લીલા નામે એક વન હતું. આ લીલાવનમાં અનેક પશુપંખીઓ રહેતા હતા. એક દિવસ આ લીલાવનમાં પંખીઓનો સંસ્કૃતિમેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું. ઠેર ઠેર પત્રિકાઓ વહેંચવામાં આવી અને જંગલના બધાં પંખીઓને આમંત્રિક કરવામાં આવ્યાં.
સંસ્કૃતિ મેળાનો દિવસ આવી પહોંચ્યો એટલે બધાં જ પંખીઓ વડમેદાન પાસે આવી પહોંચ્યાં. અને એક વડલાની છાયામાં બધા જ પંખીઓ આવીને ગોઠવાઇ ગયા. મોર, પોપટ, કોયલ, કબૂતર, હંસ, બતક વગેરે. પોતે બીજા કરતાં ઊંચ છે એવું બતાવવા બધા પંખીઓ રોફથી ફરવા લાગ્યાં. મોર તો છેક સ્ટેજ પર ચડી ગયો અને ટહુકવા લાગ્યો કે, ‘દુનિયામાં અમે સૌથી ઊંચા ગણાઇએ. અમારું નૃત્ય આખા વિશ્વમાં વખણાય છે. અમારા પીંછાં તો ભગવાન શ્રી કૃષ્ણના મુગટમા શોભે છે. અમારા ટહુકા સાંભળીને તો મેધરાજાને પણ વરસવું પડે છે. માટે સૌથી ઊંચા અમે છીએ. ત્યાં જ કોયલ બોલી, ‘જા જા મોરલા, પીંછાના ભારથી ઊંચો તો ઊડી શકતો નથી ને પોતાને ઊંચ ગણે છે? ઊંચ તો અમે કહેવાઇએ, અમારા ટહુકાઓથી વસંતઋતુની શોભા વધે છે, આંબાના ઝાડ જેવું ગુણવાન વૃક્ષ અમારું રહેઠાણ છે. અમારો ટહુકો સાંભળવા બધા તરસતા હોય છે. ખરાખરા ઊંચ તો અમે કહેવાઇએ.’ ત્યાં તો બીજી બાજુથી પોપટે પાંખો ફફડાવી, એ બોલ્યો , ‘એ કાળી બંધથા, તમારા બેમાંથી કોઇ ઊંચ નથી. ઊંચતો અમે છીએ, આખા પક્ષીજગતમાં અમે જ એક એવા છીએ કે જે માણસ જેવી બોલી બોલી શકે છે. દેખાવમાં પણ અમારી સુંદરતાને કોઇ ના પહોંચે, સમજ્યાં?’
હંસથી ના રહેવાયું,એ બોલ્યો, ‘એ વાંકી ચાંચવાળા! મારાથી વધારે રુપાળું આ જંગલમાં બીજુ કોઇ હોય તો કહે. તીખાં મરચાં ખાઇ ખાઇને આ તારી પીપૂડી વગાડવાની બંધ કર. અમારું તો ભોજન પણ સાચાં મોતીનો ચારો છે. અમે સરોવરની શોભા છીએ. સૌથી ઊંચ તો અમે છીએ.’
આ રીતે બધાં જ પંખીઓ અંદર અંદર લડવા લાગ્યાં. ત્યાં બે ચાર કાગડાઓ ઊડતાં-ઊડતાં આવ્યા. એમણે પણ સંસ્કૃતિમેળામાં ભાગ લેવાનું કહ્યું. પણ એમને જોઇને બધાં પંખીઓ હસવા લગ્યાં અને તેમને ત્યાંથી તગેડી મૂક્યાં. ત્યાં જ વળી આકાશમાંથી થોડા ગીધ ઊતરી આવ્યાં. એમણે કહ્યું, ‘અમે સંસ્કૃતિમેળા વિશે સાંભળ્યું છે, અમારે પણ આ સંસ્કૃતિમેળામાં ભાગ લેવો છે.’ ત્યાં મોરે અચાનક દૂરથી બૂમ પાડી, ‘એ… એમને આ તરફ આવવા ન દેતા, એ તો અછૂત છે. એ તો મરી ગયેલાં ઢોરનું માંસ ખાય છે, હાડકાંઓ ચૂસે છે.’ કોયલે ગધ સામે જોઇ બોલી, ‘તમારી વળી સંસ્કૃતિ કેવી, ગંદુ ગોબરુ ખાવાની જ ને?’ ગીધને ખુબ ગુસ્સો આવ્યો, પણ તેઓ કશું બોલ્યાં નહીં. બધાં પંખીઓ હસવા લાગ્યાં. ગીધોને પણ ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યાં.
સંસ્કૃતિમેળામાં બધાં પોતે સૌથી મોટાં છે એવી ડંફાસો મારવામાં વ્યસ્ત હતાં જ ત્યાં જ શિકારની શોધમાં એક શિકારી આવી ચડ્યો. આટલાં બધાં પંખીઓને એક સાથે જોઇને એ તો રાજીના રેડ થઇ ગયો. એને થયું કે આજે તો બધાં જ પંખીઓને પકડીને શહેરમાં જઇને વેચીશ એટલે ખૂબ જ રુપિયા મળશે. એણે જાળ નાંખી અને પાંચ સાત પંખીઓ ફસાઇ ગયાં. મોર, પોપટ, કોયલ, હંસ વગેરે ફસાઇ ગયાં. શિકારીને જોતાં જ બાકીના પંખીઓ બૂમાબૂમ કરવા ભાગ્યાં. શિકારીએ જેટલાં પંખીઓ જાળમાં ફસાયાં એમને પકડીને એક થેલામાં પૂરી દીધા અને થેલો માથેજ ઊપાડી શહેર તરફ ચાલવા લાગ્યો.
કાગડાઓએે પંખીઓને પકડીને જતા શિકારીને જોયો. એમને દયા આવી. પણ એ બિચારા શું કરી શકે? અચાનક એમને ગીધ યાદ આવ્યાં એ દોડાદોડ ગીધ પાસે પહોંચ્યા અને ગીધને સઘળી વિગત જણાવી. ગીધોને પણ આ જાણીને દુઃખ થયું. પણ પોતાની સાથે અણછાજતું વર્તન કરનારને એ નહીં છોડાવે એવું એમણે ચોખ્ખું સંભળાવી દીધું. કાગડાઓએ એમને પ્રેમથી સમજાવ્યા એટલે એમના કહેવાથી એ પંખીઓને છોડાવવા તૈયાર થયાં.
શિકારી જે રસ્ત્તે ગયો હતો તે રસ્તો કાગડાઓએ ગીધોને ચીંધી વતાવ્યો. ગીધો પોતાની વિશાળ પાંખો ફેલાવીને આકાશમાં ઉડવા લાગેયાં. એમણે જોયું તો રસ્તા પર એક માણસ માથે થેલો ઉપાડીને જઇ રહ્યો હતો. એમણે ઉપરથી તરાપ મારી અને ચપ્પ દઇને શિકારીના માથા પરનો થેલો પોતાના પગમાં પકડીને ઉડી ગયાં. શિકારીને તો શું થયું એ જ ખબર ના પડી. એ માથું ખંજવાળતો આકાશ સામે જોઇ રહ્યો.
ગીધો થેલો લઇને ઉડતા ઉડતા વડમેદાન આવ્યાં. થેલો છોડીને એમણે બધાં પંખીઓને મુક્ત કર્યાં. બધા પંખીઓએ ગીધોની માફી માગી અને કહ્યું, ‘ગીધભાઇ, જો તમે આજે ન હોત તો અમારું શું થાત?’ હંસે કહ્યું, ‘આપણે ખાલીખોટાં અંદરોઅંદર ઝગડી રહ્યાં છીએ. આપણામાંથી કોઇ ઊંચુ નથી કે કોઇ નીચું નથી.’
પોપટે કહ્યું, ‘હા તમારી વાહ સાચી છે. કોઇ કામ નીચું નથી કે કોઇ કામ ઊંચું નથી. જો જંગલમાં ગીધ અને કાગડાઓ ન રહેતા હોત તો જંગલની ગંદકી એટલી બધી જાત…. જંગલમાં ઠેરઠેર રોગચાળો ફાટી નીકળત.’
પોતાના શિકાર જાળમાંથી છોડાવવા બદલ બધા પંખીઓએ ગીધો અને કાગડાઓનો આભાર માન્યો. પછી તો બધાં જ પંખીઓએ ભેગા મળીને સંસ્કૃતિમેળાની ઉજવણી કરી, અને એમાં ગીધો અને એમાં ગીધો અને કાગડાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું.
‘પ્રત્યાશા’ સામયિકમાંથી સાભાર ( વાર્તાકારઃ અનિલ ચાવડા)
મુગટ – crest; crown, diadem.
ટહુકો – ong cry uttered for calling sb.; uttering from time to time some word like yes, by a listener to indicate that he is following what is being said or told.
ચાંચ – beak, bill; thing having shape of bill (e.g. part of turban projecting upwards)
ગીધ – vulture
ડંફાસ – boasting, swaggering.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.