એક વાર એક રાજાના મનમાં વિચાર આવ્યો કે જો પોતે એ જાણી શકે કે કયું કામ કરવા જેવું અને કયું ન કરવા જેવું, કયો માણસ જરૂરી અને કયો માણસ બિનજરૂરીએ અને કામ કરવા માટે કયો વખત સારો અને કયો વખત નરસો, તો તે કદી પોતાના કામમાં નિષ્ફળ ન જાય.
આમ વિચાર આવતાં તેણે પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે, ”કયું કામ સૌથી વધારે ઉપયોગી છે? કયો માણસ એ માટે વિશેષ મહત્ત્વનો છે? અને એ માટે કયો સમય સૌથી ઉપયોગી છે? આ મહા પ્રશ્નોના જે કોઈ સંતોષકારક જવાબ આપશે તેને મોટું ઇનામ આપવામાં આવશે.”
મોટા મોટા વિદ્વાનો રાજા પાસે આવીને જુદા જુદા જવાબો આપવા લાગ્યા.
પહેલા પ્રશ્નના જવાબમાં કેટલાક લોકોએ કહ્યું કે : ‘દરેક કામ કરવામાં ચોક્કસ દિવસ, મહિનો અને વર્ષ નક્કી કરવાં જોઈએ અને તેને દૃઢતાથી વળગી રહેવું જોઈએ, તેમ થાય તો દરેક કામ સમયસર પૂરું થઈ શકે.”
તો બીજા લોકોએ કહ્યું કે : ‘કયું કામ ક્યારે અને કેવી રીતે કરવું તે અગાઉથી કહેવું અશક્ય છે. એ તો જેમ જેમ કામ થતું જાય, તેમ તેમ એની જરૂરિયાત પ્રમાણે આગળ ઉપર તેનો માર્ગ સૂઝતો જાય.’
વળી ત્રીજા કેટલાકનો એવો મત થયો કે : ‘કોઈ પણ એક માણસ આ પ્રશ્નોનો ચોક્કસ જવાબ ન આપી શકે. એને માટે તો રાજાએ કેટલાક ડાહ્યા માણસોની એક સલાહકાર સમિતિ નીમવી જોઈએ.’
અને ચોથા સમૂહે જણાવ્યું કે : ‘કેટલીક એવી અગત્યની બાબતો હોય છે જેનો તાત્કાલિક નિર્ણય કરવો પડે. આવે વખતે સલાહકાર સમિતિની સલાહ લેવાનો સમય જ ન રહે. એટલા માટે આવી બાબતોમાં ભવિષ્યમાં શું થશે એ અગાઉથી જાણી લેવાની જરૂર રહે છે. તેથી ભવિષ્યની વાત જાણનાર જોષીઓ અથવા જાદુગરોની આમાં સલાહ લેવી જોઈએ.’
બીજા પશ્નના જવાબમાં પણ આવા જ જુદા જુદા ઉત્તરો મળ્યા. કેટલાકે કહ્યું કે : ‘રાજાને સલાહ આપનારા તેમના અધિકારીઓ સૌથી વધારે ઉપયોગી માણસો છે.’ વળી કોઈએ કહ્યું : ‘ધર્મગુરૂ, વૈદ્યો અને ડૉક્ટરો સૌથી ઉપયોગી છે.’ જ્યારે કેટલાકે ભારપૂર્વક જણાવ્યું કે ‘લશ્કરના સિપાઈઓ જ સૌથી વધુ ઉપયોગી છે.’
આ મુજબ જ ત્રીજા પ્રશ્નના જવાબમાં પણ ઘણા જુદા જુદા અભિપ્રાયો મળ્યા. કેટલાકે કહ્યું : ”વિજ્ઞાન એ દુનિયામાં સૌથી ઉપયોગી વસ્તુ છે.’ અને કેટલાકે કહ્યું : ‘યુદ્ધકળા જ અગત્યની ચીજ છે.’ જ્યારે કોઈએ વળી ધર્મ અને ક્રિયાકાંડ જ સૌથી વિશેષ ઉપયોગી હોવાની વાત કરી.
બધા જવાબો જુદા જુદા હતા તેથી રાજા કોઈની સાથે સંમત થઈ શક્યો નહીં અને કોઈનો અભિપ્રાય સ્વીકારી શક્યો નહીં. આથી તેણે પોતાના પ્રશ્નોના સાચા જવાબો મેળવવા માટે પોતાના રાજ્યમાં પ્રસિદ્ધ એવા એક સાધુની સલાહ લેવાનું નક્કી કર્યું. આ સાધુ કદી જંગલમાંથી બહાર નીકળતા નહીં અને જંગલના લોકો સિવાય કોઈને મળતા નહીં. આથી રાજાએ સામાન્ય લોકો જેવો પોષાક પહેર્યો અને પોતાના અંગરક્ષકોને જંગલમાં દૂર ઊભા રાખીને પોતે એકલો પગપાળો સાધુની ઝૂંપડી પાસે આવ્યો. રાજાએ જોયું તો સાધુ તેની ઝૂંપડી પાસે બગીચામાં ઘાસ નીંદતા હતા. સાધુએ રાજા તરફ જોયું, તેને આવકાર આપ્યો અને પાછા તરત ઘાસ કાઢવા લાગ્યા. તે દૂબળા અને અશક્ત હતા અને હળવે હળવે કોદાળીથી ક્યારાઓને ગોડતા હતા અને વારંવાર ઊંડા શ્વાસ લેતા જતા હતા.
રાજા તેમની પાસે ગયો અને બોલ્યો : ‘હે સાધુપુરુષ ! હું તમારી પાસે ત્રણ પ્રશ્નોના જવાબ મેળવવા આવ્યો છું : કયો સમય સૌથી વધારે ઉપયોગી છે? સૌથી વધારે ઉપયોગી માણસ કયો છે કે જેની ઉપર હું સૌથી વધારે ધ્યાન આપી શકું અને કયું કામ સૌથી વધુ ઉપયોગી છે કે જે મારે સૌ પ્રથમ હાથ ધરવું જોઈએ?’
સાધુએ રાજાની વાત સાંભળી લીધી પણ કશો જવાબ આપ્યો નહીં. એણે ફક્ત પોતાના હાથ પર ફૂંક મારી અને ગોડવાનું કામ ફરી શરૂ કર્યું.
‘તમે થાકી ગયા હશો.’ રાજાએ કહ્યું : ‘મને કોદાળી આપો, હું તમને થોડી વાર મદદ કરું.’
બે ક્યારા ખોદ્યા પછી રાજા અટક્યો અને પોતાના પ્રશ્નો ફરીથી પૂછ્યા. સાધુએ કશો જવાબ ન આપ્યો, પરંતુ ઊભા થઈને તેણે કોદાળી લેવા હાથ લંબાવ્યો અને કહ્યું : ‘હવે તમે આરામ કરો, હું કામ કરું છે.’ પરંતુ રાજાએ કોદાળીએ આપી નહીં અને પોતે ખોદવાનું ચાલું રાખ્યું. એમ કરતાં કલાકો પર કલાક પસાર થયા. સૂર્ય વૃક્ષો પાછળ નમવા લાગ્યો એટલે રાજાએ કોદાળી જમીન પર મૂકીને કહ્યું.
‘મહારાજ ! હું આપની પાસે મારા ત્રણ પ્રશ્નોના જવાબો લેવા આવ્યો છું. જો તમે મને એ જવાબો ન આપી શકો તેમ હો તો તમે મને કહો જેથી હું પાછો ફરું.’
‘અરે ! કોઈ સામેથી દોડતું આવે છે.’ સાધુ બોલ્યા : ‘ચાલો, ચાલો, જોઈએ, એ કોણ છે?’
દૃઢતા – કઠણાશ; ન મરડાય એવું હોવાપણું; સખ્તાઈ.
કોદાળી – ખોદવાનું લાકાડના હાથા અને લોખંડના ફળાવાળું ઓજાર.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.