તા. 13 જાન્યુઆરી 2015, મંગળવારના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ મુકામે સાંજના 5.30 થી 7.00 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર દ્વારા ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2006માં મુંબઈ મુકામે તા. 13 જાન્યુઆરીના જ દિવસે જાહેર લોકાર્પણ પામેલ ગુજરાતીલેક્સિકન તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી દસમાં વર્ષમાં પ્રવેશ કરે છે.
ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર શ્રી રતિલાલ ચંદરયા(રતિકાકા)ની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે.
ગુજરાતીલેક્સિકન એટલે 45 લાખથી વધુ શબ્દનો ભંડોળ ધરાવતો એક સ્રોત. જેમાં અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, મરાઠી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ, પર્યાયવાચી શબ્દો જેવા કોશ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિધ ગુજરાતી રમતો, સ્પેલચેકર, સાહિત્યનો ભંડાર અને વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. વળી ગુજરાતીલેક્સિકનની મોબાઇલ કે ડેસ્કટોપ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નિ:શુલ્ક ઉપલબધ છે.
તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર તરફથી તેના સ્થાપક આદરણીય રતિકાકાની સ્મૃતિમાં એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભાના એક ભાગ રૂપ ગુજરાતીલેક્સિકન તરફથી ગત ઑક્ટોબર માસમાં બે પ્રતિભાશોધ સ્પર્ધા (1) નિબંધ લેખન (પ્રથમ પારિતોષિક – 25000 રૂપિયા, દ્વિતીય પારિતોષિક – 15000 રૂપિયા) અને (2) ટૂંકી વાર્તા સ્પર્ધા (પ્રથમ પારિતોષિક – 25000 રૂપિયા, દ્વિતીય પારિતોષિક – 15000 રૂપિયા) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કૃતિ મોકલવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2014 હતી.
આ સ્પર્ધામાં કોઈ વયમર્યાદા કે સ્થળમર્યાદા રાખવામાં આવી ન હતી. આ ઉપરાંત, એક સ્પર્ધક બન્ને સ્પર્ધામાં ભાગ લઈ શકે તેમ છૂટ રાખવામાં આવી હતી. નિબંધ સ્પર્ધાના વિષયોની રજૂઆત ગુજરાતીલેક્સિકન તરફથી કરવામાં આવેલ હતી. આ સ્પર્ધા અંતર્ગત સમગ્ર વિશ્વમાંથી કુલ 138 કૃતિઓ ગુજરાતીલેક્સિકન ટીમને મળેલ છે, જે અંતર્ગત નિબંધ વિભાગમાં 59 અને ટૂંકી વાર્તા વિભાગમાં 79 કૃતિઓ મળેલ છે.
આ કૃતિઓની ચકાસણી શ્રી પ્રફુલ્લભાઈ રાવલ અને સુશ્રી દક્ષાબહેન પટેલે કરી હતી. આ સ્પર્ધાના પરિણામ નીચે મુજબ છેઃ
નિબંધલેખન સ્પર્ધા :
ટૂંકી વાર્તા સ્પર્ધા :
સભાની શરૂઆતમાં ઉપસ્થિત આમંત્રિતોના નામની નોંધણી કરી તેમને ગુજરાતીલેક્સિકનનાં બ્રોશર આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આમંત્રિત સૌ મહેમાનોની સાથે શ્રી રતિલાલ ચંદરયા પ્રથમ સ્મૃતિ સભાના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત શેઠ, અતિથિ વિશેષ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક અને શ્રી વિમલ ચંદરયા અને સભાના મુખ્ય મહેમાન શ્રી કુમારપાળ દેસાઈએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. આ સમગ્ર સભાનું સંચાલન ગુજરાતીલેક્સિકન ટીમ તરફથી મૈત્રી શાહે કર્યું હતું.
સભાની શરૂઆત આમંત્રિતોના સ્વાગત બાદ સરસ્વતી વંદના અને જય જય ગરવી ગુજરાત ગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2006માં લંડનમાં ગુજરાતીલેક્સિકન લોકાર્પણ પ્રસંગે રતિકાકાએ આપેલા તેમના વક્તવ્યના અમુક અંશો એક ઓડિયો સ્વરૂપે એકત્રિત કરી તે ઓડિયોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. લગભગ 5 મિનિટની આ ક્લિપ સૌ આમંત્રિતોએ ધ્યાનથી સાંભળી હતી અને રતિકાકાના આ પ્રયાસોને તાળીઓથી વધાવી લીધો હતો.
ત્યારબાદ સભાના પ્રમુખ, અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાને મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. રતિકાકાના પુત્ર વિમલભાઈના હસ્તે આ મહાનુભાવોનું શાલ અને પુસ્તક અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ વક્તવ્ય શ્રી કુમારપાળભાઈએ રજૂ કર્યું હતું. તેમના વક્તવ્યમાં તેમણે રતિકાકા સાથેનાં તેમનાં સંસ્મરણો, રતિકાકાનો આ પ્રકલ્પ પાછળનો ઉદ્દેશ, પ્રયાસ વગેરે બાબતો ઉપર પ્રકાશ પાડ્યો હતો. આવા પ્રયોજનો બહોળા પ્રમાણમાં થવા જોઈએ તેવું મંતવ્ય તેમણે રજૂ કર્યું હતું.
ત્યારબાદ મૈત્રી શાહ દ્વારા ગુજરાતીલેક્સિકન પ્રકલ્પ વિશેની માહિતી અને ભવિષ્યના આયોજનો વિશેની માહિતી આપવામાં આવી હતી અને આ ઉપરાંત ગુજરાતીલેક્સિકન સાથે સંકળાયેલા અને હાલ ભારત બહાર રહેનાર અશોકભાઈના વક્તવ્યના અંશોનું વાંચન કરવામાં આવ્યું હતું.
પછીના ક્રમે કુલીનભાઈએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરેલ અને તેમાં તેમણે તેમની કારકિર્દી દરમ્યાન અનુભવેલા ભાષા સંબંધિત ઉદાહરણો રજૂ કરી અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ સભા પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈએ જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને રતિકાકાના આ પ્રયાસોને બિરદાવ્યા હતા.
મંચસ્થ મહાનુભાવોના વક્તવ્ય બાદ સ્પર્ધાની નિર્ણાયક સમિતિના સભ્યો સુશ્રી દક્ષાબહેન પટેલ અને શ્રી પ્રફુલ્લભાઈ રાવલ (તબિયતની પ્રતિકૂળતાને કારણે ઉપસ્થિત ન રહી શકનાર)નું ગુજરાત નિપોનના ડાયરેક્ટર શ્રી અજયભાઈ સંઘવી દ્વારા પુસ્તક અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
દક્ષાબહેને સ્પર્ધકોના પ્રયાસોને બિરદાવ્યો હતો અને તેમને સારા વાર્તાકારના પુસ્તકોનું અવિરત વાંચન કરતાં રહેવું જોઈએ એવી ઉપયોગી માહિતી આપી હતી. ત્યારબાદ દક્ષાબહેને વિજેતા સ્પર્ધકોના નામની જાહેરાત કરી હતી અને મંચસ્થ મહાનુભાવો દ્વારા વિજેતા સ્પર્ધકોને અભિવાદનપત્ર અને પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં.
સભાના અંતે, મૈત્રી શાહ દ્વારા આભારવિધિ અને સમાપનવિધિ કરવામાં આવી હતી અને આ સભા માટે મદદરૂપ થનાર સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. છેલ્લે, અલ્પાહાર કર્યા બાદ સભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જાણીતાં સમાચાર પત્રોમાં આ કાર્યક્રમના સમચાર પ્રકાશિત થયા હતા તેનાં કટિંગ્ઝ રજૂ કરી રહ્યો છુંઃ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.