યુનેસ્કો દ્વારા તા. 19 નવેમ્બર 2019થી 25 નવેમ્બર 2019 સુધીના સપ્તાહને હેરિટેજ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વળી આપણા અમદાવાદ શહેરને પણ એક હેરિટેજ સીટી તરીકેની ઓળખ મળી છે. તો ચાલો આજે આ ઉજવણીના ભાગ રૂપે અમદાવાદની ખાસ ઓળખ સમા અડાલજની વાવ વિશે થોડી માહિતી મેળવીએ.
શું તમે જાણો છો અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે ?
ભારતીય સ્થાપત્યના ઉત્તમ નમૂના સમી અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે, લગભગ કોઈ ગુજરાતી તેનાથી અપરિચિત નહિ હોય.
શું તમે અડાલજ વાવના સ્થાપત્ય પાછળ રહેલા ઇતિહાસ વિશે જાણો છો?
અડાલજની વાવ માત્ર સૌન્દર્યની દૃષ્ટિએ જ અદ્ભુત નથી, પરંતુ તેની રચના પાછળ પ્રેમ, યુદ્ધ, ત્યાગ અને બદલાની વાર્તા પણ છુપાયેલી છે. તો ચાલો આજે શબ્દો થકી સફર કરીશું અડાલજની વાવના ઇતિહાસમાં.
વર્ષો પહેલાં રાજા-મહારાજાઓને પણ સામાન્ય માનવીની જેમ જ પાણી માટે માઈલો દૂરનું અંતર કાપવું પડતું. ત્યારે સને 1499માં હિંદુ રાજા રાણા વીર સીંઘે અડાલજ અને તેની આસપાસના રહીશોને જળની રાહત આપવા માટે અડાલજ ગામમાં વાવ બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ વાવનું બાંધકામ પૂરું થાય એ પહેલાં જ પડોશી મુસ્લિમ રાજા મેહમુદ બેગડાએ યુદ્ધ શરૂ કર્યું, જેમાં રાજા વીર સીંઘ શહીદ થયા. મેહમુદ બેગડાને વીર સીંઘની વિધવા સુંદર રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો ને તેણે રાણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી(એ) મેહમુદ બેગડાના પ્રસ્તાવને સ્વીકારવા સંમત તો થયા પરંતુ તેમણે શરત મૂકી કે પહેલા તેણે પોતાના મૃત પતિના અધૂરા સ્થાપત્યને પૂરું કરવું પડશે. મેહમુદ બેગડાએ શરત સ્વીકારી અને ત્યારબાદ શરૂ થયું અડાલજની વાવનું અધૂરું બાંધકામ. આથી જ વાવમાં સોલંકી શૈલીનું શિલ્પકામ તેમજ હિંદુ અને જૈન મૂર્તિઓની કોતરણી જોવા મળે છે, તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે.
વાવનું બાંધકામ પૂરું થતાં જ મેહમુદ બેગડાએ રાણીને તેનું વચન યાદ કરાવ્યું પરંતુ મુસ્લિમ રાજા મેહમુદ બેગડા સાથે લગ્ન ન કરવાના ઇરાદે રાણી રૂડાબાઈએ વાવની ફરતે પ્રાર્થના કરી વાવમાં કૂદકો મારીને પોતાના જીવનનો ત્યાગ કર્યો. સદ્ભાગ્યે મેહમુદ બેગડાએ સ્થાપત્યને કોઈ જ નુકશાન ન પહોંચાડ્યું પરંતુ કહેવાય છે કે બેગડાએ વાવનું બાંધકામ કરનાર છ કડિયાઓને મારી નાખ્યા જેથી બીજું કોઈ વ્યક્તિ આ વાવની પ્રતિકૃતિ ન કરી શકે, આ છ કડિયાની કબરો વાવની નજીક આવેલી છે.
રાજા વીરસિંઘે પાણીનો સંગ્રહ કરવા, તેમજ યાત્રિકો અને સ્થાનિકોને આશરો આપવા અને આધ્યાત્મિક હેતુથી અડાલજની વાવ બનાવી હતી. ભારતીય-ઇસ્લામિક શૈલી અને સંસ્કૃતિથી બાંધવામાં આવેલ અડાલજની વાવમાં હિંદુ અને જૈન ધર્મના પ્રતિકો ઇસ્લામિક કોતરણી સાથે એકીકૃત રીતે મિશ્રિત થયેલા જોવા મળે છે જે એક ભારતીય સ્થાપત્યનો અજોડ અને ઉત્તમ નમૂનો છે. દૈનિક જીવનની સામાન્ય ઘટનાઓ જેવી કે માખણ વલોવતી અને વાર્તાલાપ કરતી સ્ત્રીઓ જેવા દૃશ્યો પણ સુંદર રીતે દીવાલો અને થાંભલાઓમાં મઢી લેવામાં આવ્યા છે.
અડાલજની વાવનું પાંચ મંજિલનું સ્થાપત્ય ભુકરિયા રેતાળ પથ્થરોની મદદથી બનાવવામાં આવેલ છે. વાવની અંદર હવા અને પ્રકાશનો માર્ગ એ રીતે બનાવવામાં આવ્યો છે જેથી સૂર્યનો સીધો પ્રકાશ પગથિયાઓ ઉપર ન આવી શકે. વાવનો પાંચમો માળ અદ્ભુત છે. અહીંથી તમે વાવના પીરોજી રંગના પાણી અને તેની અદ્ભુત આભા જોઈ શકો છો.
અડાલજની વાવનું સ્થાપત્ય ગુજરાતની અન્ય વાવની સરખામણીમાં અનેક રીતે અલગ તરી આવે છે, આ વાવમાં પ્રવેશદ્વાર માટે ત્રણ દિશાઓમાંથી ઉતરતા પગથિયાઓ છે, જે તમામ પહેલી મંજિલ પર મળે છે. એટલું જ નહીં વાવમાં જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ વાવની અંદરનું તાપમાન ઠંડુ થતું જાય છે. વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં 6 ડિગ્રી ઓછું જણાય છે. વાવની ઠંડક, અદ્ભુત નયનરમ્ય કોતરણી અને દીવાલો પર કોતરેલા નવ ગ્રહના દેવતાઓની મૂર્તિઓ સવિશેષ ધ્યાનાકર્ષક છે. એવી માન્યતા છે કે વાવની ફરતે કોતરાયેલા આ નવગ્રહના દેવતાઓ વાવને સંરક્ષણ આપે છે. રાણી રૂડાબાઈ સાથે લગ્ન કરવા માટેની શરત રૂપે મેહમુદ બેગડા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે 500 વર્ષ ઉપરાંત પણ અડાલજની વાવ આપણી સમક્ષ અકબંધ અને અડીખમ ખડી છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ આપતી આ વાવમાં વિદેશી પ્રવાસીઓ, આર્કિટેકટના વિદ્યાર્થીઓ, ફોટોગ્રાફરો સંશોધન કાર્ય અને ફોટોશૂટ માટે આવે છે.
અડાલજની વાવ નજીક અન્ય ફરવા લાયક સ્થળો :
અમદાવાદથી અને ગાંધીનગરની વચ્ચે અડાલજ ગામમાં આવેલ આ અદ્ભુત વાવની મુલાકાત લેવા આવો ત્યારે આજુબાજુમાં આવેલ આકર્ષણો જેવા કે ઇન્દ્રોડા ડાયનોસોર અને ફોસિલ પાર્ક, મહાત્મા મંદિર તેમજ અક્ષરધામ મંદિર જોવાનું ચૂકશો નહીં.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં