પ્રકરણ 9 : કેશ કલાકાર અને મોબાઇલ (Raman ridha ni dayri)
આજે સવારે હું મારા વાળ કપાવવા ‘સુંદર હેર કટિંગ સલૂન’માં પહોંચ્યો ત્યારે કેશ કલાકાર એકલો બેઠો હતો. એ નવરો છે એવું માનીને હું રાજી થયો, પરંતુ એ મારી ગેરસમજ હતી. એ નવરો નહોતો, મોબાઇલ જોવામાં મશગૂલ હતો. હું ખાલી ખુરશી પર બિરાજમાન થયો, પરંતુ એનું ધ્યાન તો હજી મોબાઇલમાં જ હતું. ગુનાખોરી પર આધારિત એક કાર્યક્રમ જોવામાં એને એટલો બધો રસ પડી ગયો હતો કે જાણે એને મોબાઇલ છોડીને કાતર અને કાંસકો પકડવાની જરાય ઉતાવળ જ નહોતી. એ પોતાની કલાનું પ્રદર્શન કરવાનો સમય આવ્યો હોવા છતાં એ બીજાની કલાનું પ્રદર્શન જોઈ રહ્યો હતો. મને એના વર્તનથી બહુ જ ખરાબ લાગ્યું. એ પોતાની જ સંસ્થા ચાલવી રહ્યો હતો. એ કોઈ સરકારી કર્મચારી નહોતો કે ગ્રાહક તરફ ધ્યાન ન આપી શકે.
થોડી ક્ષણો એ રીતે જ પસાર થયા પછી મેં એને કહ્યું કે : ‘આવી જાઓ ભાઈ, કામ શરૂ કરો.’
‘આવું છું.’ કહીને એણે મોબાઈલમાં જોવાનું ચાલુ જ રાખ્યું. મને લાગ્યું કે એને એની કલાનું પ્રદર્શન કરવાની જરાય મરજી લાગતી નથી.
‘હું પછી આવું ?’ મેં કહ્યું.
‘ના, એવું કરવાની જરૂર નથી. આ તો જરા એક ખૂન કેસમાં મજા પડી ગઈ છે.’ એવું કહીને એણે મોબાઇલને એ રીતે ગોઠવ્યો કે જેથી એ મારા વાળ કાપતાં કાપતાં મોબાઈલમાં પણ જોઈ શકે.
મને લાગ્યું કે, આ માણસ એક સાથે બે ઘોડા પર સવારી કરવાનું સાહસ કરી રહ્યો છે.
‘તમે તમારા કામમાં ધ્યાન આપો તો સારું.’ મેં કહ્યું.
‘કામ તો ચાલુ જ છે. સાહેબ, તમે ચિંતા ન કરો.’ એણે જવાબ આપ્યો.
‘પણ મને ડર લાગે છે.’ મેં કહ્યું.
‘તમને વળી કઈ વાતનો ડર?’ એ હસ્યો.
‘મને ડર લાગે છે કે તમે મારા વાળ કાપવાના બદલે મારા કાન કાપી નાખશો.’ મેં કહ્યું.
‘એવું બને જ નહિ. મારા પર ભરોસો રાખો.’ એણે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું.
‘મને તમારા પર ભરોસો છે, પણ આ મોબાઇલની માયામાં માણસને ભાન નથી રહેતું.’ મેં મારા મનની વાત કહી.
‘સાહેબ, મોબાઈલ તો બહુ કામની ચીજ છે.’ એવું કહીને ચૂપ થઈ ગયો અને મોબાઇલમાં જોવા લાગ્યો.
એના મોબાઇલમાં કકળાટ હતો, ધમકી હતી, ચીસો હતી, મને ત્રાસ થાય એવી વાતો હતી. હું વિચારોમાં પડી ગયો કે : ‘લોકો મોબાઇલના ઉપયોગમાં વિવેક કેમ નહિ રાખતા હોય. આ માણસ મારા વાળ કાપતાં કાપતાં મોબાઇલમાં ખૂનખરાબા જોવાનું ટાળી શકતો નથી. ઘણા લોકો વાહનો ચલાવતી વખતે મોબાઇલમાં વાતો કરવાનું ટાળી શકતા નથી, પછી ભલે રસ્તે જનારા ઢળી જાય. ઘણી મમ્મીઓ બગીચામાં પોતાના બાળકને હીંચકા નાખતાં નાખતાં મોબાઇલમાં ખાબકતા સંદેશાઓ જોવામાં એટલી તો તલ્લીન હોય છે કે એને એ હકીકતનો પણ ખ્યાલ નથી રહેતો કે એનું બાળક હીંચકા પરથી ખાબકી ગયું છે. અરેરે! મોબાઇલની આ તે કેવી માયા! એ માયાના લીધે માણસને એની નજર સામે જ બેઠેલા પોતાના જ સગાસંબંધીમાં પણ રસ ન પડે. મોબાઇલ કામની ચીજ છે, પણ ઘણી વખત એ ચીજ સંબંધોમાં વિઘ્ન નાખનારી પણ પણ સાબિત થતી હોય છે…’
‘સાહેબ, તમારા વાળ કપાઈ ગયા છે. ઊભા થાઓ.’ કેશ ક્લાકારે મોટેથી કહ્યું.
હું ઝબકી ગયો. મેં અરીસામાં મારા કાન જોયા. એ સલામત હતા. કેશ કલાકારને એનું વળતર ચૂકવીને અને એનો અભાર માનીને હું એની દુકાનમાંથી બહાર આવ્યો. મેં જોયું કે રસ્તા પર લોકો ભુરાયા થઈને ભાગતા હતા.
એક બાઇકસવાર મોબાઇલ પર વાત કરતા કરતા જતો હતો, એ કારણથી એની પાછળ વાહન ચલાવનારો અકળાતો હતો. એ જોઈને મને એક ગઝલ ગાવાનું મન થઈ ગયું કે …
સીને મેં જલન આંખોં મેં તૂફાન સા કયૂં હૈ
ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા કયૂં હૈ.
બિરાજમાન : shining, splendid; sitting, seated
પ્રદર્શન : demonstration; description; exposition; exhibition
વિવેક : discrimination; judgement; discretion; politeness; modesty; etiquette; thrift
અગાઉના પ્રકરણો વાંચો :
પ્રકરણ 8 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 7 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 6 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 5 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.