Gujaratilexicon

રમણ રીઢાની ડાયરી – પ્રકરણ 6

January 31 2020
Gujaratilexicon

પ્રકરણ 6 : ‘પડોસી મુસાફિર હૈ…’ (Raman ridha ni dayri)

લેખક : યશવંત ઠક્કર (Funny stories by Gujarati author Yashwant Thakkar)

આજે બપોરે ઘરનો બેલ વાગ્યો, મેં બારણું ખોલ્યું અને જોયું તો એક આંગડિયો હતો.

‘બાજુના ફ્લેટમાં રહે છે એનું નામ સપન મહેતા છે?’ એણે મને પૂછ્યું.

‘મને ખબર નથી.’ મેં કહ્યું.

‘તમને તમારી પાડોશમાં કોણ રહે છે એની ખબર નથી?’ એણે અકળાઈને મને કહ્યું.

‘નથી ખબર. એણે એનું નામ કહેવું જોઈએ ને? એ ન કહે તો હું શું કરું?’ મેં થોડા ગુસ્સા સાથે જવાબ  આપ્યો, પણ એ ઊતાવળિયો આંગડિયો મારો પૂરો જવાબ સાંભળ્યા વગર ચાલ્યો ગયો.

‘સાલો, કારણ વગરનું મને સંભળાવી ગયો.’ એના ગયા પછી પણ મારું બોલવાનું ચાલુ હતું,  મનોમન.

‘બાજુના ફલેટમાં કોણ રહે છે?’ એવા સવાલ બીજા આંગડિયા પણ મને અવારનવાર કર્યા હતા.  એક આંગડિયાએ તો મને એવું પણ કહ્યું હતું કે : ‘બાજુવાળાને કહેજોને કે ઘરના બારણે નેઇમપ્લેટ લગાડી દે એટલે મારા જેવાને ખબર પડે કે આ ઘરમાં કોણ રહે છે.’  

મેં એ આંગડિયાની લાગણી મારા નવા યુવાન પાડોશી સુધી પહોંચાડી હતી. મેં કહ્યું હતું : ‘ભાઈ, તમારા ઘરના બારણે એક કાચીપાકી નેઇમપ્લેટ લગાડી દો તો સારું. ટપાલી કે આંગડિયાને ખબર તો પડે કે તમારું નામ શું છે.’

પણ મારી વાત એને પસંદ ન પડી હોય એવો ચહેરો કરીને એ એના ઘરમાં પુરાઈ ગયો હતો.  આવા પાડોશી પર ગુસ્સો જ આવેને? એલા ભાઈ, અમે તારા ભલા માટે તને કહેવા જેવું કહેતા હોઈએ. બાકી, અમારે ક્યાં તારી પાસેથી કાંઈ લઈ લેવું છે?

એ જે દિવસે મારા પાડોશમાં રહેવા આવ્યો હતો એ દિવસે જ મેં એને કશી પણ ઓળખાણ વગર કહ્યું હતું : ‘કાંઈ કામકાજ હોય તો કહેજો.’ મેં તો મારો પાડોશી ધર્મ બજાવ્યો હતો, પણ એણે તો ‘ઓકે’ એવો ટૂંકો જવાબ આપ્યો હતો અને પછી બારણું બંધ કરીને ઘરમાં પુરાઈ ગયો હતો. ત્યાર પછી એ બહુ ઓછી વખત મને દેખાયો હતો.

એ જ્યારે પણ દેખાતો ત્યારે  હું મારા ચહેરા પર બને એટલી પ્રસન્નતા લાવીને એની સામે જોતો હતો. મને એમ કે એ પાડોશી તરીકે કશી વાત કરશે, પણ એની નજરમાં તો જાણે મારું અસ્તિત્વ જ નહોતું.  હવે જો એને જ મારી સાથે ઓળખાણ રાખવામાં રસ ન હોય તો મારે કેટલા ટકા? પરાણે પુણ્ય કરવાનો મતલબ ખરો? એટલે પછી મેં પણ એના અસ્તિત્વની  નોંધ લેવાનું બંધ કર્યું હતું.  પણ આંગડિયા વારંવાર મારો જીવ ખાતા હતા એટલે મને એના પર અને આંગડિયા પર ગુસ્સો આવતો હતો. આજે પણ આવી ગયો.

મને એમ થાય છે કે ‘સાલું, આવા લોકો જ્યાં રહેવા જાય ત્યાંની એમને જરા પણ માયા નહિ? આજુબાજુ વાળા સાથે વાત પણ નહિ કરવાની? જાણે હોટેલમાં આવ્યા હોય એમ રહેવા આવવાનું?’

ભણવામાં ‘જૂનું ઘર ખાલી કરતાં’ એવી એક કવિતા આવતી હતી. એમાં જૂના ઘરની માયા કેવી હોય છે એની વાત હતી, પણ આજના જમાનામાં કોઈને જૂના ઘરની કે નવા ઘરની માયા જ નથી રહી. માણસને ભાડાના ઘરની તો માયા નથી હોતી, પણ પોતાનું ઘરનું ઘર હોય તો એની પણ માયા નથી હોતી. માણસ ઘરનું ઘર પણ ક્યારે વેચી મારે અને બીજે રહેવા જતો રહે એનું નક્કી નથી હોતું. એમાંય એન્જિનિયરો તો પોતાની પ્રગતિ માટે વારેવારે કંપની બદલી નાખે, શહેર બદલી નાખે, અરે દેશના દેશ બદલી નાખે! આમાં ઘર બદલાવાની ક્યાં નવાઈ!

એક જોતા આજના યુવાનોની આ રીતભાત સારી છે. કોઈને બહુ વળગવાનું નહિ. બહુ લાગણીવાળા બનવાનું નહિ. જ્યાં જઈએ ત્યાં મહેમાનની જેમ જવાનું, પછી ભલે એ નોકરીધંધાની જગ્યા હોય કે રહેવાની જગ્યા હોય. વર્તમાનમાં જ જીવવાનું. પૈસા દઈને પણ કામ પતી જતું હોય તો કોઈનો ઉપકાર લેવાનો નહિ. બને એટલા પ્રેક્ટિકલ થવાનું.  

મારા બાજુના ફલેટના માલિકે ફલેટ રહેવા માટે નથી લીધો, મૂડીરોકાણ માટે લીધો છે. એ ફલેટ ભાડે આપ્યા કરે છે અને એના ભાડૂઆતો બદલાતા રહે છે.  મારા પાડોશી બદલાતા રહે છે.

મારા પાડોશી જયારે ઘર ખાલી કરતા હોય ત્યારે મને આ ગીત યાદ આવી જાય છે….

‘આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, આતે જાતે રસ્તે મેં યાદેં છોડ જાતા હૈ.’

પછી હું શબ્દો બદલીને ગાઉં છું…

‘પડોસી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, જાતે જાતે ફલેટ મેં કચરા છોડ જાતા હૈ.’

To read older chapters of Raman ridha ni dayri

પ્રકરણ 5 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 2 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 1 વાંચવા અહીં ક્લિક કરો

જાણો આ બ્લોગમાં રહેલા કેટલાક જરૂરી ગુજરાતી શબ્દોનું અંગ્રેજી (Gujarati to English word meaning)

આંગડિયો – one who carries valuables from one place to another; trustworthy servant.

ઓળખાણ – acquaintance; recognition; familiarity; mark of recognition; reference; guarantee by a known person

રીતભાત – manners; behavior; exchange of presents

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2024

ગુરૂવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects