દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. આ વર્ષે ૫મી માર્ચ,૨૦૧૫ ને ગુરુવારના રોજ આવતા આ હોળીના પર્વનું સ્વાગત છે. ૬ઠ્ઠી માર્ચ ને શુક્રવારના દિવસે રંગે રમવાનો ઉત્સવ ધુળેટી છે.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાશની’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.
હોળી આવતાં ઉત્સાહપ્રેમી જનતા ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. ફાગણના આ સમયે ખેતરો પાકથી લહેરાતાં હોય છે. સાથે સાથે યુવાન હૈયાં ખીલી ઊઠે છે. કુદરતમાં ફૂલોની સુગંધ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલના સંગે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને નાચી ઊઠતાં નવયુવાન સ્ત્રી-પુરુષોમાં દેખાઈ આવે છે.
હોળીના દિવસોમાં ઘણા ગામ લોકો ઢોલ-નગારાં લઈને ગામમાં બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળ પડે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે ચોક જેવા સ્થાને છાણા, લાકડાંની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે.
ધર્મ અને ઉત્સવપ્રેમી લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ચણા, હારડા વગેરે વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. દરેકની ભાવના એ હોય છે કે હોળી પ્રગટાવી આસુરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવીશક્તિઓનું સન્માન કરવું.
હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી નાના-મોટા અરસપરસ અબીલ, ગુલાલ તેમજ કેસૂડાના રંગો છાંટી, રંગોના વરસાદમાં ભીંજાઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.
હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓઃ
હિંદુ ધર્મમાં હોળીના તહેવાર સાથે સંકળાયેલી ‘હોલિકા અને પ્રહલાદ’ની કથા બહુ જાણીતી છે.
વિષ્ણુપુરાણ મુજબ હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, જમીન પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાયથી એનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો.
હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઈ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહ્લાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઈશ્વરકૃપાથી તે બધા નિષ્ફળ રહ્યા. છેવટે પ્રહ્લાલાદને મારી નાખવાના આશયથી હિરણ્યકશિપુએ બાળક પ્રહ્લાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી, અગ્નિપરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી.અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઊડી અને પ્રહ્લાદને વિંટળાઈ, આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહ્લલાદને આંચ પણ આવી નહીં. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું નિમિત્ત બની.
પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર (અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું) ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરના ઉંબરા વચ્ચે,પોતાના ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કરે છે. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી.
આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.
હોળીની ખરી મજા તો તેના બીજા દિવસે ધુળેટીના દિવસે આવે છે. આ દિવસે નાનામોટાં સૌ ભેદભાવ ભૂલી જઈને એકબીજા પર રંગો છાંટે છે. અબીલ-ગુલાલના રંગો ઊડાવી ઉત્સવની મજા દિવસભર માણે છે.
મિત્રો, તમે પણ આ હોળી-ધૂળેટીની ખૂબ મજા માણજો. નકામા કેમિકલયુક્ત રંગોને બદલે કેસૂડો, અબીલ-ગુલાલ વગેરે કુદરતી રંગોથી હોળી રમી પોતાનું તથા અન્યનું સ્વાસ્થ્ય પણ સાચવજો, જૂનાં સૌ વેરઝેર ભૂલી જઈને મિત્રો-સ્નેહીઓ સાથે પ્રેમથી આનંદ-ઉલ્લાસથી હોળીનો ઉત્સવ મનાવજો. આ સાથે સૌને હોળી-ધુળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.