Gujaratilexicon

મારી પહેલી વિમાની સહેલગાહ – રતિલાલ બોરીસાગર

May 26 2010
Gujaratilexicon

જીવનમાં આકાશમાં ઊડતું વિમાન પહેલવહેલું ક્યારે જોયું એ યાદ નથી આવતું, પરંતુ બારેક વર્ષની ઉંમરે પહેલી વાર રાજકોટનું એરપોર્ટ અને ત્યાંથી ટેઈકઑફ લેતું પ્લેન જોયું હતું એ મને બરાબર યાદ છે. આ પછી છેક સાઠ વર્ષનો થવા આવ્યો ત્યારે પ્રથમ વિમાની પ્રવાસનો યોગ ઊભો થયો. એક કોન્ફરન્સમાં હૈદરાબાદ જવાનું નિમંત્રણ મળ્યું. મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજા મારી સાથે આવવાના હતા. ખરેખર તો હું એમની સાથે જવાનો હતો એમ કહેવું જોઈએ. એમનો સથવારો ન હોત તો સાવ અજાણી ભૂમિમાં અને ખાસ તો અજાણ્યા વાહનમાં જવાની મારી હિંમત ન ચાલી હોત !

આમ તો હું રોજ સવારે વહેલો ઊઠું છું – અલબત્ત, એલાર્મની ઘંટડીની મદદથી હું ઊઠું છું. પરંતુ મુસાફરી માટે ઘરેથી વહેલી સવારે પ્રયાણ કરવાનું હોય ત્યારે એલાર્મ નહીં વાગે તો ? વાગશે પણ હું નહીં સાંભળું તો ? સાંભળીશ પણ પછી ઊંઘ આવી જશે તો ? આવા પ્રશ્નો સતાવ્યા કરે છે. રાત્રે એલાર્મ ઓશીકાને સાવ અડાડીને રાખું છું. આ કારણે હાથ ઘડિયાળ સાથે અથડાવાથી રાતમાં બે-ત્રણ વાર જાગી જવાય છે. પણ આ કારણે પાછી નવી ચિંતા ઉમેરાય છે. હાથ અડવાથી ઘડિયાળનું બટન દબાઈ જશે ને એલાર્મ સમૂળગું નહીં વાગે તો ? એટલે એલાર્મનું બટન ચેક કરતો રહું છું. ટૂંકમાં પ્રવાસ-યોગની આગલી રાત્રે નિંદ્રાયોગ થતો નથી. વિમાની-પ્રવાસની આગલી રાત્રે પણ એમ જ થયું – ઊઠવાના સમય સુધી ઊંઘ ન આવી. એટલે એલાર્મ વાગ્યું ત્યાર પહેલાં હું ઊઠી ગયો હતો. સાડા ચાર વાગ્યે ઑફિસના વાહનમાં અમે એરપોર્ટ પહોંચી ગયા. એક અજાણી ભૂમિ પર આજે પહેલું પગલું મૂકવાનું હતું. અમારી પાસે હાથમાં રાખી શકાય એટલો જ સામાન હતો તો પણ મને સૂટેડ-બૂટેડ સજ્જનો-સન્નારીઓની પેઠે બાબાગાડીમાં સામાન મૂકી વિમાનમથકના અંદરના ભાગમાં પ્રવેશવાની ઈચ્છા થઈ. રેલવે સ્ટેશને નાની સૂટકેસ પણ રેલવે પોર્ટર પાસે ઊંચકાવી, રેલવે સ્ટેશને જે કર્મ ગૌરવભંગ કરનારું ગણાય છે એ જ કર્મ વિમાનમથકે ગૌરવપૂર્ણ બની જાય છે. રાજેન્દ્રસિંહની અનુમતિથી મેં આ ગૌરવ માણ્યું.

છેલ્લા થોડાં વર્ષથી આતંકવાદે દેશને ભરડો લીધો છે. એટલે દરેક વિમાનમથકે કડક સુરક્ષાપ્રબંધ અનિવાર્ય બન્યો છે. દરેક પ્રવાસીએ જાંચની આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. મેં શાક સમારવા માટે પણ છરીને હાથ અડાડ્યો નથી છતાં લશ્કરી ગણવેશમાં સજ્જ થયેલા છ ફૂટ ઊંચા પડછંદ માણસ સમક્ષ જાંચ માટે ખડા થવું પડ્યું ત્યારે ભયનું એક લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું. મેટલ ડિટેક્ટરની પરીક્ષામાંથી તો હું નિર્વિઘ્ને પસાર થઈ ગયો પણ મારી પાસેના પર્સે મારા માટે – અને સુરક્ષા અધિકારી માટે પણ મૂંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. સુરક્ષા અધિકારીને પર્સમાં કંઈક ભેદી કાગળિયા હોવાની શંકા ગઈ. એમણે કડક અવાજે હિંદીમાં પૂછ્યું : ‘આમાં શું છે ?’ મેં ઢીલાઢફ અવાજે કહ્યું : ‘લિસ્ટ છે.’ મારો ગરીબડો ચહેરો અને ઢીલોઢફ અવાજ – આ બંનેને કારણે એમની શંકા નિર્મૂળ થઈ જવી જોઈતી હતી. પણ થયું એથી ઊલટું, એમની શંકા વધુ દૃઢ થઈ. હું કોઈ આતંકવાદી હોઉં અને જેમની હત્યા કરવાની હોય એમનું હીટ લિસ્ટ પર્સમાં હોય એવી એમને શંકા ગઈ અથવા એવી શંકા એમને ગઈ છે એવી શંકા મને થઈ. પર્સ બતાવો કહી એમણે ઝાટકો મારીને મારા હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું. હૈદરાબાદ યાત્રાને બદલે જેલયાત્રાનો યોગ ઊભો થયો કે શું એ વિચારે હું એકદમ ગભરાઈ ગયો. આમ છતાં સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું : ‘સાહેબ, મને જ આ પર્સમાંથી જેની જરૂર હોય છે તે મળતું નથી એટલે આપને તો મળવાનો સંભવ જ નથી.’ મારી રમૂજથી એ હસી પડશે એવી મને આશા હતી, પણ એમણે કડક અવાજે મારી સામે જોયું. હું શિયાવિયા થઈ ગયો. હાસ્ય અને કરુણરસ એકદમ જોડે આવી ગયા. સુરક્ષા અધિકારીએ પર્સ નિર્દયતાથી પીંખી નાખ્યું. અંદરની કાપલીઓ પરની નોંધો મને પણ જલદી ઊકલતી હોતી નથી એટલે એમને તો ઊકલવાનો કોઈ સંભવ જ નહોતો. અધિકારી વધારે મૂંઝાઈ ગયા હોય એવું લાગ્યું. એમણે થોડી કાપલીઓ આમતેમ જોઈ. ‘આમાં શું લખ્યું છે ?’, ‘આમાં શું લખ્યું છે ?’ એમ મને પૂછ્યું. મને ઊકલ્યું એવું મેં કહી બતાવ્યું. આ પછી એમણે હું શું કરું છું એ જાણવાની ઈચ્છા પ્રગટ કરી. આમ તો હું કશું કરતો નથી એમ કહી શકાય એમ હતું પણ સત્યના જોખમી પ્રયોગો કરવાનું માંડી વાળી મેં મારું વિઝિટિંગ કાર્ડ એમના કરકમળમાં મૂક્યું. એ કારણે હું બચી ગયો. અલબત્ત, મારો ચહેરો જોઈ મને મોટો સરકારી અધિકારી માનવા એમનું મન માનતું ન હોય એવી મને શંકા ગઈ, પણ મારી આટલી કસોટી પૂરતી ગણી એમણે મને પર્સ આપી દીધું અને મારો મોક્ષ થયો.

હવે અમે વિમાનમથકના ગર્ભગૃહમાં પ્રવેશ્યા. મારા હાથમાં સામાન હતો પણ એટલો સામાન ઊંચકી હું કાળુપુર રેલવે સ્ટેશને છેક અગિયારમા પ્લેટફોર્મ સુધી અનેકવાર ચાલ્યો છું, પરંતુ અત્યારે તો હું એકદમ વી.આઈ.પી. પ્રવાસી હતો. અમને વિમાનની સીડી સુધી લઈ જવા માટે લકઝરી કોચ તૈયાર હતો. એમાં વિરાજીને – જોકે ખરેખર તો એમાં ઊભા રહીને એક જ મિનિટમાં અમે વિમાનની લગોલગ પહોંચી ગયા. વિમાનની સીડીના પહેલા પગથિયે પગ મૂકતાં જે રોમાંચ થયો તે ચંદ્રની ધરતી પર પહેલો પગ મૂકતાં નીલ આર્મ સ્ટ્રોંગને જેવો રોમાંચ થયો હશે એનાથી સહેજે ઊતરતા દરજ્જાનો નહોતો.

અમે વિમાનમાં પ્રવેશ્યા. એક સુંદર પરિચારિકાએ ‘ગુડ મોર્નિંગ’ કહી અમારું સ્વાગત કર્યું. વિમાનની અંદર જઈ મેં નજર કરી તો હું દંગ જ રહી ગયો. કોઈ-કોઈ વાર ફિલ્મમાં હીરોને વિમાનના અંદરના ભાગમાં ઢીશુમ ઢીશુમ કરતો જોયો હતો. એવા વિમાનમાં આજે જીવનમાં પહેલી જ વાર સદેહે પ્રવેશ કર્યો હતો. વિમાન ઘણું મોટું હતું અને પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી એટલે યથેચ્છ બેસવાની છૂટ હતી. રાજેન્દ્રસિંહે મને બારી પાસે બેસાડ્યો. આ ઉંમરે પણ ટ્રેન કે બસમાં બારી પાસે બેસવાનું ગમે છે. એક પરિચારિકા બહેન અને એક પરિચારક ભાઈએ સીટ-બેલ્ટ બાંધવા અંગે, ઑક્સિજન માસ્ક અને લાઈફ જેકેટ અંગે અમને સૂચનાઓ આપી. સૂચનાઓ અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં અપાઈ એટલું જ નહીં તે પ્રમાણે નિદર્શન પણ થયું. હું અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓ ખપજોગી જાણું છું, પરંતુ સૂચનાઓ સાંભળવી અને સીટ-બેલ્ટ બાંધવાનું પ્રાયોગિક કામ જોવું અને મગજમાં ધારણ કરવું – આ બધું મારા માટે એટલું સહેલું નહોતું. સીટ-બેલ્ટ ન બાંધ્યો હોત અને વિમાન સહેજ ત્રાંસું થાય તો હું બારીમાંથી બહાર ઢોળાઈ જાઉં એવું ન બને ? આવો પણ એક વિચાર આવી ગયો. એટલે મેં રાજેન્દ્રસિંહને સૂચનાઓનું રિપ્લે કરવાની વિનંતી કરી. એમણે મને બધી સૂચનાઓ માતૃભાષામાં ફરી સમજાવી. સીટ-બેલ્ટ કેવી રીતે બાંધવો તે પણ સમજાવ્યું. ઑક્સિજન માસ્ક કે લાઈફ જેકેટ તો કટોકટીની સ્થિતિનું નિર્માણ થાય તો જ ઉપયોગમાં લેવાનાં હતાં. કટોકટીની સ્થિતિમાં ઑક્સિજન માસ્ક પહેરાવી આપવાની વિનંતી કદાચ થઈ શકે, પરંતુ વિમાનમાં આગ લાગે કે વિમાન તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થાય તો લાઈફ જેકેટ હું ન જાતે પહેરી શકું કે ન પહેરાવવાની કોઈને વિનંતી કરી શકું. આ સંજોગોમાં અત્યારથી જ લાઈફ જેકેટ પહેરીને બેસી શકાય કે કેમ તે અંગે પૂછી જોવાનો વિચાર આવ્યો પણ એવું પૂછવાની હિંમત ન ચાલી. પાશ્ચાત્ય સભ્યતા અને આપણું અજ્ઞાન ભેગાં થાય છે, ત્યારે પાશ્ચાત્ય સભ્યતા મુજબ વર્તતાં આપણને ફાવતું નથી અને અજ્ઞાનનો સ્વીકાર કરવા જેટલી પ્રામાણિકતા આપણે બતાવી શકતાં નથી. આ સત્યનો એક વધુ વાર સાક્ષાત્કાર થયો.

કલાકમાં હૈદરાબાદ પહોંચી જવાનું હતું. કલાકમાં કશું નહીં થાય એવી શ્રદ્ધા રાખી હું સ્વસ્થ થઈ ગયો. વિમાનના ઉડ્ડયન માટેની સૂચના પ્રસારિત થઈ અને રન-વે પર વિમાન પૂરઝડપે દોડ્યું ને એકાએક હવામાં ઊડ્યું….. અદ્ધર… વધુ ને વધુ અદ્ધર…. બારીમાંથી હું નીચેની દુનિયા જોઈ રહ્યો. હજુ થોડું અંધારું હતું. કેલિડોસ્કોપમાં બંગડીના ટુકડાઓના આકારો રચાય એવા આકારો વીજળીના દીવાઓને કારણે જમીન પર રચાયા હતા. થોડી વારમાં પૂર્વમાં સૂરજ ઊગ્યો. આટલે ઊંચેથી ઊગતા સૂરજને જોવો એ એક અદ્દભુત ઘટના હતી. આવા દશ્યનું વર્ણન કરવા માટે કવિહૃદય જોઈએ, જે મારી પાસે નથી પણ આવા દશ્યની કાવ્યમયતા માણવા માટેનું ભાવહૃદય મારી પાસે અવશ્ય છે. થોડી વારમાં તો નીચે વાદળાં તરતાં દેખાયાં. આ પણ એક આહલાદક અનુભવ હતો. કેટલાક પુણ્યશાળી જીવોને સદેહે સ્વર્ગમાં લઈ જવા માટે વૈકુંઠમાંથી ચાર્ટર્ડ વિમાનો આવતાં એવી કથાઓ આપણાં પુરાણોમાં છે. કદાચ આજે આવી ફેસિલિટી ઉપલબ્ધ હોય તો પણ આવા પુણ્યશાળી જીવોના લિસ્ટમાં મારું નામ હોવાનો કોઈ સંભવ નથી.

કુદરતનું કાવ્ય માણી રહ્યો હતો એટલામાં ચા-નાસ્તાની મોટી પ્લેટ આવી. વેજિટેરિયન નાસ્તો જ હતો પરંતુ મારા પેટને કે હાથને એ ફાવે એમ નહોતો. છરી-કાંટા ને ચમચીની મદદથી આ પ્રકારનો નાસ્તો કરવાની કુશળતા હું કેળવી શક્યો નથી. એટલે મેં ચા જ પીધી. કલાક ક્યાં જતો રહ્યો એની ખબર ન પડી. વિમાન થોડી જ વારમાં હૈદરાબાદ વિમાનીમથકે ઉતરાણ કરશે એવી જાહેરાત થઈ અને વિમાનનું ઉતરાણ શરૂ થયું. પુણ્ય ક્ષીણ થયે જીવાત્મા સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછો આવી જાય છે – એવી સંસ્કૃતમાં એક ઉક્તિ છે. હું પણ એ જ રીતે પૃથ્વી પર પાછો આવી ગયો !
Source : http://www.readgujarati.com/2009/10/09/maari-vimaani/

જાણો આ શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English, Meaning in English)

પરિચારિકા – female servant; nurse.

યથેચ્છ – according to one’s desire.

કટોકટી – emergency; critical time, crisis; scuffle, broil.

પુણ્યશાલી – meritorious, righteous; who has merit of past life to his credit.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects