ગુજરાતી દૃષ્ટિકોણવાળું અમેરિકન લખાણ વાંચવું હોય તો શ્રી હરનિશ જાનીને વાંચવા જોઈએ. તેમની પાસે રસાળ, પ્રેમાળ, સંવેદનનાભરી, હાસ્ય રેલાવતી લેખનકલા છે. તેઓ હાલ અમેરિકાના નિવાસી છે અને તેમનું હૃદય ગુજરાત અને ગુજરાતવાસીએ માટે ધબકી રહ્યું છે. અહીં રજૂ થયેલ વાર્તામાં તેમણે વિદેશ જતાં ભારતીયની વેદના-સંવેદનાની વાત કરી છે.
………………………………………………………………………………………………………………………………………………………………………………………………………….
ત્રીસ વરસ પહેલાં જ્યારે સેવન ફોર્ટી – સેવન જમ્બો પ્લેન નહોતાં ત્યારે, એર ફ્રાન્સના સેવન-ઓ-સેવન જેટમાં ભારત છોડ્યું. અમેરિકા આવતા હજારો ઇમિગ્રન્ટ્સને પોતાનો પહેલો દિવસ જીવનભર યાદ રહે છે. નવો પ્રકાશ, નવી હવા, અને એ હવાની જુદી જ ગંધ, ઘોંઘાટનો અભાવ આ બધું કેનેડી એરપોર્ટ પર ઊતરનારા અનુભવે છે.
બે સ્વેટર, એક જાડો ગરમ સૂટ, કાનટોપી અને સુખડના દસ હારથી દબાયેલો હું પ્લેનમાં પેઠો. જોયું તો મારી બાજુની સીટમાં એક ભાઈ મારા કરતાં વહેલા આવી બેઠા હતા. પ્લેન ક્યાંકથી આવ્યું હતું. મુંબઈથી અમે પંદર જણ ચઢ્યા હતા. પેલા ભાઈનાં બાએ માથું હોળ્યું હોય તેવા પાંથી પાડેલી, તેલ નાખેલા વાળ અને કાળી, જાડી ફ્રેમનાં ચશ્માં પર મારી નજર પહેલાં ગઈ. તેમની સાથે બોલ્યા-ચાલ્યા સિવાય હું બેસી ગયો.
હૃદય ખૂબ ભારે હતું. આખા દિવસની મુંબઈની દોડાદોડીને લીધે શારીરિક રીતે પણ થાકી ગયો હતો અને મા, ભાઈઓ, બહેનો, સગાંસંબંધીઓને છોડવાનું દુ:ખ હતું. પ્લેને જેવો ટેકઓફ લીધો કે એકદમ રડી પડાયું. એટલી હદે કે ધ્રુસકા સાથે રડ્યો. હાથરૂમાલમાં મોં નાખીને, ઘૂંટણ પર કોણી ટેકવીને હું રડતો હતો. ત્યાં કોઈકે મારા ખભે હાથ મૂક્યો. મેં જોયું તો મારી બાજુવાળા ભાઈ હતા.
વાંચો હરનિશ જાની લિખિત ઈબુક : સુધન
તે બોલ્યા, રડવું આવે છે ને! આ બીજું નથી. જે આપણે જાણતા નથી તેનો ડર છે. બધાને છોડવાના દુખ કરતાં તો સામે કાંઠે આપણને કોઈ આવકારવા ઊભું નથી તેનો ડર છે. આપણને ડર છે, આપણા અજ્ઞાત ભવિષ્યનો. આંખો લૂછીને મેં તેમની સામે જોયું. કાર્ટૂન જેવી દેખાતી આ વ્યક્તિની આંખોમાં મેં દ્ઢતા અને આત્મવિશ્ર્વાસ જોયાં. તેણે મારા પર ઊંડી છાપ પાડી. માણસ વ્યવહારુ લાગ્યો.
એકમેક સાથે વાતો કરતાં ખબર પડી કે, તે પણ ‘વિલિયમ એન્ડ મેરી કોલેજ’ માટે વજિર્નિયા જવાનો છે. આખી કોલેજમાં બે જ દેશી હતા. અને બંને મુંબઈથી એક જ ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. જો અમે પહેલેથી સાથે જવાનો પ્લાન કર્યો હોત તો પણ આમ સાથે જવાનું શક્ય ન બન્યું હોત. પ્લેનની મુસાફરીએ અમને બંનેને મિત્રો બનાવી દીધા. તેનું નામ હતું સુરેશ ગાંધી.
પ્લેનની મુસાફરી અમારા માટે નવી હતી. સીટ પરનો સેફ્ટી બેલ્ટ કેવી રીતે બાંધવો – પ્લાસ્ટિકના પેકમાં આવતું દૂધ, ઓરેન્જ જ્યૂસ અને ખાવાનું કેવી રીતે ખાવું, પીવું, શેમાં મીટ-માંસ નથી, બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો- ટેન્શન, ટેન્શન, ટેન્શન. આ અગાઉ અમારા બંનેમાંથી કોઈ કદી એકે સ્ટારવાળી હોટેલમાં ગયા નહોતા. સુરેશ પાસે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી માટેની ગાઇડ કોઈક આફ્રિકાવાળાએ બહાર પાડી હતી, તે હતી. તે તેમાંથી વાંચી વાંચીને સાંત્વન મેળવતો હતો.
સવારે છ વાગ્યે પેરિસ આવ્યું. સુરેશે કાંડાઘડિયાળમાં જોયું. તે બોલ્યો, ‘‘આપણે શુક્રવારે અડધી રાતે બેઠા અને યુરોપમાં શનિવારની સવાર થઈ. આપણે ત્યાં અત્યારે સવારના સાડા અગિયાર થયા હશે. અમે લોકો મારા કાકાના દીકરા કિશોરભાઈને ત્યાં ઊતર્યા હતા. બપોરે કિશોરભાઈ અને ભાભી મારી બાને સાડી અપાવવા ફોર્ટમાં લઈ જવાનાં છે. સાથે મારો નાનો ભાઈ પણ જશે…’’ મને તેની વાતમાં રસ નહોતો. થાક અને ભૂખ વગેરેથી માથું ભારે હતું. દેશ છોડ્યે બાર કલાક થયા હતા, તોય ટાઈની ગાંઠ પણ ઢીલી કરી નહોતી!
અમે પેરિસના એરપોર્ટ ઉપરથી એફિલ ટાવર જોવાનો પ્રયત્ન કર્યો. જીવનમાં પહેલી જ વાર એસ્કેલેટર જોયું હતું. તેના પર દસ પંદર વાર રાઇડ લીધી. એર ફ્રાન્સની કુપ્ન વાપરીને કાફેટેરિયામાં ફ્રેન્ચ ફ્રાઇઝ ખાધી. કોકા કોલા પીધી. ગજવામાં આઠ ડોલરનું એક્સચેન્જ પકડી રાખ્યું હતું.
શનિવારના સવારના સાડા દસ વાગ્યે ન્યુ યોર્ક જતા પ્લેનમાં બેઠા. સુરેશે કાંડાઘડિયાળ જોઈ અને બોલ્યો, ‘‘સાડી ખરીદીને એ લોકો જલદીથી આવી જાય તો સારું. બોમ્બે સેન્ટ્રલ પહોંચતાં તેમને કલાક લાગશે. નવ વીસની લોકલ પકડવા આઠ વાગ્યે તો પહોંચવું જોઈએને! મારા બાપુની ખોટ સાલે છે. જો એ જીવતાં હોત તો તો વાત જુદી હોત.’’
અમારું પ્લેન એટલાન્ટિક પર ઊડતું હતું. ખાવાનું ખાઈને ઊંઘ આવતી, અને આંખ ખોલતાં ખાવાનું આવતું. એટલી વારમાં કેપ્ટને એનાઉન્સ કર્યું કે, અડધા કલાકમાં ન્યુ યોર્ક આવશે. ન્યુ યોર્કમાંસાંજના પાંચ થયા છે. મેં મારું ઘડિયાળ મેળવી લીધું. દેશ છોડવાનું મારું દુ:ખ ભુલાઈ ગયું, અને ન્યુ યોર્કથી વર્જિનિયા કેવી રીતે જવું તેની ચિંતામાં પડ્યો. ત્યાં સુરેશ બોલ્યો, ‘‘એ લોકો અત્યારે ટ્રેનમાં ઊંઘી જાય તો સારું. રાજકોટ પહોંચતાં હજી પાંચ-છ કલાક થશે. મારો નાનો ભાઈ આમ તો હોશિયાર છે. મારી બાની સંભાળ જરૂર રાખશે.’’
ન્યુ યોર્ક ઊતરીને અમે ન્યુ પોર્ટ ન્યુઝ વર્જિનિયાનું પ્લેન પકડ્યું. રાતે દસ વાગગ્યે ઊતર્યા. અમને લેવા લોક્લ ચર્ચના મિ. વિલિયમ્સ આવ્યા હતા. અને તે અમને ‘વાય.એમ.સી.એ.’માં લઈ જવાના હતા. જેવા સ્ટેશનવેગનમાં બેઠા કે સુરેશે ઘડિયાળ જોયું. ‘‘અત્યારે રાજકોટમાં સવાર પડી. આજે બાનું મેડીકલ ચેક-અપ કરાવવાનું છે. મારા નાના ભાઈને યાદ રહ્યું હોય તો સારું.’’ મને હવે તેની વાતોથી કંટાળો આવતો હતો.
બીજે દિવસે રવિવારે અમને એક બે રહેવાની જગ્યાઓ મિ. વિલિયમ્સે બતાવી. અમે એક છૂટું ઘર પસંદ કર્યું. તેમાં બધું જ ફર્નિચર હતું. સુરેશ સાથે મેં વાતો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે કશું બોલતો નહોતો.
રાતે અમે સાથે બેઠા હતા. અમેરિકા આવ્યાને લગભગ ચોવીસ કલાક થઈ ગયા હતા. આવતી કાલથી કોલેજ ચાલુ થશે. મેં જોયું કે, સુરેશ તેની કાંડાઘડિયાળ પકડીને ડાયલ જોયા કરતો હતો. મેં તેને કહ્યું કે, ‘‘કેમ, તું અમેરિકાનો સમય ગોઠવવાનો કે નહીં ? કોલેજ અમેરિકાના ટાઇમ પ્રમાણે ખૂલશે- ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે નહીં.’’
સુરેશે કાંડાઘડિયાળ બે હાથમાં નાજુક કબૂતર પકડ્યું હોય તેમ પકડ્યું હતું. તે મારા તરફ જોઈને બોલ્યો, ‘‘તારા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?’’ મેં કહ્યું, ‘‘બરોબર રાતના દસ.’’
સુરેશે તેના ઘડિયાળના કાંટા ફેરવવા માંડ્યા, ખુબ જ ધીમેથી. સમય મેળવીને તે ડાયલને એકીટશે જોતો રહ્યો, એણે ચશ્માં કાઢી નાખ્યાં. ટેબલ પર બે હાથ વચ્ચે માથું મૂકી દીધું. ડૂસકાંનો અવાજ સંભળાયો. બા, ભાઈ સાથે બંધાયેલો દોર તૂટી ગયો. નવા જગતમાં તેની દુનિયા લૂંટાઈ ગઈ. સમય બદલાતાં જ દુનિયા બદલાઈ ગઈ, જીવન બદલાઈ ગયું. મજબૂત હૃદયનો વ્યવહારુ માણસ ક્યાંય ગાયબ થઈ ગયો.
હવે એના ખભે હાથ મૂકી સાંત્વન આપવાનો વારો મારો હતો.
…….
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.