26 જુલાઈ 1999, બરાબર 12 વર્ષ પહેલા દેશના મુકુટ સમાન જમ્મુ-કાશ્મીરના દ્રાસ સબસેક્ટરમાંથી નાપાક પાકિસ્તાનીઓને ખદેડી દઈને ભારતીય જવાનોએ તિરંગો ફરકાવ્યો હતો. જોકે નવ સપ્તાહ સુધી લડાયેલા આ જંગમાં અનેક જવાનોએ શહીદી વહોરી હતી ત્યારે આ મુકુટ સુરક્ષિત રહી શક્યો છે, જેને યાદ કરવાનો આ દિવસ છે. કારગિલ વિજય દિવસની પૂર્વસંધ્યાએ શહીદ જવાનોના સ્વજનોની આંખમાં આંસુ આવી ગયા હતા, જ્યારે તેમના સાથી જવાનો અને લશ્કરી અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. કારગિલ યુદ્ધ વખતે ભૂમિદળનું નેતૃત્વ સંભાળનારા પૂર્વ આર્મી ચીફ વી.પી. મલિકે આ યુદ્ધના શહીદ જવાન અને પરમવીરચક્ર વિજેતા કેપ્ટન મનોજ પાંડેની સ્મૃતિમાં દ્રાસમાં વોર મેમોરિયલ ગેલેરી ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘બહાદુર જવાનોના ચહેરા, શહીદો અને એવોર્ડ વિજેતાઓના કુટુંબીઓને જોઈને મને આશ્ચર્ય થાય છે કે આ નાયકો કઈ માટીના બનેલા છે ? તેઓ રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ છે.’ મનોજ પાંડેએ પાકિસ્તાની સૈનિકોએ કબજે કરેલી ખૂબ જ મહત્ત્વની પોઝિશન એવી કારગિલ ક્ષેત્રની ખાલોબાર પહાડીને ફરી ભારતીય છાવણીમાં ફેરવી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૩ જુલાઈ, ૧૯૯૯ના દિવસે આ જ ક્ષેત્રમાં લડતા-લડતાં તે શહીદ થઈ ગયા હતા. મનોજના ભાઈ મનમોહન પાંડે તેમની માતા સાથે અહીં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘મારા ભાઈએ જીવનનું બલિદાન આપ્યું તે સ્થળે હું પ્રાર્થના કરવા માટે આવ્યો છું. મારા માટે આ મંદિર છે.’
એ સમય હતો જ્યારે સમગ્ર દેશ જાણે ધર્મ, જાતિ, સંપ્રદાય, અને ભાષાથી પર થઈને હિન્દુસ્તાન નામના વિશાળ અને શક્તિશાળી રાષ્ટ્રપુરુષમાં પરિવર્તિત થઈ ગયો હતો. ત્યાં કોઈ ન હિન્દુ હતું કે ન મુસ્લિમ, ન શીખ હતું કે ન ઈસાઈ. ‘‘કાશ એ હિન્દુસ્તાન આજે પણ હયાત હોત…!’’ મા ભોમની આન, બાન અને શાનની રક્ષાની એ લડાઈમાં આ દેશની કેટલીયે માતાઓએ પોતાના ખોળાના ખૂંદનાર ખોયા, કેટલાય પિતાઓએ પોતાના કાળજાના ટૂકડાને ગુમાવ્યા, કેટલીય બહેનોએ રાખડી બંધાવનાર હાથ, તો અનેક સુહાગણોએ પોતાના સુહાગ, શું કામ? એ શહીદો અને તેમના પરિવારજનોએ આટલુ મોટું બલિદાન આપ્યું તેનો ક્યારેય આપણે વિચાર કર્યો છે…? આ દેશ માટે, તેના અમન અને ચેન માટે, તિરંગાની રક્ષા માટે… જાન આપવાના બદલામાં આપણે એ શહીદોને, એમના પરિવારજનોને શું આપ્યું? એ દિવસ લોકોને યાદ કરાવવો પડે છે. શહીદોની શહાદતને યાદ કરી તેમની યાદમાં બે આંસુ બહાવવાનું તો દૂર, ઊલટાનું તેમની શબપેટીઓ અને શહીદના પરિવારના હક્કનાં મકાનો પણ આ ભ્રષ્ટાચારી નેતાઓએ નથી છોડ્યાં. આજે પરિસ્થિતિ એ છે કે કારગિલ યુદ્ધ શહીદોની શહાદત કરતાં તાબુત કૌભાંડ અને આદર્શ સોસાયટી કૌભાંડ માટે વધુ યાદ કરવામાં આવે છે.
ભારતનો પ્રત્યેક નાગરિક જ્યારે ખુલ્લી હવામાં શ્વાસ લે છે અને સ્વતંત્રતા ભોગવે છે ત્યારે આ વીર સપૂતોની શહીદીને યાદ કરવી તેમની ફરજ બની જાય છે.
આવો મળીને શહાદત વ્હોરેલા વીરલાઓને ‘કારગિલ વિજય દિવસ’ ઉપર યાદ કરીને સલામ આપીએ… જય હિંદ !!!
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.