Gujaratilexicon

પાંગરવું એટલે શું ?

November 28 2019
GujaratilexiconGL Team

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો ;

હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો ;

પ્રભુ હેં ! જીવન-જ્યોત જગાવો.

“ સુંદરમ્ “

 ‘મા‘ના ઉદરમાં રહેલું ગર્ભ નવ માસ બંધિયારામાં રહીને પણ પાંગરીને જો માનવરૂપ ધારણ કરી શકતું હોત તો આ જ મનુષ્ય મુક્ત વાતાવરણમાં વિકાસ સાધવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો સમાજમાં વારંવાર ઊભા થતાં રહેતા તમામ દર્દ અને વેદનાને અંશતઃ નહીં પૂર્ણતઃ નિર્મૂળ કરવા શક્ય છે જ. બાળપણમાં પૂજ્ય પિતાજીએ માનસપટ પર અદ્ભુત રીતે આલેખેલા માનવમૂલ્યો અને નૈતિકમૂલ્યોની દોરવણી એ કહું તો કોઈ દૂષણને નાથવા સામૂહિક ક્રાંતિ કરતાં વ્યક્તિગત ક્રાંતિની આવશ્યકતા વધુ હોય છે. સમાજમાંના[સમાજ આપણાથી જ બને છે ને ?] અગણિત દૂષણોને આમૂલ નષ્ટ કરવા હોય તો દરેકે માત્ર પોતાની વ્યક્તિગત ઈમાનદારી દાખવવાની જ જરૂર છે. જે સરળ પણ છે અને નથી પણ…!!

 વ્યક્તિગત પાંગરવાને અને સમાજના દુઃખદર્દની નાબૂદીને એકબીજા સાથે શું નિસ્બત ? ભાવકને જો આવો વિચાર ઝબકી જાય તો આ ભાવક મિત્રને આ લેખ આંખની સાથે દિલેરી દૃષ્ટિ દાખવી વાંચવાનો નમ્ર આગ્રહ. સ્વકેન્દ્રી બની તન-મન-ધનથી પાંગરવાનો અથાગ પ્રયત્ન લગભગ દરેક માણસ કરતો જ હોય છે. [અંગત સ્વાર્થનો કેડો મેલવો એટલો સહેલો નથી હોં ભલા!] સ્વને સમષ્ટિ માટે પાંગરાવવાની વાત મારે અહીં કરવી છે અને શરૂઆત મારાથી જ કરવી છે.

 જેનામાં સંવેદનાની વાવણી અને લણણી નિરંતર થયા કરે છે તે સમષ્ટિને નિષ્કામ ચાહી શકે છે. આપણે જાતને નિષ્કામ ત્યારે જ ચાહી શકીએ  જયારે સમષ્ટિને પ્રેમ કરી શકીએ …પરદુઃખે કરુણાથી દ્રવી શકીએ… હરક્ષણ સ્વ માટે નહીં પણ સમષ્ટિ માટે કંઈક કરવાની તીવ્ર ભાવના આપણામાં ધબકારા અને લબકારા લે… આંખ સ્વ પ્રત્યે અને દૃષ્ટિ સમષ્ટિ પ્રત્યે વ્યાપક બને. મને લોકોને[સજીવ અને કેટલાંક સજીવ છતાં નિર્જીવ…!] ચાહવા ગમે છે, કારણ મારી ઉરની ઉષ્મા અને સંવેદના તેઓને ચાહવાથી જ પોષાય છે. માટે જ કહું છું, કે સ્વ માટે પણ સમષ્ટિને ચાહવી.

આપણી કુટુંબની વ્યાખ્યાને દિવસે-દિવસે સંકુચિત થતી જતી જોઈને મન આક્રોશ કેમ ન કરે?… એ તો વિશાળ ન હોવી જોઈએ? ”હું, તું, ને આપણું પેટ“ એ તો નર્યો સ્વાર્થ જ ઠર્યો. કુટુંબની વ્યાખ્યા વિશાળ ન બનવા પાછળ આપણી જાત કારણભૂત તો નથી બનીને એ દરેકે સતત ચકાસવું ઘટે. જે જીવ પોતાના કર્મ થકી પોતાના માંહ્યલાને રાજી કરતી વેળા ઈશ્વરને ય આવાં જ રાજીપાથી ઓડકાર ખાતો સાંભળી શકે તે જીવાત્મા જ સંસારની એરણે સાચો માનવ ઠર્યો ગણાય.. ખરું ..!

જેને જીવનમૂલ્યોને ઉજાળતા અને સંવેદનાને સંજોડતા ફાવે છે એ જ વ્યક્તિ દરેક ક્ષણે, દરેક ક્ષેત્રે પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિને સદ્માર્ગે રાખી શકે છે. તેથી જ તે સાધુ આત્મા છે. આવા બે ઓલીયાજીવની હું ઓશિંગણ અને અનુરાગી છું. એક,…મારા પિતાજી શ્રી. ઈજ્જતકુમાર અને બીજા,… પૂ.મોરારિબાપુ. જેના છાંયડે અમે કોળાયા. મા-બાપ અને ગુરુ પોતાના દરેક બાળકમાં એકસમાન સંસ્કાર, શિક્ષણનું સિંચન કરે છે. માળીએ એક જ રીતે રોપેલા હોવા છતાં જેમ દરેક છોડ એકસમાન ઉજરતા કે કોળાતા નથી તેમ દરેક બાળક સમાનમાત્રામાં સંસ્કાર અને શિક્ષણ ગ્રાહ્ય કરી શકતા નથી. તેનો ઘણો ખરો આધાર તેનાં આત્માના સંસ્કાર અને સ્વભાવ પર નિર્ભર હોય છે. જેટલી આત્માની ફળદ્રુપતા એટલી જ તેની પામવાની કે ગ્રાહ્ય કરવાની ક્ષમતા. તેથી જ ઘર કે સમાજમાં પાંચેય આંગળી સમાન ક્યાં જોવા મળે છે ? આમાં ગુરુ કે મા-બાપને આપણે લેશમાત્ર દોષ ન આપી શકીએ. દરેકે પોતાના આત્માને ફળદ્રુપ બનાવવાની જવાબદારી સ્વયં સમજવી ઘટે.

‘સંસ્કાર’ શબ્દનો સાચો અર્થ સમજવામાં ક્યારેક આપણે ગોથું ખાઈ જઈએ છીએ. પોતાના આંગણાને સ્વચ્છ રાખવા પોતાનો કચરો ગામનાં આંગણે ફેંકવો એ સ્વચ્છતાના સંસ્કાર નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આવી વ્યક્તિને નથી સ્વચ્છતાની સભાનતા કે નથી ભાવના. જે મસ્તિષ્કમાં સ્વચ્છ વિચારો છે તેનાં આચાર પણ સ્વચ્છ જ હોવાના. માનસિક સ્વછતા-સ્વસ્થતા માટે…આદર્શ અને મૂલ્યવાન વિચારોના પ્રત્યારોપણ માટેનું યોગ્ય માધ્યમ સત્સંગ અને વાંચન છે. સ્વાર્થ અને સંસ્કાર અતિ પારદર્શક હોય છે. તે બંને આચરણ પામે કે તરત જ તેનો સ્પષ્ટ અનુવાદ કરી શકાતો હોય છે. પોતાના બાળકને ચાહવું એ સ્વાભાવિક છે પણ દુનિયાનું દરેક બાળક વ્હાલું લાગવું એ સંસ્કાર છે. પોતાના મા-બાપને પ્રેમ કરવો, માન આપવું એ સ્વાભાવિક છે પરંતુ દુનિયાનાં દરેક વડીલને [તેઓ પણ બીજાના મા-બાપ જ હોય છે..ખરું ને ..!] પોતાના ગણવા, ચાહવા, હૂંફ આપવી, સન્માન જાળવવું એ સંસ્કાર છે. જેના દર્શન આજકાલ જવલ્લે જ થાય છે…..!!

જેનાં પ્રત્યે લાગણી તે વ્હાલું ને જેનાં પ્રત્યે લાગણી નહી તે દવલા ?? બધા પ્રત્યે લાગણી ભલે ન હોય તો પણ કુણી માનવતા તો બની જ રહેવી જોઈએ… જો આપણે માનવી તરીકે જીવી રહ્યાં હોઈએ તો ! સમષ્ટિને ચાહવાથી જ ધ્રુણા અને ધિક્કાર ખાખ થવા પામે. તો આપણે આપણા હૃદયની સુંદરતા સાથે પાંગરીએ અને સમષ્ટિને ચાહીને દુનિયાને સુંદર બનાવવાની શરૂઆત પોતાનાથી કરીએ. શુભ નિષ્ઠા ફળ્યા વગર રહે ખરી ?

—————- અણધાર્યો એક સવાલ —————-

સારા હોવું અને સારા બનવું એ જ પાંગરવાની પ્રાથમિક અનિવાર્યતા હોતી હશે ને …? કે એનાં વિના પણ …!!!

સુનીતા ઈજ્જતકુમાર

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

,

જુલાઈ , 2024

બુધવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects