Gujaratilexicon

વિશ્વ તમાકુ વિરોધી દિવસ – શું પડીકી, સિગારેટ અને તમાકુ નહીં છૂટે?

May 31 2011
Gujaratilexicon

આખી દુનિયામાં ફક્ત તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ જ એવી છે કે જેને એડવર્ટાઈઝમેન્ટની જરૂર નથી પડતી. ક્યારેય બીડી-સિગારેટ કે તમાકુવાળાને જાહેરખબર આપવાની તાતી જરૂર રહેતી નથી. જાહેરાત ન આપો તો પણ ચાલે અને આપો તો વધારે ચાલે. કારણ? માત્ર ને માત્ર વ્યસન ધરાવતા લોકોની માનસિકતા. હા, માનસિકતા એટલા માટે કારણકે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, બીડી, સિગારેટની આદત માટે પોતાના મનને મજબૂત રીતે મનાવી લેતાં હોય છે જેનાથી તમાકુનું વેચાણ જાહેરખબરોનું મહોતાજ નથી રહેતું. ખરેખરમાં તમાકુની આદત એ પોતાના મન અને આત્મવિશ્વાસ પર કાબૂ નહીં મેળવી શકવાનું એક પરિણામ અને નિશાની છે. બાકી, 9 મહિનાનું બાળક પણ જ્યાં માતાનું ધાવણની આદત છોડી શકતું હોય તો ત્યાં આ ઢાંઢાઓથી તમાકુની આદત ન છૂટે?

આમ તો, તમાકુ ખાવાની આદત શારીરિક રોગ કરતાં માનસિક રોગની ઓળખ પર સાચી ઠરે. કારણકે તમાકુના સેવનની આદત મુખ્યત્વે એકબીજાની દેખાદેખીમાં અથવા તો સ્ટેટસ સિમ્બોલ બતાવવા વિકસતી હોય છે. ટીનેજર યુવાવયનો થઈ ગયો છે તે બતાવવા માટે તમાકુનું સેવન કરે છે તો યુવતીઓ અમે 21મી સદીની બિન્દાસ યુવતી છે તેમ વિચારીને સિગારેટના ધુમાડા ઉડાવે છે. જ્યારે ગામડાંના લોકો નવરાં બેઠાં કરવું શું તો ચાલો તમાકુ ખાઈએ તેમ જ તમાકુ ખાવાથી ખેતી તેમ જ મજૂરી કામ કરવામાં શક્તિવર્ધક માનતા હોય છે. જ્યારે કેટલાંક લોકો પુરુષત્વની શાનને આંચ ન આવે તેવી વિચારધારાને વળગીને તમાકુ અને સિગારેટની ફૂંકો મારવાની છોડતા નથી.

માનીએ છીએ કે જીવન શોખ અને આનંદથી ભરપૂર જીવવું જોઈએ પરંતુ પ્રશ્ન એ છે કે ખરેખર તમાકુના સેવનમાં શાંતિ અને આનંદ છે ખરો? આના કરતાં તેના પાછળ થતો ખર્ચ અંદાજે રોજનો રૂ.50 (મહિને 1500) અન્ય કોઈ સામાજિક અથવા વિકાસના કામમાં ખર્ચવાથી જે આનંદ મળશે તે તમાકુના સેવનથી મળતા આનંદથી સોયે સો ટકા બમણો હશે.

યંગ જનરેશન જે ‘સિગરેટ કા ધૂંએ કા છલ્લા બનાકે’ અને ‘દમ મારો દમ’ જેવા ફક્ત ગીતોથી જ પ્રેરાઈને ઘેટાંચાલની માફક તમાકુના આદી થઈ જતાં હોય છે. ત્યાર આવા કાચા મનના યંગિસ્તાને પોતાની વિચારશક્તિને સ્વાવલંબી અને મજબૂત બનાવીને દેશના નહીં પરંતુ પોતાના અને પરિવારની વિકાસની દિશામાં વિચારવું જરૂરી છે. કારણકે તમારો વિકાસ થશે તો દેશનો આપોઆપ થવાનો જ છે.

અને જો ફૂંકવા અને ચાવવાની જ આદત સેવવી હોય તો શ્રમરૂપી તમાકુ ચાવો અને વિકાસરૂપી ધુમાડો ફૂંકી જુઓ પછી જો જો સફળતાનો નશો તમને ચઢ્યા વિના નહીં રહે…

દર વર્ષે 31મી મે એ વિશ્વ તમાકુ વિરોધી દિવસે કેટલાંય લોકો સંકલ્પ કરે છે કે ધીરે ધીરે તમાકુ છોડી દઈશું પરંતુ મિત્રો આદત જેમ એક જ દિવસના સેવનથી લાગી હતી તેમ તેનાથી છૂટકારો પણ એક જ દિવસે લઈ લો અને ધીરે ધીરે છોડવાનું કહીને પોતાની જાતને છેતરવાની કોશિશ ન કરો. કારણકે નિષ્ણાતો પણ કહે છે કે તમાકુ છોડવી હોય તો એક ઝાટકે જ નિર્ણય કરી મન મક્કમ કરો.

મોટાભાગના વ્યસની લોકોને તમાકુના સેવન ન કરવાની સલાહ આપો એટલે એક જ જવાબ કોમન મળે કે “મરવાનું તો ગમે ત્યારે છે જે તો પછી શું કામ ચિંતા કરીએ”. વાત સાચી, પરંતુ કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તે મહત્વનું છે બાકી જીવન તો ઢોર-ઢાંખર પણ જીવી કાઢે છે એમાં તમે શું મોટી ધાડ મારી?

એન્જોય, પ્રેમ અને બિન્દાસપણું જે આજની પેઢી માંગી રહી છે તેનો તેમણે ક્ષણિક વિચાર કરવાની જરૂર છે  કે તે ફક્ત તમાકુના સેવનમાં જ નથી.  હકીકતમાં તમારા ઝમીરને ઝંઝોળીને પૂછશો તો તમાકુનું સેવન તમને પણ નથી પસંદ પરંતુ આ આદત ફક્તને ફક્ત તમારા મન પર કાબૂ મેળવવાની નિર્બળતા છે. Nothing is impossible માં માનનારી આજની પેઢી તમાકુ છોડવાનું impossible છે તેનો સ્વીકાર કેમ કરી લે છે તે નથી સમજાતું?

ગુજરાતીલેકિસકોન તરફથી વાચકમિત્રોને વિનંતી છે કે આવો, ફક્ત 31મી મે નહીં પરંતુ વર્ષના દરેક દિવસને વિશ્વ તમાકુ વિરોધી દિવસ બનાવીને આ ધીમા ઝેરથી દૂર રહી પોતાનો અને સ્વજનોનું જીવન આર્થિક અને સામાજિક રીતે પ્રજ્જવલિત કરીએ.

જાણો આ શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English)

ઢાંઢો – big bullock.

સેવન – serving; service; taking (of medicine, tonic, etc.); hatching (eggs), incubation.

આંચ-આવવી – be injured, suffer harm.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects