Gujaratilexicon

રમણ રીઢાની ડાયરી – પ્રકરણ 3

January 10 2020
Gujaratilexicon

પ્રકરણ 3 : ધુમાડો

લેખક : યશવંત ઠક્કર (Funny stories by Gujarati author Yashwant Thakkar)

ગઈ કાલે પેલા સામાજિક કાર્યકર તેમ જ કવિએ જનાર્દનભાઈને જે ધમકી આપી હતી એ ધમકી આજે સાચી પડી. એ ભલે નગરગૃહના મંચ પર ન પહોંચી શક્યો પરંતુ છાપાના પાના સુધી પહોંચી શક્યો. આજના છાપામાં એક સમાચારનું મથાળું છે કે : કોર્પોરેશનનો કહેવાતા કવિઓના કાર્યક્રમ ! કવિ સંમેલનના નામે પ્રજાના પૈસાનો ધુમાડો.

સમાચારમાં ગઈ કાલના કવિ સંમેલન વિશે વિગતથી વાટવામાં આવ્યું છે. લખ્યું છે કે : કોર્પોરેશને યોજેલા કવિ સંમેલનમાં કોર્પોરેશનના અધિકારીઓએ મનમાની ચલાવી છે. કવિ સંમેલનમાં કવિઓને કાવ્યપઠન માટે આમંત્રણ આપવામાં વહાલાદવલાની નીતિ અપનાવવામાં આવી છે. સંમેલનમાં ખરેખરા કવિઓ ઓછા હતા અને કહેવાતા કવિઓ વધારે હતા. શહેરના ઘણા કવિઓને આમંત્રણ ન આપીને અપમાનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમના આયોજનમાં કાચું કપાયું હોવાનું માલુમ પડે છે. શહેરના સાહિત્યરસિકો સવાલ કરી રહ્યા છે કે, કવિઓની પસંદગી ક્યા ધોરણે કરવામાં આવી હતી? શ્રોતાઓની હાજરી કેમ ઓછી હતી? શહેરના સાહિત્યરસિકોને કાર્યક્રમ વિશે પૂરતી જાણકારી કેમ આપવામાં નથી આવી? આ કાર્યક્રમના આયોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને શહેરના મેયરશ્રી આ બાબતે ખુલાસો કરે એ જરૂરી છે…

આવા સમાચાર વાંચીને મને થાય છે કે કવિઓ પણ કેટલા બધા દુ:ખી હોય છે! તેઓ સમાજમાં   અન્યાયનો ભોગ બનતા લોકો વિશે ઘણી ઘણી કવિતાઓ લખતા હોય છે. પણ કવિઓ પોતે જ કેટલો અન્યાય સહન કરતા હોય છે. કોઈ કવિ સંમેલનમાં એમને બોલાવવામાં ન આવે. બોલાવવામાં આવે તો એમને ઝાઝી કવિતાઓ બોલવા ન દેવાય. કાર્યક્રમનો સંચાલક એની પોતાની મરજી મુજબ કાર્યક્રમ ચલાવે. કવિ સંમેલનમાં લાગવગિયા કવિઓ ઘૂસી જાય અને સાચા કવિઓ રહી જાય. કેટલાય કવિઓની કવિતાઓ ક્યાંય છપાય નહિ. છપાય તો એનો પુરસ્કાર ન મળે. મળે તો સાવ નજીવો મળે. એમની કવિતાઓની ચોપડીઓ છપાય નહિ. છપાય તો વેચાય નહિ. એમને પૂરું વળતર મળે નહિ. દાઝ્યા પર ડામ દેતા હોય એમ વિવેચકો એમની કવિતાઓનું કડક વિમોચન કરે અને પાણીમાંથી પોરા કાઢે. ક્યારેક તો કવિઓના સુતેલા આત્મા જાગી જાય તો એમણે માંડ માંડ મેળવેલા પુરસ્કારો પરત પણ કરવા પડે.

મને થાય છે કે કવિઓએ જે મળ્યું હોય એની કદર કરવી જોઈએ. ઘણા જાણીતા કવિઓ પણ કકળાટ કરતા હોય છે. એમનાં ઘણાં પુસ્તકો છપાયાં હોય છે, એમને ઘણા ઇનામો મળ્યાં હોય છે, એમનાં સન્માન થયાં હોય છે, એમને રૂપિયાની થેલીઓ પણ મળી હોય છે તોય તેઓ અસંતોષ પ્રગટ કરતા હોય છે. એમને પોતાની પૂરતી નોંધ ન લેવાતી હોવાની ફરિયાદો કરતા હોય છે. આવા કવિઓને આ શોભતું નથી. એમણે બીજા કવિઓનો પણ વિચાર કરવો જોઈએ કે જે કવિઓને કશું જ મળ્યું નથી. કેટલાય કવિઓ એવા હોય છે કે જેઓ કવિતાની ડાયરી લઈને કવિતાના કાર્યક્રમોમાં તો જાય છે, પરંતુ માત્ર શ્રોતા તરીકે જાય છે. એમને મંચ પરથી કવિતા રજૂ કરવાનો લહાવો મળતો નથી. પણ આ જગતમાં આવું કોણ વિચારે છે? બધા પોતાના દુઃખનો વિચાર કરે છે, પણ પોતાથી વધારે દુઃખી હોય એમનો વિચાર કરતા નથી. સુખી કવિઓ પણ ખરેખરા દુઃખી કવિઓની ચિંતા કરતા નથી. મારા ભણવામાં એક કવિતા જેવું કશું આવતું હતું એ યાદ આવે છે ….

દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે

સુખી જો સમજે પૂરું દુઃખ ના વિશ્વમાં ટકે.

પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો

પ્રકરણ 2 વાંચવા અહીં ક્લિક કરો

પ્રકરણ 1 વાંચવા અહીં ક્લિક કરો

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2024

ગુરૂવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects