આપણાં ધર્મશાસ્ત્રોમાં મા-બાપની સેવાનું મોટુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા-પિતાને દેવ સમાન માનવા જોઈએ. જગતમાં બધું મળી શકે છે. પણ મા-બાપ તેમનું વાત્સલ્ય મળી શકતું નથી. માતા-પિતા બાળકનું લાલન-પાલન કરે છે. બાળકનું પોષણ કરે છે. એનામાં સંસ્કારોનું સિંચન કરે છે. એના વિકાસની, એના ભવિષ્યની એ ચિંતા કરે છે. માતા-પિતા ખરેખર સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે.
માતાપિતાના વાત્સલ્યને જાણવું, એમની લાગણીને જાણવી એ પુત્રની ફરજ છે. સાચો પુત્ર એ જ છે, જે મા-બાપની ઈચ્છાઓને જાણે… એમના મનોભાવોને પીછાણે… એમની લાગણીને સમજે… એમના ઋણને સતત આંખો સમક્ષ રાખે…. મા-બાપ પ્રત્યેની પોતાની ફરજમાંથી જે ચલિત ન થાય એ સાચો પુત્ર. પુત્ર મેળવવો એ સૌભાગ્ય છે. પરંતુ સુપુત્ર મેળવવો એ પરમ સૌભાગ્ય છે.
એક નાનું સરખું ગામ… એ ગામમાં એક દંપતિ રહે. નામ એમનું રણછોડભાઈ તથા તેમની પત્નીનું નામ માણેકબેન. બન્ને સીધાં સાદાં અને સરળ સ્વભાવનાં. એમનું જીવન સાદું. રહેણી કહેણી સાદી… બહુ ભોળાં.. ભણેલાં પણ ઓછું. રણછોડભાઈની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. બાપ-દાદાની બે-પાંચ વીઘા જમીન હતી. એની ઉપર જ એમનો ગુજારો ચાલતો. એમને એક દીકરો. નામ એનું મહેશ. મહેશ એ જ એમનો આધાર. ઘડપણની લાકડી. આ મહેશ માટે રણછોડભાઈ તથા માણેકબેન બધું જ કરી છૂટતાં, એમાંય એકનો એક દીકરો એટલે પૂછવું જ શું ? મહેશ ભણવામાં ખૂબ જ હોંશિયાર. ભણવામાં એને રસ પણ ખૂબ જ. ખંતથી ભણે. રણછોડભાઈની ઈચ્છા એને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાની. મહેશ હાયર સેકન્ડરીના બારમાં ધોરણની પરીક્ષા ખૂબ જ સારા ગુણથી પાસ થયો. રણછોડભાઈના આનંદનો પાર ન રહ્યો. માણેકબેન પણ આનંદમાં ગરકાવ થઈ ગયા. શાળાના શિક્ષકોએ મહેશને આગળ ભણાવવા માટે રણછોડભાઈને સલાહ આપી.
મહેશને એન્જિનીયરીંગમાં એડમીશન મળી ગયું. રણછોડભાઈની આર્થિક સ્થિતિ સારી ન હતી. છતાંય એમણે મહેશને સારી રીતે ભણાવવાનું બીડું ઝડપ્યું. રાત-દિવસ રણછોડભાઈ ખેતરમાં મહેનત કરવા લાગ્યા. માણેકબેન પણ એમને સાથ અને સહકાર આપવા લાગ્યાં. બન્ને પેટેપાટા બાંધી મહેનત મજૂરી કરે. બન્નેની આંખો સામે મહેશનો અભ્યાસ તરવરે. ખૂબ જ કપરી જિંદગી તેઓ જીવતાં.
મહેશની જાણ બહાર આ હકિકત હતી નહીં. એ જાણતો હતો કે, મા-બાપ ખૂબ જ તકલીફ વેઠીને એને ભણાવે છે. પોતાનાં સુખોની આહૂતી આપીને પુત્રના સુખની ચિંતા કરે છે. મહેશની આંખો સમક્ષ સતત એનાં મા-બાપની મૂર્તિ રમ્યા કરતી, એ એક ક્ષણપણ પોતાનાં મા-બાપને પોતાના હૃદયમાંથી આળગા કરતો ન હતો. ક્યારેક એ વિચારતો કે, ભણી ગણીને તૈયાર થયા બાદ માતા-પિતાને ખૂબ જ સુખ આપવું. એમની ખૂબ જ સેવા કરવી. સમય સરવા લાગ્યો.
રાત પછી દિવસ… દિવસ પછી રાત એમ વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યાં. જોત જોતામાં સમય પસાર થઈ ગયો. મહેશ એન્જિનીયર થઈ ગયો. પ્રથમ વર્ગમાં એણે ઈલેક્ટ્રોનીક એન્જિનીયરની ડીગ્રી મેળવી. આનંદ આનંદ થઈ ગયો. રણછોડભાઈ તથા માણેકબાનાં હૃદય આનંદથી ઉભરાઈ ઉઠ્યાં. એમના સમાજમાં મહેશ જેટલું કોઈ ભણ્યું ન હતું. ભણેલો છોકરો અને પાછો એન્જિનીયર… પછી પૂછવું જ શું ? સારા સારા ઘરનાં માગાં આવવા લાગ્યાં. જે રણછોડભાઈની કોઈ કિંમત નહોતી એ રણછોડભાઈના ત્યાં ભલામણો આવવા લાગી.
એમના સમાજમાં સુરેશભાઈ નામના બીઝનેસ મેન. અમદાવાદમાં પાંચ-છ કારખાનાં ચાલે. ખૂબ પૈસો… એમને એક દીકરી… નામ મોના…. એકની એક દીકરી. ભણાવી ગણાવીને સુરેશભાઈએ એને તૈયાર કરેલી. એમ.એસ.સી સુધી ભણેલી મોના માટે સારું ભણેલો છોકરો મહેશ સિવાય બીજો કોણ હોય ? કોઈએ સુરેશભાઈને મહેશ વિશે વાત કરેલી. છોકરો સારો છે. એન્જિનીયર છે. પણ ઘર સામાન્ય છે. તમારા બરોબરિયું ન ગણાય.
સુરેશભાઈએ વિચાર્યું : ‘ભગવાને એમને ઘણું આપ્યું છે. એકની એક દીકરી છે. છોકરો સારો હોય તો એને સેટ કરી શકાય. ઘર જમાઈ તરીકે પણ રાખી શકાય. અને સુરેશભાઈ પહોંચ્યા રણછોડભાઈ પાસે. બધી વાત કરી. રણછોડભાઈ માટે આનાથી વધારે આનંદ બીજો શો હોય ? એમણે આ બાબતે મહેશને પૂછી જોવા જણાવ્યું. સુરેશભાઈએ પોતાના તરફથી લીલી ઝંડી આપી દીધી. મહેશ અને મોનાની મુલાકાત ગોઠવવાનું પણ જણાવી દીધું. અને એક દિવસ મહેશ મોનાના ત્યાં ગયો. એણે મોનાને જોઈ. પ્રથમ નજરે જ ગમી જાય એવી હતી.
મોના જરા જુદા વિચારો ધરાવતી યુવતી હતી. ખૂબ જ લાડકોડમાં તથા સમૃદ્ધિમાં એ ઉછરી હતી. વધારે પડતા આધુનિક ખ્યાલો ધરાવતી હતી એ. મહેશને એણે કહ્યું : ‘મને તમે પસંદ છો. રહી તમારી વાત.’ ‘મને પણ તું પસંદ છે.’ મહેશ બોલ્યો અને ઉમેર્યું : ‘છતાંય થોડીક સ્પષ્ટતા કરવી સારી. તું ખૂબ ધનીક છે જ્યારે હું સામાન્ય…. તારી તમામ જરૂરિયાત કદાચ હું સંતોષી ન શકું એવું પણ બને.’
મોનાના ચહેરાના ભાવ બદલાવા લાગ્યા. એ થોડી નિરાશ થઈ ગઈ છતાંય બોલી : ‘પણ એવો પ્રશ્ન નહીં રહે… મારા પિતાજી આપણને બધું જ આપશે. વળી આપણે ક્યાં ગામડામાં રહેવું છે ? આપણે અહીં શહેરમાં રહીશું…. આમેય ગામડું મને પસંદ નથી.’
‘બીજી વાત….’ મહેશ બોલ્યો અને મોનાના હાવભાવનું નિરીક્ષણ કરતાં કરતાં ઉમેર્યું : ‘મારે મા-બાપ પણ છે. એમની પૂરેપૂરી કાળજી તારે રાખવી પડશે.’
‘તમે શરત મૂકીને મારી સાથે પરણવા માગો છો ? ભણેલા ગણેલા થઈને સંકુચિત ખ્યાલો ધરાવો છો ? હું આધુનિક જમાનાની ભણેલી ગણેલી યુવતી છું. મા-બાપ સાથે અનુકૂળતા આવે તો રહું, ન આવે તો ન પણ રહું.’
‘મોના…. તું તારી રીતે જીવવા સ્વતંત્ર છે. કારણ એ તારો પ્રશ્ન છે. હું તારી સ્વતંત્રતા પર કાપ મૂકવા માગતો નથી. હું પણ આધુનિક ખ્યાલો ધરાવું છું. પણ મા-બાપની બાબતમાં હું બાંધ છોડ કરી શકું તેમ નથી.’
મોના એની સામે જોઈ રહી. મહેશે એની વાત ચાલુ રાખી. ‘મોના…. મેં મારા જીવનમાં એક વાત નક્કી કરી છે. પહેલાં મા-બાપ પછી હું. એમના સુખે હું સુખી. એમના દુ:ખે હું દુ:ખી. આજે હું જે કંઈ છું એ મારા મા-બાપના લીધે છું. એમણે મને દુ:ખ વેઠીને ભણાવ્યો છે. એમણે મને આટલા ઉચ્ચ સ્થાને લઈ જવા પોતાના સુખોનો ભોગ આપ્યો છે. હું તો ત્યાં સુધી કહું છું કે, આજે જો હું એન્જિનીયર ન હોત તો તારા પિતા પણ મારી સામે ન જુઅત. મારા મા-બાપે મને લાયકાત આપી છે. માટે પહેલો વિચાર મારે એમનો કરવાનો છે. હું એવી જ છોકરી સાથે પરણવાનો છું જે મારા મા-બાપનો વિચાર કરે. એમની સાથે રહે… એમની સેવા કરે…. એમની લાગણીને સમજે. એમની ભાવનાને પીછાણે… પછી ભલે એ છોકરી મારી લાગણીનો વિચાર ન કરે. મારી ભાવનાનો વિચાર ન કરે. મારા સુખનો વિચાર ન કરે. મારે મન મારાં મા-બાપ મારા વ્યક્તિગત સુખો કરતાં વધારે કિંમતી છે. જેમણે મને ઓળખ આપી છે – વ્યક્તિત્વ આપ્યું છે શિક્ષણ આપી લાયક બનાવ્યો છે. એમના ઋણને હું ભૂલી શકતો નથી.’
ધન્ય છે મહેશને જે મા-બાપની ભાવનાને સમજ્યો. મા-બાપના ઋણને સમજ્યો. મા-બાપના ઋણને સમજે એ જ પુત્ર. માતા-પિતાના સુખનો હંમેશાં વિચાર કરવો જોઈએ.
સાભારઃ અમૃતલાલ બાન્ટાઈવાળા
(૨૭ જુલાઈ, ૨૦૧૪ના રોજ વર્લ્ડ પેરેન્સ ડે નિમિત્તે આ લેખ ગુજરાતીલેક્સિકોન પ્રસ્તુત કરે છે સાથે સાથે માતૃદેવો ભવ …પિતૃદેવો ભવની ભવ્ય ભાવના સૌ વાચકોમાં વહાવે છે.)
વાત્સલ્ય – (બાળકો તરફનું) વહાલ, વત્સલતા
બીડું – એક કે એકથી વધુ નાગરવેલનાં પાનમાં કાથો, ચૂનો, સોપારી વગેરે લગાવી, નાખી કરેલો વીંટલો (શંકુ આકારનો). (૨) (લા.) લગ્ન વગેરે પ્રસંગે અપાતી લહાણી
બરોબરિયું – સમોવડિયું
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.