Gujaratilexicon

રમણ રીઢાની ડાયરી – ભાગ 1

December 27 2019
Gujaratilexicon

પ્રકરણ : 1 : શુભ શરૂઆત

લેખક : યશવંત ઠક્કર

ગઈ કાલની વાત છે. મારો ભત્રીજો નામે રસિક મને મળવા આવ્યોતો. મને તો નવાઈ લાગીતી. આજના જમાનામાં કોઈ સગુંવહાલું મળવા આવે એ પણ નવાઈની જ વાત કહેવાયને? એમાંય રસિક પાછો એક ધંધાદારી માણસ! એનો ફોન સતત વાગતો જ હોય. અને ફોનનો દોડાવ્યો એ સતત દોડતો જ હોય. ઘરમાં આવ્યા પછી પણ ઘણી વખત એ વાત કરતાં કરતાં એની સોસાયટીના નાકે પોગી જાય! ઘણી વખત તો એને જવું હોય બાથરૂમમાં અને પોગી જાય રસોડામાં.  

રસિક મારે આંગણે ખાસ કામ વગર ના પધારે. એ પધાર્યો એટલે મને થયું હતું કે, ‘નક્કી, કાંઈક નવાજૂની હશે.’

એ બેઠો, ના બેઠો ને એની બેગમાં હાથ નાખીને બોલ્યો કે : ‘રમણકાકા, આ તમારા માટે લાવ્યો છું.’

મને એમ થયું કે, કશો ખાદ્યપદાર્થ લાવ્યો હશે. પણ એણે તો એક ડાયરી કાઢી ને મારા હાથમાં મૂકી. ડાયરી એટલે તમે બે ઘડી જોઈ રહો એવી.  

મેં કહ્યું : ‘દીકરા, આ મારે શું કામની ?’ તો એ બોલ્યો કે : ‘ કાકા, આમાં હિસાબકિતાબ લખજો.’

મેં કહ્યું : ‘એક મહેતાજી તરીકે મેં જીવનભર મારા શેઠના હિસાબકિતાબ લખ્યા છે. હવે હું હિસાબકિતાબથી થાક્યો છું.’

રસિક બોલ્યો : ‘કાકા, હવે તમારા પોતાના હિસાબકિતાબ લખજો.’

મેં કહ્યું : ‘મારે કોઈ મોટો કારોબાર નથી. નથી કોઈ મોટી આવકજાવક. આવી રૂડીરૂપાળી ડાયરીમાં હું પાંચદસ રૂપિયાના હિસાબ લખું એમાં ડાયરીની પણ શોભા નહિ ને મારી પણ શોભા નહિ. ડાયરી કોઈના હાથમાં જાય તો મારી આબરૂના કાંકરા જ થાય ને?’

તો રસિક બોલ્યો કે : ‘કાકા, એક કામ કરજો. આ ડાયરીમાં તમારા રોજના અનુભવો લખજો.  તમારા જીવનમાં બનતી ઘટનાઓની નોંધ લખજો.’

મેં કહ્યું કે : ‘મારા જીવનમાં જે મહત્ત્વની ઘટનાઓ બનવાની હતી એ બની ગઈ છે. હવે તો કાંઈ મહત્ત્વની ઘટનાઓ બને એવું લાગતું નથી. હવે તો બધું જ રાબેતા મુજબ ચાલે છે.’    

‘તો આ ડાયરીમાં તમારા વિચારો પ્રગટ કરજો.’ એ બોલ્યો.

જવાબમાં મેં કહ્યું : ‘મારા વિચારોની કીમત કેટલી? આવી સરસ ડાયરીમાં મારા વિચારોને સ્થાન અપાય? જેમાં જે  શોભતું હોય એ જ શોભેને? હાથી પર અંબાડી શોભે કે કોથળો શોભે?’

‘કાકા, એવું કશું નથી. આ દુનિયામાં મોટા મોટા લેખકો કેવા કેવા ફાલતુ વિચારો પ્રગટ કરે છે. એમને કોણે ફાંસીએ ચડાવી દીધા? એમના વિચારો કરતા તો તમારા વિચારો ક્યાંય સારા છે.  દરેકને અભિવ્યક્તિનો અધિકાર છે. તમને પણ છે. તમે એ અધિકારનો ઉપયોગ કરજો. ચાલો, હું જાઉં છું. મારે આજે નાતની વાડીએ મિટિંગમાં જવાનું છે. એની પહેલાં ‘કલ્યાણકારી બેંક’ના ડાયરેક્ટરને મળવાનું છે.’

‘તું બહુ દોડાદોડી કરે છે.’ મેં કહ્યું.

‘દોડવું જ જોઈએ. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આખા વિશ્વમાં દોડાદોડી કરતા હોય તો આપણે કમસે કમ આપણા શહેરમાં તો દોડાદોડી કરવી જ જોઈએ. મોટી ઉમરે અમિતાભ બચ્ચન પણ જો નવરા ન બેસતા હોય તો આપણને પણ નવરા બેસવાનો હક નથી’ કોઈ ચિંતકની અદાથી એવું બોલીને એ ઊભો થઈ ગયો અને શાકભાજીની લારીએ મસાલો લેવા ગયેલી એની કાકીની રાહ જોયા વગર જ એ ચાલ્યો ગયો.  જતાં જતાં કહેતો ગયો કે : ‘ડાયરીમાં કશું નહિ લખો તો ભવિષ્યમાં તમને કોઈ ચીજ આપવાનું મને મન નહિ થાય.’  

ભત્રીજો ગયો ને ડાયરી રહી. સાથે સાથે એની ચેતવણી રહી કે :  ‘ડાયરીમાં કશું નહિ લખો તો ભવિષ્યમાં તમને કોઈ ચીજ આપવાનું મને મન નહિ થાય.’

એ ચેતવણીના ડરથી જ મેં રમણ રીઢાએ આજથી મા સરસ્વતીનું સ્મરણ કરીને આ ડાયરી લખવાની શરૂઆત કરી છે.

પેલા મોરલાની પાસ બેઠાં શારદા જો ને

આપે વિદ્યા કેરું દાન માતા શારદા જો ને.

(પ્રકરણ 2 વાંચવા અહીં ક્લિક કરો )

પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો

પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2024

ગુરૂવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects