[1] માથું નીચું કેમ ?
એક ગામમાં કોઈ ગૃહસ્થે દાન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. ચોવીસે કલાક આ માણસની દાનશાળાનાં બારણાં ખુલ્લાં રહેતાં હતાં. ત્યાં નાતજાતનો, ધર્મસંપ્રદાયનો કે ઊંચનીચનો ભેદ હતો નહીં. ગૃહસ્થ જાતે પોતાને હાથે લોકોને દાન આપવા તત્પર રહે. કોઈ પણ માણસ દાન વિના પાછો ન ફરે એ વાતની તેઓ ખાસ કાળજી રાખતા. લોકોએ તેની આ દાનવૃત્તિનાં ખૂબ વખાણ કરવા માંડ્યાં.
એક વાર એક સ્નેહીજને ગૃહસ્થને પૂછ્યું, ‘હું જોઉં છું કે, આપ લોકોને જે વેળા દાન આપો છો એ સમયે આપનું માથું હંમેશાં નીચું જ રહે છે. એમ માથું નીચું રાખવાનું શું કારણ છે ?’ ગૃહસ્થે કહ્યું : ‘આ દાન તો ઈશ્વર જ કરે છે. હું તો માત્ર નિમિત્ત જ છું. પણ લોકો મને નિમિત્ત માનવાને બદલે મને જ સાચો દાનેશ્વરી માને છે. આથી મને ખૂબ શરમ આવે છે ને એ શરમને લીધે હું લોકોની સામે જોઈ શકતો નથી અને માથું નીચું રાખી તેમને આપવાનું હોય તે આપ્યા કરું છું.’
.
[2] સાચી સિદ્ધિ
શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્યનું નામ સ્વામી વિવેકાનંદ. એક વાર શ્રી રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘તને કદાચ ખબર નહીં હોય કે, મારી પાસે આઠ ચમત્કારિક સિદ્ધિઓ છે. એ સિદ્ધિઓનો ઉપયોગ મેં આજ દિન સુધી કર્યો નથી. એનો ઉપયોગ હું ભવિષ્યમાં પણ કરવા ઈચ્છતો નથી. મારો વિચાર છે કે હું તને એ આઠેય સિદ્ધિઓ શીખવું.’
‘એથી શો લાભ ?’
‘લોકોને ઉપદેશ આપવામાં એ સિદ્ધિઓ તને ઉપકારક નીવડશે. તારા અંગત કામોમાં પણ એ સિદ્ધિઓ તને અવારનવાર મદદકર્તા બનશે !’
વિવેકાનંદે પ્રશ્ન કર્યો : ‘એ સિદ્ધિઓ ઈશ્વરની ઝાંખી કરવામાં મને મદદકર્તા બની શકે ખરી ?’
શ્રી રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો, ‘ના, ઈશ્વરની ઝાંખી કરવામાં એ ઉપયોગી થઈ શકે નહીં !’
સ્વામી વિવેકાનંદે કહ્યું : ‘તો એવી સિદ્ધિઓને મારે શું કરવી છે ? ઈશ્વરદર્શન માટે ઉપયોગી બને એ વસ્તુ જ સાચી સિદ્ધિ ગણી શકાય. એ વિનાની અન્ય સિદ્ધિઓ તુંબડીમાંના કાંકરા જેવી છે !’ આ જવાબથી શ્રી રામકૃષ્ણ પરમહંસની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં.
[3] સ્વભાવ
એક શિષ્યે ગુરુને કહ્યું : ‘ગુરુજી, હું ક્રોધ પર કાબૂ નથી મેળવી શકતો. મને ગુસ્સો આવે ત્યારે એ મારા પર સવાર થઈ જાય છે. એનાથી છૂટકારો મેળવવા શું કરું ?’
ગુરુએ કહ્યું : ‘આ તો વિચિત્ર કહેવાય. મને ગુસ્સો કરી દેખાડ તો !’
શિષ્યે કહ્યું : ‘આમ હમણાં ગુસ્સો ન આવે.’
‘કેમ નહીં ?’
‘ગુસ્સો તો અચાનક આવી જાય. કાંઈક મને ન ગમતું બને તો જ મારી કમાન છટકે છે.’
‘તો પછી એનો અર્થ એ થયો કે ક્રોધ કરવો એ તારો ખરો સ્વભાવ નથી. જો આ તારા સ્વભાવમાં જ હોત તો તું ગમે ત્યારે ગુસ્સો કરી દેખાડત. તારી અંદર જે નથી એને તું તારા પર સવાર કેમ થવા દે છે, જે તારા જીવનની શાંતિ પણ હરી લે છે.’
આ સાંભળ્યા પછી શિષ્યને જ્યારે પણ ગુસ્સો આવતો ત્યારે એને ગુરુજીના શબ્દો યાદ આવી જતા અને આમ ધીમે-ધીમે ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો. થોડા સમય પછી તો એ બિલકુલ ક્રોધરહિત શાંત થઈ ગયો.
[‘જીવનદષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
સંકલનઃ મિતેશ એ. શાહ
ગૃહસ્થ – ઘરમાં રહેનારું, ખાનદાન કે મોભાવાળો માણસ, સજ્જન, ‘જેન્ટલમૅન’
સિદ્ધિ – વિધ પ્રકારનાં પ્રયત્ન, પ્રક્રિયા વગેરેથી મેળવવામાં આવેલું પ્રાપ્તવ્ય. (૨) (લા.) ફતેહ, વિજય. (૩) સફળતા. (૪) યોગથી મળતી આઠ પ્રકારની શક્તિ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.