લેખક : યશવંત ઠક્કર (Funny stories by Gujarati author Yashwant Thakkar)
આજકાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો વહેલી સવારે ચાલવા નીકળનારા ઘટ્યા છે, પણ હું શક્ય એટલા ગરમ વસ્ત્રો ધારણ કરીને વહેલી સવારે ઘરની બહાર નીકળું છું. આજે પણ નીકળ્યો. શરૂઆતમાં ઠંડી લાગી, પણ પછી મારા દેહ અને ઠંડી વચ્ચે જાણે ગઠબંધન થઈ ગયું. ગઠબંધનની સરકાર સફળતાપૂર્વક ચાલતી હોય એમ હું ચાલવા લાગ્યો, પણ મેં શું જોયું? કેટલાક માણસો ચાલવા તો નીકળ્યા હતા, પણ એમના હાથ એમના ગરમ કોટનાં ખિસ્સાંમાં હતા. આનો શો મતલબ?
અરે ભાઈ, ચાલવા નીકળ્યા છો તો ચાલવાની રીતે ચાલોને. હાથને ખિસ્સાને હવાલે શા માટે કરો છો? તમને એટલી બધી ઠંડી લાગતી હોય તો ઘરે જ રહેવુ’તુંને. તમારા સમગ્ર દેહને જ ગોદડામાં રાખવો’તોને. ઠંડીની ઋતુમાં ખિસ્સામાં હાથ નાખીને ચાલનારો માણસ ચાલવા નીકળ્યો છે એમ ન કહેવાય, ટહેલવા નીકળ્યો છે એમ કહેવાય. જો કે, એમનો દોષ નથી. ઠંડી ઋતુમાં હાથ અને ખિસ્સા વચ્ચેનું આકર્ષણ વધે એ કુદરતી છે. માણસે જો ખરેખર ઠંડીનો મહત્તમ લાભ લેવો હોય તો ખિસ્સા વગરનાં વસ્ત્રો પહેરીને જ બહાર નીકળવું જોઈએ. આવા કારણસર જ ટીશર્ટ કે સ્વેટરની શોધ થઈ હશે. ન રહેગી જેબ, ન જાયેગા હાથ!
હાથનું તો ભાઈ એવું છે કે એને ખિસ્સામાં જવું હોય ત્યારે જ જાય. ઠંડીની વેળાએ જાય, પણ અમુક વેળાએ ન પણ જાય. જેવા સંજોગો. જેમ કે, આઠદસ મિત્રો કે સગાંસંબંધીઓ સાથે કોઈ હોટેલમાં ચાનાસ્તો કર્યા પછી બિલ ચૂકવવાની વસમી વેળા આવે ત્યારે કોના હાથને ખિસ્સામાં જવાનું ગમે? આવી વેળાએ જ માણસના હાથ અને એના ખિસ્સા વચ્ચે અપાકર્ષણનો આર્થિક નિયમ ભાગ ભજવે છે. આ વેળાએ જ ખબર પડે કે કોણ માત્ર વાણીવાળું છે ને કોણ ખરેખર પાણીવાળું છે. આવી કટોકટીની વેળાએ ઘણા લોકો એમનાં ખિસ્સામાં હાથ નાખે છે, પણ પૈસા સહિતના હાથ જલ્દીથી બહાર કાઢતા નથી. એ દરમ્યાન કોઈ પૈસા ચૂકવી દે છે, પછી તેઓ એમના ખાલી હાથ બહાર કાઢે છે અને પછી કહે છે : ‘લ્યો! આપી દીધા. મને એમ હતું કે હું આપું.’
પણ ધન્ય છે મારા માસિયાઈ મનુભાઈને. એમને ખાવામાં જેટલી મજા આવે છે એટલી જ મજા બીજાને ખવડાવવામાં આવે છે. કોઈ હોટેલ કે ભોજનાલયમાં સામુહિક નાસ્તો કે ભોજન કર્યા પછી બિલ ચૂકવવાની વેળાએ જ્યારે બીજા લોકો વિવિધ બહાને આડાઅવળા થતા હોય છે ત્યારે મનુભાઈ જ એમનો હાથ ખિસ્સામાં નાખતા હોય છે. એમના ખિસ્સામાંથી ક્યારેય પૈસા ખૂટ્યા નથી અને એમના હૈયામાંથી ક્યારેય જિગર ખૂટી નથી. પૈસા કાઢવાની વેળાએ મનુભાઈ પૈસા જ કાઢતા હોય છે, કોઈ બહાનું કાઢતા નથી. એટલે જ એમની આસપાસ રહેનારાઓની ક્યારેય સંખ્યા ખૂટી નથી. એટલે જ એમનાં માનપાન ખૂટ્યાં નથી.
આ જગતમાં પૈસા કાઢવા માટે બીજા લોકોનાં ખિસ્સાંમાં હાથ નાખનારાઓ પણ હોય છે. આ એમનો વ્યવસાય હોય છે. આવા લોકો ઘણી વખત બીજાનાં ખિસ્સાંમાં હાથ ન નાખવા પડે એ માટે બીજાનાં ખિસ્સાં જ કાતરી નાખતા હોય છે. તો ઘણી વખત માણસે મજબૂર થઈને પોતાના ખિસ્સામાં હાથ નાખવો પડે છે. ખાસ કરીને કોઈ ઓફિસમાં પોતાનું કામ અટક્યું હોય ત્યારે.
‘હાથ કી સફાઈ’ નામે એક ફિલ્મ આવી હતી. એમાં એક ગીત હતું…
ઉપરવાલે તેરી દુનિયા મેં
કભી જેબ કિસી કા ના ખાલી મિલે
કોઈ ભી ગરીબ ના હો જગ મેં
હર પાકિટ મેં હરયાલી મિલે
ઉપરવાલે તેરી દુનિયા મેં
કભી જેબ કિસી કા ના ખાલી મિલે.
To read older chapters of Raman Ridha Ni Dayri
જાણો આ બ્લોગમાં રહેલા કેટલાક જરૂરી ગુજરાતી શબ્દોનું અંગ્રેજી (Gujarati to English word meaning)
ટહેલવું – take rounds; move here and there; go from house to house begging or collecting money
વસમું – hard, difficult; disagreeable; evil
મજબૂર – helpless
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.