આરવ ભણવામાં મધ્યમ હતો. એની મમ્મી આરતીબહેને એના માટે ટયૂશન અંગે વિચાર્યું. ઘરે પ્રાઇવેટ ટયૂશન મોંઘું પડે એમ હતું. એટલે ક્લાસીસમાં મૂકવાનો વિચાર કર્યો, પરંતુ ક્લાસીસમાં ય શાળાની જેમ વધારે છોકરાં ભણતાં હોય એટલે આરવ મન દઈ ભણી ન શકે, એવું આરતીબહેનને લાગ્યું. બાજુની સોસાયટીમાં હીનાબહેન ઘરે પાંચ-સાતની નાની બેચ બનાવી ભણાવતાં હતાં. આરતીબહેને આરવને ત્યાં ભણવા મોકલવાનો નિર્ણય કર્યો.
આરવ આઠમા ધોરણમાં ભણતો હતો. જાતે સાઇકલ લઈ સ્કૂલે અને બધે જતો હતો. આરતીબહેન આરવને લઈ હીનાબહેનનાં ઘરે ગયાં. હીનાબહેનનો વર્ગ તે સમયે ચાલુ હતો.
“આવો બહેન.” હીનાબહેને આવકાર આપ્યો.
“મારે મારા સનને તમારે ત્યાં ટયૂશને મૂકવો છે.” આરતીબહેને કહ્યું.
હીનાબહેને એમને જરૂરી માહિતી આપી. દર મહિને પાંચસો રૂપિયા ફી ભરવાની. રોજ એક કલાક ભણવા જવાનું. રવિવારે સવારે કોઈ એક વિષયની પરીક્ષા પણ લેવાય.
આરતીબહેનને હીનાબહેનની વાત ગમી ગઈ ને આરવ ભણવા જવા લાગ્યો. દર મહિને આરવ જોડે જ આરતીબહેન ફી મોકલાવી દેતાં હતાં.
શાળામાં પણ દર મહિને નાની-મોટી પરીક્ષા લેવાતી હતી. આરવનું પરિણામ ધીરે ધીરે સુધરવા લાગ્યું હતું. આરતીબહેન એ જોઈ ખુશ હતાં. તેમને થયું સારું થયું, મેં મારા દીકરાને હીનાબહેનને ત્યાં મોકલ્યો, નહિતર એ આવો હોશિયાર ન થાત.
આમ ને આમ પ્રથમ સત્રની પરીક્ષા આવી અને ગઈ. આરવે પરીક્ષા આપી. પરિણામ આવી ગયું. અગાઉ આરવ ૬૦-૬૨ ટકા લાવતો હતો. તેને ૭૫ ટકા આવ્યા હતા. એનાં મમ્મી ખૂબ જ ખુશ હતાં. સોસાયટીમાં પણ આ વાત બધાંને કહેતાં હતાં. હીનાબહેનનું ટીચિંગ સારું છે હોં.
ને એક દિવસ આરતીબહેને આરવને કહ્યું, “આરવ, મારે તારાં ટીચર હીનાબહેનને મળવું છે.”
આ સાંભળી આરવ ગભરાયો. તે બોલ્યો, “શા માટે, મમ્મી?”
“અભિનંદન આપવા.”
“ના મમ્મી, તું ચિઠ્ઠી લખી દે, હું બહેનને આપી દઈશ.”
“એના કરતાં હું રૂબરૂ મળીશ.” આરવ કંઈ ન બોલ્યો. ને બીજે દિવસે આરતીબહેન હીનાબહેનને મળવા ગયાં. તે સમયે આઠમા ધોરણની બેચ ચાલુ હતી, પણ ત્યાં આરવ ન હતો.
“આવો બહેન.” હીનાબહેને આવકાર આપ્યો.
“મારો આરવ ક્યાં છે?” આરતીબહેને પૂછયું.
“એ તો અહીં ભણવા આવતો નથી. મને એમ કે તમે પછી એને બીજે મૂક્યો હશે.” આ સાંભળી આરતીબહેનને આંચકો લાગ્યો. આરવ ક્લાસમાં જતો નથી તો જાય છે ક્યાં? રોજ આ સમયે તે બહાર જ હોય છે ને કસોટીનાં પેપરો પણ લઈને આવે છે. તો પછી..?
તે વર્ગમાં આરવનો મિત્ર હરિત ભણતો હતો. હરિત બોલ્યો, “આન્ટી, આરવ તો બીજે ભણવા જાય છે. ચાલો, હું તમને લઈ જાઉં.” વર્ગનો સમય પૂરો થયો હતો. હરિત આરતીબહેનને લઈ સોસાયટી બહાર આવ્યો. “આન્ટી, આરવ એના ભાઈબંધ માધવના ઘરે ભણવા જાય છે.”
આરતીબહેને પૂછયું, “માધવને ભણાવવા કોઈ ટીચર ઘરે આવે છે?”
“ના આન્ટી, માધવ તો ગરીબ છે. એને ટયૂશન ન પોસાય.”
આરતીબહેન વધુ ગૂંચવાયાં, તો પછી આરવ ત્યાં શીદ જતો હશે?
“આન્ટી, માધવ જ આરવને ભણાવે છે. માધવ અમારા વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. તે દર વખતે પ્રથમ નંબરે પાસ થાય છે.”
માધવના ઘરે પહોંચતાં પહેલાં આરતીબહેને થોડી ઘણી માહિતી હરિત પાસેથી મેળવી લીધી હતી. માધવના પિતા ગુજરી ગયા હતા. મા આજુબાજુનાં ઘરકામ કરી બે પૈસા કમાઈ લેતી હતી. માધવને એક નાની બહેન પણ હતી. માધવને પૈસાની જરૂર હતી,પણ તે કોઈની પાસે હાથ લંબાવવામાં માનતો ન હતો. તે મહેનત કરી કમાવામાં માનતો હતો.
માધવનું ઘર સોસાયટીની બહાર ઝૂંપડપટ્ટીની અંદર હતું. કાચું પણ ચોખ્ખું સરસ ઘર હતું. તેઓ તેના ઘરે પહોંચ્યાં ત્યારે માધવ આરવને ગણિતના દાખલા સમજાવી રહ્યો હતો. મમ્મીને આમ અચાનક આવેલી જોઈ આરવ ગભરાઈ ગયો. તે બોલ્યો, “મમ્મી, માધવ મને ભણાવે છે. હું રોજ અહીં ભણવા આવું છું. આ વાત હું તને કરવાનો હતો પણ…”
“ગભરાઈશ નહીં બેટા, રસ્તામાં હરિતે મને થોડી ઘણી વાત કરી છે. તેં કંઈ જ ખોટું કર્યું નથી.” આરતીબહેને આરવના માથે હાથ ફેરવ્યો.
“મમ્મી, માધવ જે શીખવે છે તે મને ઝટ સમજાઈ જાય છે. દર મહિને હું ટયૂશન ફી ના પૈસા એને આપું છું. પૂછ એને… કેમ માધવ?”
“હા, આન્ટી, હું તો ના પાડું છું પણ આરવ મને પૈસા પરાણે આપે છે.” માધવ બોલ્યો.
આરતીબહેન બોલ્યાં, “બેટા માધવ, ભણાવવાના પૈસા તો લેવા જ પડે ને? એમાં ખોટું શું છે?” ને પછી થોડી વાર રહી બોલ્યાં. “માધવ, હવે તારે અહીં આરવને ભણાવવાનો નથી, પણ મારા ઘરે આવવાનું છે ને સાંભળ, તારે આરવની નાની બહેન દીયાને પણ ભણાવવાની છે. એની ફી પણ મળશે.”
આ સાંભળી આરવ ખુશ થયો. આરવનો દોસ્ત – ટીચર માધવ તો તેથીય વધારે ખુશ થયો. તે આરતીબહેનના પગે પડયો. આરતીબહેને બંનેને બાથમાં લઈ લીધા.
– નટવર પટેલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ