Gujaratilexicon

બાળવાર્તા : પુસ્તક વાંચન

July 13 2013
Gujaratilexicon

એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં જયેશ તેના માતા-પિતા તથા તેના દાદા સાથે રહેતો હતો. જયેશને તેના દાદા ખૂબ જ પ્રેમ કરતા અને જયેશને દરરોજ રાત્રે સૂતી વખતે બાળવાર્તાઓ કહેતા. બાળવાર્તાઓ સાંભળીને જ સૂઈ જવું તેવો નિત્યક્રમ બની ગયો હતો. દાદા જે વાર્તા કહેતા તે જયેશ યાદ રાખતો અને તે વાર્તાઓ તેના શાળાના વિદ્યાર્થીમિત્રોને અચૂક કહેતો. ઘણી વાર તો બીજા વર્ગના વિદ્યાર્થીઓ પણ ક્યારેક ભલામણ કરીને તેને વાર્તાઓ કહેવડાવતા.

એક દિવસ વાર્તા સાંભળતા સાંભળતા જયેશે દાદાને કહ્યું કે, દાદા છેલ્લા એક વર્ષથી હું તમારી પાસેથી વાર્તા સાંભળીને સૂઈ જાઉં છું. પણ આજે મારે પણ તમને કેટલીક વાર્તા કહેવી છે. હું તમને જે વાર્તાઓ કહું તે તમને કેવી લાગી તે તમારે મને કહેવાનું છે. તો શાંતિથી મારી વાર્તા સાંભળો

જયેશે વાર્તા શરૂ કરી, રજની નામે એક ગરીબ છોકરો હતો તે ભણવામાં ઘણો જ હોશિયાર હતો. તેણે એમ.કોમ.ની પરીક્ષા પ્રથમવર્ગમાં પાસ કરી જેના કારણે તેને વિદેશ જવાની સુંદર તક મળી. રજનીનાં માતા-પિતાએ રજનીને જણાવ્યું કે, બેટા, તું અચૂક વિદેશ જાય પણ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને કદાપિ ભૂલીશ નહિ. બોલો દાદા મારી ટચૂકડી વાર્તા તમને કેવી લાગી. દાદાએ કહ્યું, બેટા, બહુ સરસ લાગી.

દાદા હજી તમને મારી બીજી એક વાર્તા સંભળાવું. બે મિત્રો હતા. કૃષ્ણ અને સુદામા જેવા જ. બંને મિત્રોની દોસ્તી ગાઢ હતી. બંને મિત્રો શાળાના પ્રવાસે ગયા. પ્રવાસમાં બંને ઘરેથી બનાવેલો નાસ્તો લઈ ગયાં હતાં. રમેશની મમ્મીએ આપેલો ડબ્બો રસ્તામાં ક્યાંક પડી ગયો એટલે તેના મિત્ર સુરેશે તેને પૂછ્યું, ‘કેમ ચિંતામાં છે રમેશ? તું નાસ્તો નથી લાવ્યો કે શું?’ રમેશે કહ્યું, ‘નાસ્તો તો લાવ્યો હતો પણ….’ ‘પણ શું?’ ‘નાસ્તાનો ડબ્બો રસ્તામાં ક્યાંક પડી ગયો લાગે છે.’ સુરેશે કહ્યું, ‘અરે, તેમાં આટલી ચિંતા કેમ કરે છે? ચાલ મારા નાસ્તાના ડબ્બામાંથી ખાવા માંડ અને કોઈ ચિંતા વગર ખાજે.’ આટલું કહી જયેશે તેના દાદાને કહ્યું, બોલો દાદા બંને બાળવાર્તા કેવી લાગી. બેટા બહુ જ સરસ લાગી, તું પણ તને યાદ હોય તેવી વાર્તાઓ મને કહેજે. બહુ જ મઝા પડશે.

જયેશે દાદાને કહ્યું, દાદા મારી શાળામાં પુસ્તકાલયમાં જાતજાતનાં રંગબેરંગી સુંદર પુસ્તકોનો ખજાનો છે તેમાં નિયમિત પણે સામાયિકો તેમ જ સાપ્તાહિકો આવે છે જે હું નિયમિત વાંચું છું. તેમાંય ખાસ બાળ માસિકો વધારે વાંચું છું જેના કારણે મને બાળવાર્તાઓ કહેવાની ફાવટ આવી ગઈ છે. મારી મૌલિક વાર્તાઓ વર્ગમાં બધાને કહું છું, એ સાંભળી દાદાએ જયેશની પીઠ થાબડી શાબાશી આપી અને કહ્યું કે, પુસ્તક વાંચન એ આત્માનો ખોરાક છે.

”દરેક ઘરમાં આધુનિક સુવિધાઓ નહીં હોય તો ચાલશે પરંતુ પુસ્તકાલય જરૂર હોવું જોઈએ .”

આપણા મિત્રો ઘણીવાર સંજોગોવશાત્ આપણો સાથ-સહકાર છોડી દે છે પરંતુ પુસ્તકો તો હંમેશા સાથે જ રહે છે, આથી જ કહેવાય છે કે “પુસ્તકો આપણા સાચા મિત્રો છે”

-નરેન્દ્ર કે. શાહ

જાણો આ શબ્દોનો ગુજરાતી અર્થ (Meaning in Gujarati)

બાળવાર્તા – બાળકોને સમઝાય અને વાંચવી ગમે તે પ્રકારની વાત

ફાવટ – લાગ; મોકો; સગવડ; અનુકૂળતા.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects