આજકાલ ડુંગળીની અછત ઊભી થઈ છે અને એના ભાવ ફરીથી વધ્યા છે. ડુંગળીની અછત વારંવાર ઉપાડો લેતી જ હોય છે. ડુંગળીથી વિશેષ ઉપાડો ટીવીચેનલ વાળા લેતા હોય છે. ડુંગળીના ભાવ વધે ત્યારે એ લોકો એવા એવા સમાચારો આપતા હોય છે કે જાણે ડુંગળી માણસ જાતનો મુખ્ય ખોરાક હોય અને જાણે લોકોના પેટ પર કોઈ નવી આફત આવી પડી હોય.
આવા સમયે ટીવીચેનલ વાળા ‘મધ્યમ વર્ગની ગૃહિણીઓને રડાવતી ડુંગળી’ જેવા મથાળાં બાંધીને સમાચારો બનાવતા હોય છે. તેઓ કેમરો લઈને મધ્યમ વર્ગનાં ભવ્ય લાગે એવાં રસોડાંમાં ઘુસી જતા હોય છે અને ગૃહિણીઓને ડુંગળીવિરહ વિશે જાતજાતના સવાલો પૂછતા હોય છે. એ સવાલોના જવાબ આપતી વખતે એ ગૃહિણીઓ અતિશય ભાવુક થઈ જતી હોય એવાં દૃશ્યો દેખાડતા હોય છે. બજારમાં ડુંગળીના ખરેખર જે ભાવ હોય એનાથી ટીવીની ચેનલો પરના ભાવ જુદા જોવા મળતા હોય છે. ચેનલે ચેનલે પણ ડુંગળીના ભાવ જુદા જુદા જોવા મળતા હોય છે.
ડુંગળીની આફત કુદરતી છે અને માનવસર્જિત પણ છે. આવી આફત સામે લડવા માટે ટીવીચેનલોએ દર્શકોને પ્રેરણા આપવી જોઈએ કે : ‘ડુંગળી ખાધા વગર પણ જીવી શકાય છે. ડુંગળીની આફત કાયમી નથી. કાલ સુખનો સૂરજ ઊગશે અને ડુંગળીના ભાવ ઘટશે.’ એમણે એવા એવા લોકોને દેખાડવા જોઈએ કે જ લોકોએ વરસોથી ડુંગળી ન ખાધી હોય, છતાંય જીવિત હોય. પરંતુ ટીવીચેનલો પાસેથી આવા હકારાત્મક વલણની અપેક્ષા રાખવી નકામી છે.
કેટલીક વખત ટીવીચેનલો એવી બૂમો પાડવા લાગે છે કે : ‘હદ થઈ ગઈ! ડુંગળી સફરજન કરતા પણ મોંઘી થઈ ગઈ.’ ટીવીચેનલોએ ખરેખર તો, સફરજન ડુંગળી કરતાં સસ્તા હોય એ પરિસ્થિતિને સકારાત્મક રીતે રજૂ કરવી જોઈએ અને દર્શકોને સફરજન ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, પણ દર્શકોને સદાય ચિંતિત અને દુઃખી રાખવામાં માનતી ટીવીચેનલો એવું નથી કરતી. વળી, ડુંગળીના ભાવ ઘટતા હોય છે ત્યારે ગૃહિણીઓના હૈયે કેવો હરખ થતો હોય છે એ સમાચાર ટીવી વાળા મોટાભાગે બતાવતા નથી. એ ઘટના જ સમાચારને લાયક ગણાતી નથી.
જો કે, વારંવાર ખાબકતી ડુંગળીની આફત તો ઘણા લોકોને હવે કોઠે પડી ગઈ છે. આવા લોકો ડુંગળીના ભાવવધારાથી બહુ દુઃખી થતા નથી. તેઓ મોંઘી ડુંગળી ખાવાની કે ડુંગળી વગર જીવી શકવાની વિશેષ ત્રેવડ ધરાવતા હોય છે.
ડુંગળીની અછત નફાખોર વેપારીઓ માટે તો લાભદાયક હોય છે, પણ હાસ્યલેખકો માટે પણ લાભદાયક હોય છે. હાસ્ય માટેના વિષયોની અછતથી પીડાતા હાસ્યલેખકોને નવો વિષય મળી જતો હોય છે. તેઓ ડુંગળીની અછત પર આધારિત લેખો, કવિતાઓ અને વાર્તાઓનું સર્જન કરવા મંડી પડતા હોય છે. આમ, ડુંગળીની અછતથી સાહિત્યની સમૃદ્ધિમાં વધારો થાય છે. જે થતું હોય છે એ સારા માટે જ થતું હોય છે.
ડુંગળીની અછત વખતે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ ડુંગળીના મુદ્દે સામસામે આવી જતા હોય છે. ડુંગળીની અછતના લીધે સત્તાપલટો થયા હોવાની ઘટનાઓ પણ બની છે એટેલ વિરોધ પક્ષના નેતાઓને ડુંગળીની અછત અને ડુંગળીના ભાવમાં થતો વધારો અંદરખાનેથી ગમતાં હોય છે, પણ દર વખતે ડોશી દાળિયા આપતી નથી.
પ્રજા ડુંગળીની અછતના કારણે સરકારને ઘરભેગી કરવાનું સાહસ દરવખતે કરતી નથી. પ્રજાને એ પણ સમજાઈ ગયું છે કે : ‘સત્તાપલટો એ ડુંગળીની અછતનો સાચો ઉકેલ નથી. સત્તાપલટા પછી પણ ડુંગળીની અછત ઊભી થતી હોય છે. વિચારપલટો એ જ સાચો ઉકેલ છે.’
ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળતા નથી અને લોકોને વાજબી ભાવે ડુંગળી મળતી નથી, આ વિરોધાભાસ કાયમી છે. એમ જૂઓ તો, ડુંગળી પકવનારા, વેચનારા, ખાનારા બધા જ દુઃખી છે. કદાચ, ડુંગળી જ સર્વ દુઃખોનું મૂળ છે.
ડુંગળીને પ્યાજ પણ કહેવાય છે. કેટલાંક ફિલ્મીગીતોમાં ‘પ્યાર’ શબ્દની જગ્યાએ ‘પ્યાજ’ શબ્દ પણ ઘણો બંધબેસતો થઈ શકે. જેમ કે… ‘ દે દે પ્યાજ દે, પ્યાજ દે, પ્યાજ દે દે, હમેં પ્યાજ દે…’
મધ્યમ : middle; middling, medium. m. fourth note in gamut. n. mean
પ્રેરણા : urging; inspiration; encouragement; order, command; secret prompting or advice.
અછત : insufficient supply, scarcity
Earlier chapters of Raman Ridha Ni Dayri
પ્રકરણ 7 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 6 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 5 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.