મહત્ત્વના ભાગો ઉપર હતાશા અને વાંકદેખાપણાનો બરફ પૂરેપૂરો છવાઈ જાય ત્યારે અને માત્ર ત્યારે જ તમે વૃદ્ધાવસ્થામાં પૂરેપૂરા ધકેલાઈ જાઓ છો. ઉત્સાહ અને ઉમંગના બધા જ તાર તૂટી જાય એવી સ્થિતિ અતિશય દયાજનક છે.
મેં એવી વ્યક્તિઓ જોઈ છે જે ત્રીસ વર્ષે, જિંદગી જીવીને પણ થાકી ગઈ હોય એવી રીતે વર્તે છે. ચાલીસ વર્ષે તો એવા લોકો ખખડી જાય છે. આજના મોટાભાગના યુવાનો સરકારી નોકરી ઇચ્છે છે, પરંતુ સરકારી નોકર અઠ્ઠાવન કે સાઠ વર્ષની ઉંમરે જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે દિશાહીન થઈ જાય છે અને પોતાની જાતને ઘરડો, નકામો માનવા લાગે છે.
આવા લોકોએ અને બીજા બધા જ લોકોએ જાણવું જોઈએ કે દુનિયામાં મહાન કાર્યો કરનાર બધા કાંઈ યુવાન નહોતા. ર્ચિચલે બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે ઈંગ્લેન્ડના વડાપ્રધાનનું પદ ગ્રહણ કર્યું ત્યારે તેની ઉંમર છાસઠ વર્ષની હતી. એ પહેલાં એ એક સામાન્ય રાજકારણી, નિષ્ફળ ગયેલ રાજપુરુષ હતો. છાસઠ વર્ષ પછી એણે જે કાંઈ કર્યું એને કારણે ઈંગ્લેન્ડ અને બીજા દેશોના લોકો એને યાદ કરે છે.
મોરારજીભાઈ જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે એમની ઉંમર એક્યાશી વર્ષની હતી, અને એ ઉંમરે કોઈ યુવાન માણસ કરતાં વધુ કામ કરતા હતા.
આવા તો અનેક દાખલાઓ મોજૂદ છે. ગુજરાતી વાર્તાકાર ગુલાબદાસ બ્રોકર સત્તાણું વર્ષ જીવ્યા – છેલ્લો થોડો સમય બાદ કરતાં છેલ્લે સુધી એ કાર્યરત હતા. સદાબહાર, સદાયુવા હતા.
યુવાની એ મનની સ્થિતિ છે. જો તમારા મનને તમે યુવાન રાખશો, નવુંશીખવાની ધગશ રાખશો, નિરાશ થઈ ગયેલા લોકોના બદલે ઉત્સાહી લોકો સાથેની સોબતમાં રહેશો તો તમારી વૃદ્ધાવસ્થા પણ ઉજળી બનશે.કારણ કે દીપકમાંરહેલ તેલના છેલ્લા ટીપામાં પણ પ્રકાશ આપવાની એટલી ક્ષમતા હોય છે જેટલી શરૂઆતનાં ટીપાંઓમાં હોય છે.
લેખ માટે આભારઃ http://miteshdave.wordpress.com/
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ