સંસ્કાર એટલે સંસ્કરણ કરવું અથવા અન્ય ગુણોનો સમાવેશ કરવો તેને સંસ્કાર કહે છે. (as per rituals)સંસ્કારનો સંબંધ માનવીના જન્મથી લઈને મૃત્યુ સુધી રહ્યો છે. વિવિધ ધર્મશાસ્ત્રો મુજબ સંસ્કાર 16 પ્રકારના છે તેવી રજૂઆત કરવામાં આવી છે જે આ મુજબ છે : ગર્ભાદાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્કમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેધ, વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાન્ત, સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ. આ સંસ્કારમાં નામકરણ સંસ્કારનું વિશિષ્ટ મહત્ત્વ છે.
જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય ત્યારે કોઈકના ઘરે છઠ્ઠા દિવસે, કોઈકને ત્યાં દસમા દિવસે તો વળી કોઈકને ત્યાં સવા મહિને બાળકની નામકરણ (naming ceremony) વિધિ કરવામાં આવે છે. પહેલાંના સમયમાંં નક્ષત્ર, વર્ણ, માસ, ગુણ, ગુરુ, કુળદેવતા, ગોત્ર, પ્રાકૃતિક પદાર્થો વગેરેને આધારે નામ પાડવામાં આવે છે.
ગુજરાતી એન્સાઇક્લોપીડિયા સમાન ભગવદ્ગોમંડલમાં નામકરણનો (naming ceremony) નીચે મુજબ અર્થ આપવામાં આવ્યો છે :
“શુભ દિવસે બાળકનું નામ પાડવાનો વિધિ; હિંદુઓના સોળ માંહેનો નામ પાડવાનો પાંચમો સંસ્કાર. બાળકના જન્મ પછી અગિયારમે દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. અગિયારમો દિવસ તેને માટે ઘણો સારો માનવામાં આવે છે, પણ તે દિવસે ન થઈ શકે તો બારમાં દિવસે નામકરણ સંસ્કાર કરવો જોઈએ, એમ ગોભિલ ગૃહ્યસૂત્રમાં કહ્યું છે. સ્મૃતિઓમાં વર્ણ અનુસાર વ્યવસ્થા મળે છે, એટલે કે ક્ષત્રિયને માટે તેરમો દિવસ, વૈશ્યને માટે સોળમો દિવસ અને શુદ્રને માટે બાવીશમો દિવસ જણાવવામાં આવ્યો છે. ગોભિલ ગૃહ્યસૂત્રમાં નામકરણની વિધિ નીચે પ્રમાણે આપવામાં આવી છેઃ બાળકને સારૂં કપડું પહેરાવી માતા ડાબી બાજુએ બેઠેલા પિતાના ખોળામાં આપે. પછી તેની પીઠ તરફથી પરિક્રમા કરી તેની સામે આવી ઊભી રહે. ત્યાર બાદ… વધુ વાંચવા અહીં ક્લિક કરો : નામકરણ
જન્મના દિવસે અને સમયે ચંદ્ર જે રાશિમાં હોય તેની વિગત પરથી રાશિ અને તેના પરના નિયત અક્ષરો પૈકી કોઈ અક્ષરથી શરુ થતું નામ પાડવામાં આવે છે.
જેમ કે,
મેષ રાશિ : અ, લ, ઇ
તુલા : ર, ત
વૃષભ : બ, વ, ઉ
વૃશ્ચિક : ન, ય
મિથુન : ક, છ, ઘ, ક્ષ
ધન : ભ, ધ, ફ, ઢ
કર્ક : ડ, હ
મકર : ખ, જ
સિંહ : મ, ટ
કુંભ : ગ, શ, સ
કન્યા : પ, ઠ, ણ
મીન : દ, ય, ઝ, થ, જ્ઞ
નામ અર્થને સાર્થક કરનારું હોવું જોઈએ. તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો વ્યક્તિવાચક નામ પંચભૂતના પિંડનું છે, પરંતુ જીવને એ નામ સાથે તાદાત્મ્યપણુ, મારાપણું બંધાઈ જતું હોય છે. જાતિ કે કુળને ગૌરવાન્વિત કરે તેવું નામ હોય તો તેની માનસ ઉપર પણ મોટી અસર પડતી હોય છે. અમુક સમયે નામ જ વ્યક્તિના મૂલ્યાંકનનું માપદંડ બની જતું હોય છે, માટે નામ બાળકના આત્મગૌરવને વધારનારું, ઉત્સાહ પ્રેરનારું તથા પ્રેરણા આપનારું હોવું જોઈએ.
ભલે મહાન લેખક શેક્સપિયર એવું કહી ગયા હોય કે નામ મેં ક્યા રખા હૈ, પરંતુ નામ જ તમારા વ્યક્તિત્વની ઓળખ છે અને તમારા અસ્તિત્વની નિશાની છે. નામકરણ વખતે બાળકની ફોઈ ગાય છે કે, ઓળી ઝોળી પીપળે પાન ફઈએ પાડ્યું……… નામ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.