મિયાં-બીબી
રહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધામધૂમથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે : ‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ કેવી વાત ?’
બીબી કહે : ‘તો હું મોં ગળ્યું કરાવું !’
મિયાં કહે : ‘ક્યાં ? અહીં કે તહીં ?’
બીબી કહે : ‘તહીં !’ એમ કહી તેણે મિયાંના હાથમાં ઝાડુ પકડાવી દઈ કહ્યું : ‘મિયાં, હવે તમે થાઓ ગુસ્સે અને ઝાડુ લઈ મને મારવા દોડો ! જુઓ, હું માથાના વાળ છૂટા મેલી ઘરમાંથી ભાગું છું….એક-દો-તીન !’ બોલતાં બોલતામાં તો બીબીના ઢંગ ફરી ગયા. મોંમાથી ચીસ નીકળી ગઈ : ‘બચાવો ! બચાવો ! મિયાં મને મારી નાખે છે !’
મિયાંને બીબીની વાત પર બહુ વિશ્વાસ. બીબીની પાછળ એણે ઝાડું લઈ દોટ મૂકી : ‘ઊભી રહે, આજે તારી ખેર નથી. ટીપીટીપીને તારો રોટલો ન કરી નાખું તો મારું નામ કડુમિયાં નહિ !’ રહીમભાઈ શેઠ પોતાના બંગલાની ચોપાડમાં ખુરશી નાખી બેઠા હતા. કડુમિયાંની બીબી ‘મરી ગઈ ! મરી ગઈ !’ એવી ચીસો પાડતી એમના ઘરમાં ઘૂસી ગઈ અને પાછળ ઝાડુ લઈને દોડી આવતા કડુમિયાં શેઠના હાથમાં પકડાઈ ગયાં. મિયાં કહે : ‘છોડો મને ! આજે કાં બીબી નહિ, કાં હું નહિ !’
મિયાંના ખભે હાથ મૂકી શેઠે કહ્યું : ‘બીબીની કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો, મિયાં, તમે સમજદાર માણસ છો !’
મિયાંએ દાંત ભીંસી કહ્યું : ‘નહિ, એણે મારો જીવ ખાઈ નાખ્યો છે, આજે હું એને ખાઈ નાખીશ.’
શેઠે કહ્યું : ‘તમે મારા ઘરમાં ઘૂસી બીબીને મારો, તો ગામમાં મારી આબરૂનું શું ? લોકો કહેશે કે રહીમભાઈના ઘરમાં બીબીને માર પડ્યો !’
મિયાં કહે : ‘પણ બીબી મારી છે !’
શેઠ કહે : ‘પણ ઘર મારું છે ને !’
મિયાંએ નરમ થઈ જઈ કહ્યું : ‘ખરું, ઘર તમારું અને હું….’
‘તમે મારા ઘરમાં મહેમાન ! બેસો આ ખુરશીમાં !’
મિયાં કહે : ‘નહિ, આજે મારું મન કડવું થઈ ગયું છે !’
શેઠ હસીને કહે : ‘તો હું મીઠું કરી દઈશ.’ તરત હુકમ કરી એમણે ઘરમાંથી મિષ્ટાન્નનો થાળ મંગાવ્યો અને મીઠાઈનો એક ટુકડો મિયાંના મોંમાં મૂકી કહ્યું : ‘બેસો, નિરાંતે જમો !’ મિયાંએ ઊંહું ! ઊંહું ! કરી કોળિયો પેટમાં ઉતારી દઈ કહ્યું : ‘આજે હું બીબીનું માથું ભાંગ્યા વિના રહેવાનો નથી. એવી દાઝ ચડે છે – માફ કરો, મને ખાવાનું કહેશો નહિ !’ શેઠે મીઠાઈનો બીજો એક મોટો ટુકડો મિયાંના મોંમાં ઓરી દીધો. મિયાંએ ગટ દઈને એ પેટમાં ઉતારી દીધો.
અંદરથી બીબી બોલી : ‘તો ન ખાશો ! હું ખાનારી બેઠી છું.’
મિયાં છંછેડાયા. તેમણે ગર્જના કરી : ‘જોઈ ન હોય તો મોટી ખાનારી ! હું તારા માટે એક ટુકડોયે રાખવાનો નથી. તું ખાજે રસ્તાની ધૂળ !’
બીબીએ ઘરમાંથી કહ્યું : ‘રહીમભાઈના ઘરમાં તમે મીઠાઈ ખાશો ને હું કંઈ ધૂળ ખાવાની નથી.’ ત્યાં તો રહીમભાઈ શેઠે કડુમિયાંની બીબીને મીઠાઈનો થાળ ધરવા નોકરને હુકમ કરી દીધો.
બીબી કહે : ‘બળ્યું, આવા કલેશમાં મીઠાઈ કેમ કરી ગળે ઊતરે ?’
શેઠે કહ્યું : ‘શું થાય ? આવા કજિયા તો ચાલ્યા કરે, એમાં મન બાળવું નહિ. મિયાં નિરાંતે જમે છે, તમેય જમો !’ મિયાં અને બીબી બંનેએ થાળ ખલાસ કર્યો. શેઠે મિયાંને કહ્યું :
‘બોલો, હવે મોં ગળ્યું થયું ને ?’
મિયાંએ કહ્યું : ‘બરાબર ગળ્યું થયું ! આટલું બધું ગળ્યું થશે એવું ધાર્યું નહોતું.’ આ સાંભળી શેઠ વિચારમાં પડી ગયા.
હવે મિયાંએ વિદાય માગી. શેઠ કહે : ‘મિયાં, મારે તમને શિખામણનો એક બોલ કહેવાનો છે !’
મિયાંએ કહ્યું : ‘એક શા માટે ? અમે બે છીએ, માટે બે બોલ કહો !’
શેઠે હસીને કહ્યું : ‘ભલે, તો બે શિખામણ આપું. પહેલી શિખામણ એ કે ઘરમાં વાસણ કોઈ વાર ખખડેય ખરાં !’
મિયાંએ કહ્યું : ‘હાસ્તો ! હાસ્તો ! આપણે સૌ ઠીકરાં જેવાં છીએ, એટલે ખખડીએ જ ને !’
શેઠે કહ્યું : ‘તમે સમજુ છો, મિયાં, તરત સમજી ગયા ! હવે મારી બીજી શિખામણ એ કે ઘરના કંકાસનો ઢોલ બહાર ન પીટવો.’
મિયાંએ કહ્યું : ‘મેં એક શિખામણ લીધી. આ બીજી શિખામણ તમારે બીબીને દેવાની ! ઘરમાંથી બહાર પહેલો પગ એણે દીધેલો.’
બીબીએ કહ્યું : ‘પણ તમે હાથમાં ઝાડુ લીધું ત્યારે ને ?’
મિયાં કહે : ‘તો હવે તું ઝાડું લે !’
બીબીએ હાથમાં ઝાડુ લઈ કહ્યું : ‘લેવું જ પડશે, એ વિના તમે સીધા ચાલવાના નથી. ચાલો, થાઓ આગળ !’ મિયાં હવે ડાહ્યા થઈ ગયા હતા. નીચું મોં કરી ચાલવા લાગ્યા. રહીમભાઈને કંઈ બોલવાનું થઈ આવ્યું એટલે એમણે કહ્યું : ‘રહો, મારે તમને જરી કહેવું છે.’
તરત મિયાંએ કહ્યું : ‘શેઠજી, આપે બે શિખામણ દેવાની હતી તે દેવાઈ ગઈ, હવે ત્રીજી શિખામણ દેવાની હોય તો તે અમારે તમને દેવાની છે.’
શેઠને ખોટું લાગ્યું. કહે : ‘મેં તમારો કજિયો પતાવ્યો, એ ગુનો થયો એટલે શિખામણ લેવી પડશે.’
મિયાંએ કહ્યું : ‘આપે અમારો કજિયો પતાવ્યો એવું આપ માનો છો. એ આપની ભૂલ છે. કારણ અમારી વચ્ચે કોઈ કજિયો કદી હતો જ નહિ.’ શેઠની નવાઈનો પાર ન રહ્યો. કહે : ‘બીબી મરી ગઈ ! મરી ગઈ ! કરતી આવી – તમે ઝાડુ લઈને એને મારવા દોડ્યા હતા – મેં નજરોનજર જોયું એ ખોટું ? પછી મેં તમને મીઠાઈ ખવડાવી તમારો કજિયો પતાવ્યો – એ ખોટું ?’
મિયાંએ કહ્યું : ‘મીઠાઈ ખવડાવી એ સાચું, કજિયો પતાવ્યો એ ખોટું ! ગળ્યું મોં કરવા જ અમે અહીં આવેલાં ! વાત એમ છે કે આપે દીકરાની શાદી કરી, મોટો જલસો કર્યો, પણ ગરીબ પડોશીનું મોં ગળ્યું કરાવવાનું આપ ભૂલી ગયા હતા, તેથી આપને ત્યાં મીઠાઈ ખાવા આ રીતે અમારે આવવું પડ્યું ! અમારા અવિનય માટે અમને માફ કરજો, શેઠજી ! બાકી અમારી વચ્ચે કદી કજિયો હતો જ નહિ !’
બીબીએ કહ્યું : ‘અને કદી થશે પણ નહિ ! અમને ગરીબને એવો કજિયો પાલવે નહિ !’
રહીમભાઈ ઉદાર દિલના આદમી હતા. તેમણે તરત પોતાની ભૂલનો સ્વીકાર કરી કહ્યું, ‘તમારી આ શિખામણ હું કદી નહિ ભૂલું ! હું આને ખુદાની કરામત સમજું છું. અભણની આંખે એ કુરાનની શરિયત વંચાવે છે અને ફકીરના હાથે સામ્રાજ્યોનાં દાન કરાવે છે !’ આ વખતે મિયાં અને બીબી બેઉએ સાથે ઝૂકીને શેઠને સલામ ભરી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.