1970-72 થી સફરે નીકળેલાં પ્રીતિબહેનને પ્રવાસની સહજ ટેવ છે. શાળાના સમયથી પ્રવાસવર્ણન લખવાંની ટેવવાળાં પ્રીતિબહેને અત્યાર સુધી 112 દેશોનો પ્રવાસ કર્યો છે. એક્લપંડે વિશ્વભરને ખૂંદનાર અને ઉત્તરધ્રુવનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા પ્રીતિ સેનગુપ્તા મૂળ અમદાવાદનાં છે. નાનપણથી ફરવાનો શોખ ધરાવનારાં પ્રીતિબહેને દસમું ધોરણ પાસ કર્યું ત્યાં સુધી આખું હિન્દુસ્તાન જોઈ લીધું હતું. લગ્ન પછી અમેરિકા ગયાં ત્યારે દેશ ખૂબ યાદ આવતો હતો. અમેરિકામાં એમના માટે નવું હતું. તેને જાણવા-સમજવા માટે અમેરિકામાં ફરવું પડે એ સ્વાભાવિક હતું. એટલે સતત ત્રણ મહિના અમેરિકા ફર્યાં અને પછી તો આ યાત્રા ચાલુ જ રહી. અમેરિકા વટોળીને તેઓ આજે વિશ્વભરનાં પ્રવાસી બની ગયાં છે.
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવની બાદશાહી ઢબ. ત્યારે પ્રીતિબહેન કહે છે કે પ્રવાસ એટલે ‘જાતને પોતાનામાંથી બહાર લઈ જવાની તક.’ પ્રવાસ કરવાથી મન વિશાળ થાય છે અને જે તે સ્થળ અને ત્યાંના લોકો માટે એક જાતનો સ્વીકારભાવ આવે છે. પ્રીતિબહેન અસંખ્ય દેશોમાં ફર્યાં છતાં દરેક જગ્યા અને દરેક દેશ માટે કહે છે,’ હું જયાં જાઉં ત્યાં એવી રીતે વર્તું છું કે એ મારું જ શહેર, મારું રાજ્ય કે મારો જ દેશ હોય. ‘પ્રવાસે જવું એટલે ઘણી બધી તકલીફો વેઠવી પડે છે અને જ્યારે એકલાં પ્રવાસે જવાનું હોય અને તેય પાછી મહિલા તો કદાચ તકલીફોમાં વધારો અને તકલીફોનો પ્રકાર પણ બદલાતો હશે. છતાં એક સ્ત્રી કે એક ગુજરાતી કે એક ભારતીય તરીકે ફરવા કરતાં તેઓ એક પ્રવાસી તરીકે જ બધે ફર્યાં છે. એમણે પોતાની ઓળખ એ જ રીતે વિકસાવી છે.
દરેક વ્યક્તિ પર કોઈકનો પ્રભાવ અથવા તો કયાંકથી પ્રેરણા લઈને પોતાના વ્યક્તિત્વમાં એ વિશિષ્ટતા ઊભી કરતી હોય છે. પ્રીતિબહેનના કિસ્સામાં આવું કશું જ નથી છતાં એ કહે છે કે મારા પ્રિયમાં પ્રિય વ્યક્તિ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર છે. પ્રવાસ કે મુસાફરીનું પહેલું પગથિયું કદાચ નકશો હશે અને માટે જ પ્રીતિબહેનને દરેક નકશો જોવો ખૂબ ગમે છે. પછી તે કોઈ રાજ્યનો હોય, કોઈ ઘરનો હોય કે કોઈ દેશનો. અત્યારે વિશ્વમાં જ્યારે અસલામતી અને આતંકવાદ દેખાય રહ્યો છે ત્યારે એક પ્રવાસી તરીકે પ્રીતિબહેનને પૂછવામાં આવે કે આતંકવાદનો ભય પ્રવાસીઓને અસર કરે છે? પ્રીતિબહેન જવાબ આપે છે, “આતંક્વાદની અસર વિશ્વમાં પ્રવાસ કરતા દરેક પ્રવાસીઓ પર થઈ છે. પહેલા પ્રવાસીઓને શારીરિક રીતે અગવડ પડતી હતી. હવે આતંકવાદને લીધે બધા જ દેશોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે.” એક પ્રવાસી તરીકે તેઓ કહે છે કે “આનો ઉકેલના મૂળમાં ગાંધીજી જ છે. તેઓ અહિંસાથી બધા પ્રશ્નોનો ઉકેલ લાવતા હતા. દેશ એટલે આપણું ઘર,આપણને કેટલું ગમે ! દરેક વ્યક્તિના જીવનમાં જુદા જુદા પ્રકારના આનંદ હોય છે. પ્રીતિબહેનનો આનંદ એ એમનો પ્રવાસ છે. જોકે પ્રીતિબહેન માટે તો પ્રવાસ એમનો પ્રેમ પણ છે. પ્રીતિબહેન માત્ર પ્રવાસ કરીને, ફરીને, આનંદ જ નથી મેળવતાં, પરંતુ એમનાં પ્રવાસવર્ણનો થકી ગુજરાતી ભાષાના વાચકોને પણ એમની સાથે પ્રવાસ કરાવે છે. પ્રવાસયાત્રાની સાથે સાથોસાથ પ્રીતિબહેનની લેખનયાત્રા પણ એટલી જ સમૃધ્ધ છે. કોલેજના ભીંતપત્રોમાં કવિતાઓ અને અંગ્રેજી દૈનિકમાં સાંસ્કૃતિક વિષયને લગતી કોલમ લખનાર પ્રીતિબહેન આજે લોકપ્રિય અને નીવડેલાં પ્રવાસલેખિકા છે. એમનાં પ્રવાસવર્ણનોનાં પુસ્તકોને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે.
ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત કુમાર ચંદ્રક એવોર્ડ પણ એમનાં પ્રવાસવર્ણનનાં ‘સંબંધની ઋતુઓ’ પુસ્તકને મળ્યો છે. પ્રવાસ કરવો એટલે જ સાહસ કરવું. તમે ઘર છોડીને બહાર નીકળો એટલે અનેક પ્રકારની અગવડ અને અનિશ્ચતતાનો સામનો કરવો પડે. એમાંય એક મહિલા તરીકે, વળી એમાંય એક પરિણીત મહિલા તરીકે વિશ્વના 112થી વધારે દેશોમાં પ્રવાસ કરવો એ પોતે જ મોટું સાહસ છે. અનેક દેશોમાં આતંકવાદનો ખોફ હોય, હિંસા હોય અથવા તો ગમે ત્યારે પરિસ્થિતિ વણસી જાય તેવા સંજોગો હોય. આવી સ્થિતિમાં પ્રીતિબહેન ફર્યાં છે.
કર્મકાંડ, પૂજાપાઠ અને ધર્મમાં માનવા કરતાં પોતાનો શોખ એટલે કે પ્રવાસને જ ધર્મ ગણતાં પ્રીતિબહેન કહે છે, ધર્મે હું પ્રવાસી છું અને કર્મે લેખક છું. પ્રવાસ ઉપરાંત ચિત્રકામ, સંગીત, નૃત્ય, અભિનય, ભરતગૂંથણ વગેરેનો શોખ ધરાવતાં પ્રીતિબહેન ક્યારેક રંગોળી પણ કરી લે છે.’’ આજીવન પ્રવાસી તરીકે જ પોતાની ઓળખ બનાવી રાખવાની ખેવના રાખનારાં પ્રીતિબહેન પોતાના પ્રવાસની સફળતા માટે અને પોતાના લેખનની સફળતા માટે અને પોતાના બંગાળી પતિનો ખૂબ જ આભાર માનતા કહે છે, “મારી સફળતામાં મારા પતિ મારા કરતાં હંમેશાં બે ડગલાં આગળ હોય છે.”
-વિશ્વ માનવી
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ