જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તમારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તમારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો !
કરસનદાસ માણેક
અંજલિ – બે હથેળી ભેગી કરી કરવામાં આવતો પાત્રાકાર, ખોબો, પોશ.
ઉર – છાતી. (૨) (લા.) હૃદય, ચિત્ત. (૩) (લા.) લક્ષ, ધ્યાન
સ્પંદ – આછી ધ્રુજારી, કંપ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.