Gujaratilexicon

રક્ષાબંધન – ભાઈબહેનના પવિત્ર સંબંધનું પર્વ

August 09 2014
Gujaratilexicon

શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના  દિવસે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન તા. ૧૦ – ૦૮ – ૨૦૧૪ ને રવિવારના રોજ આવે છે.

ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે.  જે બિલકુલ નખ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા.  ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ હોય છે. ભાઈ-બહેનના આ જ પ્રેમ અને મહત્ત્વને દર્શાવવા માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવે છે.

આ દિવસ બહેનો માટે પોતાના અને માનેલા ભાઈને રાખડી બાંધવાનો દિવસ છે. બહેન  અંતરના પ્રેમના ધાગાથી રાખડી બાંધીને પોતાના ભાઈના જીવનની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શ્રદ્ધા અને લાગણીથી ગૌરવ પ્રદાન કરે છે.

આજે બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો આજે સુભગ સમન્વય થાય છે.

પૌરાણિક કથા મુજબ વામનરૂપ ધારણ કરીને દાનવીર ગર્વિષ્ઠ બલિરાજા આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી માંગી. પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી. દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પ્રભુનાં આ કપટથી દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી. આ પ્રસંગને યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે. ‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો.

સૌ મિત્રોને ગુજરાતીલેક્સિકોન તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક મંગલકામનાઓ પાઠવવામાં આવે છે.

રક્ષાબંધન

આવ્યો શ્રાવણ માસ,  બહેનીને રક્ષા બંધનની આશ,

રક્ષા બંધન અવસર ટાણે, વીરો વહેલો આવ્યો જાણે.

વીરા માટે થાળી સજાવું, હીરા મોતીની રાખડી લાવું,

કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા અક્ષતથી એને સજાવું .

મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા સોહાવું,

લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.

લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,

વીરો સુખ સમૃદ્ધિને વરે, કુબેર ને લક્ષ્મીજી ઘર ભરે.

ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને હેતે જ હરખાવું,

રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ હરખે છે ભલેરો.

બહેનીને વીરો હરખે ભર્યા, માડીજાયાના અંતર ઠર્યા,

વીરાએ દીધી ભેટ અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ મોલ.

– ‘સ્વપ્ન’ જેસરવાકર ( ગોવિંદ પટેલ)

* * * * *

વીર પસલી

“વીર પસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે, ચીર ?
મેઘધનુની સાડી કરું,
પહેરી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા કયારે પાળે કોલ? ”

” સપ્તર્ષિના તારા સાત,
પાંચીકડાની કેવી જાત ?
હમણાં લાવું, ગમશે બે’ન?
મૂકીશ ને તું તારું વેણ?
સાથે, બહેની, રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ.”

– કૃષ્ણલાલ શ્રીધરાણી

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

અક્ષત – નહિ ભાંગેલું, ઈજા પામ્યા વિનાનું, આખું, સલામત. (૨) પું○, બ○વ○ મંગળ પ્રસંગે દેવને કે અન્ય કોઈને વધાવી લેવા વપરાતા સાળ, ડાંગર વગેરેના આખા દાણા. (૩) (ચાલુ) ચોખા

કરકમલ – હાથરૂપ કમળ, કમળના જેવો હાથ

માડીજાયો – હાદુર પુરુષ

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects