Gujaratilexicon

ગુરુપૂર્ણિમા – ગુરુનું ઋણ ચૂકવવાનું પર્વ

July 11 2014
Gujaratilexicon

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા છે. આ દિવસે દરેક પોતાના ગુરુને ગુરુવંદના કરશે અને આશીર્વાદ મેળવશે. આપણે ત્યાં ગુરુપરંપરા ખૂબ આદરણીય અને સન્માનનીય છે. ઘણાં કૌટુંબિક ગુરુને પૂજે છે તો ઘણાં પોતાના ભગવાનને જ ગુરુ તરીકે સ્થાપે છે. ભગવાન કૃષ્ણને આપણે શ્રીકૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્‌ કહીને દિલમાં સ્થાપ્યા છે. પોતાના ગુરુની ટીકા કોઈ સહન કરતું નથી પરંતુ માણસ અનુભવથી જે કંઈ શીખે છે તેના જેવી કોઈ જીવન ઔષધિ નથી. એટલે જ આપણા પ્રાચીન કવિ અખાએ ‘‘તું જ તારો ગુરુ થા’’ એમ લખ્યું હતું. આજનો દિવસ પવિત્ર ગણાય છે.

અષાઢ માસમાં જ ગુરુપૂર્ણિમા ઉજવવા પછવાડે કેટલીક મહત્ત્વની બાબતો સંકડાયેલી છે. ગુરુ, એ પૂર્ણિમાના ચંદ્ર જેવા ઉજ્જ્વળ અને જ્ઞાનરૂપી પ્રકાશેયુક્ત છે તથા શિષ્યોને વાદળ જેવા કલ્પવામાં આવ્યા છે. શરદ પૂર્ણિમાનો ચાંદ નભમાં એકલો જ હોય ત્યારે વાદળ હોતા નથી. અર્થાત્‌ ગુરુ એકલવાયા કહેવાય. જન્મોજન્મના અંધકાર કે અજ્ઞાન લઈને શિષ્યો વાદળની જેમ ધૂમરાતા હોય છે. તેના પર અષાઢ માસના પૂર્ણચંદ્ર સ્વરૂપ પૂર્ણજ્ઞાનનિષ્ઠ સદ્‌ગુરુ પ્રકાશ પાથરે છે.
આપણે ગુરુ તરીકે ચંદ્રને સ્થાને સૂર્યને પસંદ કરી શક્યા હોત. કિન્તુ સૂર્ય પાસે તો સ્વપ્રકાશ છે. ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી. તેને પ્રકાશ, સૂર્ય પાઠવે છે. તેમ ગુરુ પાસે જ્ઞાનરૂપી પ્રકાશ આખરે તો ભગવાનનો છે. જેમ આપણે સૂર્ય સામે સીઘું જ જોઈ શકતા નથી. તમે પરમાત્મા તરફ પણ સીઘું જોઈ શકવા આપણે સમર્થ નથી. ભગવાનનો સાક્ષાત્કાર સદ્‌ગુરુ જ કરાવી શકે. ગુરુ પૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા કહેવામાં આવે છે કારણ કે એ દિવસ વ્યાસજીનો જન્મ દિવસ છે. તેમણે પંચમવેદ, મહાભારતની રચના આ દિવસે પૂર્ણ કરી.
વિશ્વના સુપ્રસિદ્ધ આર્યગ્રંથ ‘‘બ્રહ્મસૂત્ર’’નું લેખન વ્યાસજીએ આ દિવસે શરૂ કર્યું. ત્યારે દેવતાઓએ વ્યાસજીનું પૂજન કર્યું. ત્યારથી વ્યાસપૂર્ણિમા મનાવાય છે. આ મંગલમય દિવસે જે કોઈ શિષ્ય, બ્રહ્મવેત્તા સદ્‌ગુરુનું પૂજન-અર્ચન કરે છે તેને સમગ્ર વર્ષના વ્રતોનું ફળ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સદ્‌ગુરુ મેઘની જેમ શિષ્ય પર જ્ઞાનવૃષ્ટિ કરી તેના અંધકાર અને અજ્ઞાન હરી લે છે. કોઈ શિષ્યની બુઝાઈ ગયેલી જ્યોતિને પુનઃ પ્રગટાવી શકે છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાથી જ મોક્ષના દ્વાર ખુલે છે.
શિષ્યો પ્રત્યે સદ્‌ગુરુની કોઈ જ અપેક્ષા હોતી નથી. માતા પિતાને એવી અપેક્ષા રહે કે પુત્ર ઉમરલાયક થયા બાદ આપણને ઘડપણમાં ઉપયોગી બની, આપણી સેવા ચાકરી કરશે. શિષ્યે સદ્‌ગુરુને દક્ષિણા અર્પી સન્માનવા જોઈએ. વાસ્તવમાં જે શિષ્ય પોતાના પંચવિષય કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરને દક્ષિણા સ્વરૂપે ગુરુચરણોમાં આ દિવસે મૂકે, તે અચૂક મોક્ષભાગી બને છે. હરિદ્વારમાં લાખો લોકો ગંગાજીમાં સ્નાન કરે છે. લાખો શ્રઘ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. ગરીબોને દાન દક્ષિણા આપે છે.
પારાશર મુનિ અને સત્યવતીના પ્રભાવશાળી પુત્ર એ વેદવ્યાસ. તેઓ અગાધ જ્ઞાનના મહાસાગર હતા. વેદવ્યાસનું સાચું નામ તો ‘‘કૃષ્ણદ્રૈપાચન’’ હતું. જન્મ સમયે તેઓ શ્યામ વર્ણના હોવાથી કૃષ્ણ અને યમુનાદ્વીપમાં રહેતા હોવાથી દ્રૈપાયન કહેવાયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિવેદનું સ્વરૂપ એટલે ‘‘દત્તાત્રેય’’ મહર્ષિ અત્રી અને માતા અનસૂયાના પુત્રરૂપે પ્રગટ થયેલા. તેઓ એ તો પોતાના જીવનકાળ દરમ્યાન ૨૪ ગુરુ બનાવ્યા. 

ચમત્કારો

ગુરુપૂર્ણિમા આશિર્વાદની સાથે-સાથે ચમત્કારોની વાતો પણ વહેતી થશે. આવી તમામ વાતોને દરેકે એક ગરણીમાં ગાળીને સમજવાની જરૂર છે. એક વ્યવસ્થિત પ્રચાર ઝુંબેશનું નેટવર્ક એટલે ચમત્કારો એમ સમજવું જોઈએ. આપણા ગુરુ આપણને જ્ઞાન આપે છે. સરકાર આ બાબતે કશું કરી શકે નહીં. દરેક વ્યક્તિ એક પ્રકારની પોતાની સરકાર છે. તેણે ચમત્કારોને પોતાના જીવનથી કેમ દૂર રાખવા તે શીખી લેવાનું છે. ગુરુપૂર્ણિમા એ અંધારામાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ છે. આવું કહીને અને લખીને આપણા સમાજ સુધારકોના ગળા સૂકાઈ ગયા છે છતાં ચમત્કારી સંતો અને ચમત્કારી બાબાઓને બદલે તેનામાં રહેલા જ્ઞાનની ઓળખ મેળવવાની જરૂર છે. ગુરુપૂર્ણિમા પોતે જ પ્રકાશ તરફ જવાનું સૂચવે છે. તેમ છતાં એવરેજ લોકો હવામાંથી પૈસો પેદા કરવાના મંત્રો શીખવા મથે છે. પ્રાચીનકાળમાં અવતારી લીલાઓ વગેરે શબ્દો સાંભળવા મળતા હતા પરંતુ હવે અવતારી બાબાઓનું સામ્રાજય વઘ્યું છે. આજા ફસાજાવાળા ગુરુઓથી ચેતીને ચાલવાનું આજની ગુરુપૂર્ણિમા કહે છે. ‘‘તેજીને ટકરો…’’ વાળી કહેવત અમલી બનાવવી જોઈએ.

આભારઃ http://www.gujaratsamachar.com/ 

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects