જે જાગે છે એ પામે છે.
આપણા વેદોમાં પણ અનેક સૂક્તિઓ કહેવતો છે કે જે આપણને સદા જાગ્રત–પ્રયત્નશીલ અને કાર્યરત રાખવા પ્રેરે છે. આવી કેટલીક કહેવતોમાંથી, બે કહેવતો અહીં હાલ લઈએ. એ છે–જે જાગે છે એ પામે છે અને બીજી છે – ‘ચાલતો રહે ચાલતો રહે.’
જે જાગ્રત હોય છે તે જ સફળ જીવનનો સ્વામી બની શકે છે. યશ–આયુષ્ય અને સિદ્ધિ સદા સાવધ રહેનાર જ પામે છે ઋગ્વેદે એ વાતના પાયા તરીકે કહ્યું છે–જે જાગે છે એ પામે છે. વહેલા ઊઠો અને જે મળે છે એ લઈ લ્યો.
ઉષ:કાળની દેવી જ્યારે પ્રભાતની પહેલી જ્યોતિની સાથે કિરણોના રથ પુર સવાર બનીને નીકળે છે ત્યારે તેની સાથે ચાર વસ્તુઓ હોય છે. આ વસ્તુઓને વહેંચતી તે આગળ વધે છે.
પણ આ વસ્તુઓ તે કંઈ દરેકને આપતી નથી. જેઓ જાગતાં હોય છે, જેઓ જાગેલાં છે તેમને જ આપે છે. સૂતેલાંઓને તે શું આપે?
જે ચાર વસ્તુઓને લઈને ઉષાદેવી પ્રભાતના નીકળે છે અને જેને એ વહેંચવા માંડે છે એ વસ્તુઓ કઈ છે તે જાણો છો? એ છે બુદ્ધિ, બળ, ધન અને યશ.
જે જાગે છે એજ આ પામે છે.
ઋગ્વેદે આ કહેવત–વાર્તાની પાછળ પ્રાત:કાળે ઊઠવાનો આદેશ આપ્યો છે.
ચાલતો રહે–ચાલતો રહે.
ઐતરેય બ્રાહ્મણ ઋગવેદે એક સુંદર સૂક્તિ દ્વારા ઉપદેશ આપ્યો છે ચાલતો રહે–ચાલતો રહે–ચરૈવેતિ–ચરૈવેતિ.
એમાં ચાલવાનો આદેશ એક પ્રતીક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય ! તું સદા ઉદ્યમશીલ જ રહે, હારે–થાકે ત્યાં પુન: પ્રયત્ન કર, આળસુ ન બન. બેસી ન રહે, ભાગ્યને આધીન ન રહેતાં સદા પ્રવૃત્તિશીલ જ રહે.
ઐતરેય બ્રાહ્મણની આ સૂક્તિઓને આપણા લોકપ્રિય કવિ સ્વ. રામનારાયણ પાઠકે સુંદર શબ્દોમાં કથી છે :-
(૧)
ચાલતો રહે,
બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું,
સૂતેલાંનું રહે સૂતુ, ચાલે ભાગ્ય ચલન્તનું.
(માટે તું) ચાલતો રહે.
(૨)
ચાલતો મધુને પામે, ચાલતો મીઠું ઊંબરૂં,
સૂર્યના શ્રમને પેખ, ચાલતાં જે ન આળસે.
(માટે તું) ચાલતો રહે.
(૩)
કલિયુગ થાય છે સૂત, દ્વાપર બેસવા થકી,
બને ત્રેતા થતાં ઊભો ચાલતો કૃત થાય છે.
(માટે તું ) ચાલતો રહે.
ઋગવેદની બીજી એક સૂક્તિ છે. ‘ઉચ્છયસ્વ મહતે સૌભગાય‘-મહાન સૌભાગ્યની પ્રાપ્તિને માટે ઉન્નતિશીલ બનો.
ભાગ્ય છે પણ તે દુર્લભ છે.
અસલના જમાનાની આ વાત છે. એક રાજાએ પ્રશ્ન કર્યો, ‘પ્રધાનજી નસીબ–ભાગ્ય–તકદીર–ધર્મ જેવી કોઈ વાત છે ખરી?’
પ્રધાન ચતુર હતા. મુખથી પ્રગટ ઉત્તર ન આપતાં એ મૌન જ રહ્યો. તેણે રાજાજીના કાનમાં કંઈક કહ્યું અને પછી બન્ને છુટા પડ્યા.
એજ રાત્રિએ મહેલના એક બંધ ઓરડામાં બે ભૂખ્યા માનવીઓને પૂરી દેવામાં આવ્યા. ઓરડામાં અંધકાર હતો. આ બે કંગાલોમાં એક ભાગ્ય પર આધાર રાખનારો હતો જ્યારે બીજો કાર્ય કરનારો હતો. ભાગ્યવાદી તો એક ખુણામાં પોતાનું વસ્ત્ર મૂકી તેના પર સૂઈ ગયો. જ્યારે બીજો અંધારામાં ફાંફાં મારવા લાગ્યો. એ પોતાનાં ફાંફાંમાં સફળ પણ થયો. એને એક થેલી મળી આવી. એમાં ચણા હતા. એ એના પર તૂટી પડ્યો. પણ ક્યારેક ક્યારેક તેના દાંત નીચે કાંકરા આવી જતા. એ કાંકરાને તે ભાગ્યવાદીની તરફ ફેંકી દેતો અને કહેતો – ‘લે આ…..’
પ્રાત:કાળ થતાં જ એ બન્ને કંગાળોને ઓરડામાંથી કાઢી રાજા આગળ લાવવામાં આવ્યા. રાજાએ પૂછ્યું – ‘તમારી મુઠ્ઠી ઉઘાડો. એમાં શું છે તે મારે જોવું છે.’
ભાગ્યવાદીએ મુઠ્ઠી ઉઘાડી. એમાં મણિઓ હતા જ્યારે બીજાની મુઠ્ઠીમાં ચણાઓનાં ફોતરાં હતાં.
પ્રધાનજીનું મુખ ચમકી ગયું.
રાજાને પ્રશ્નનો જવાબ મળી ગયો. તેમણે કહ્યું, ‘માની શકું છું કે ભાગ્ય છે તો ખરૂં. પરન્તુ એ ચણાઓમાં છૂપાએલા મણિઓની જેમ દુર્લભ છે, એટલે માત્ર ભાગ્યને આધારે જ બેસી રહેવામાં બુદ્ધિમત્તા નથી.’
આ નાનકડી દૃષ્ટાંત વાર્તા ઘણું–ઘણું કહી જાય છે. નસીબ–પ્રારબ્ધ છે જ પણ એ દુર્લભ છે. એ ભાગ્યને પામવાને માટે પ્રયત્ન તો કરવો જ રહ્યો. પ્રયત્ન વગર ભાગ્ય ફળતું નથી.
કહેવત છે એક નર ને સો હુન્નર. જાત વેચી છે. નસીબ કોઈનાં વેચી ખાધાં છે?
ધણી ચાકરી ખુંચવી લેશે, કાંઈ નસીબ ખૂંચવી લેવાનો નથી. ભાગ્ય તો પ્રયત્નશીલની સાથે જ રહેવાનું છે અને એટલે જ ઉદ્યમી–સ્વમાની માનવી પ્રસંગ પડતાં કહેશે – ‘આ લે તારી ચાકરી ને લે તારી લાકડી, ભાગ્ય તું લઈ શકીશ? કાર્ય કરનારાઓને માટે એક દ્વાર બંધ તો હજાર દ્વારા ખુલ્લાં‘ આ બધી કહેવતો પુરૂષાર્થ દ્વારા છૂપાયલા ભાગ્યને જાહેર કરી દેવા માટે જ કહેવાયલી છે.
એની સાથે આ કહેતીઓ પણ છે જ. હુન્નર કરો પણ ભાગ્યમાં હશે તો જ તમે એ પામી શકશો –
કોડી મીલે ન ભાગ બીન,
હુન્નર કરો હજાર
કયું નર પાવે સાહેબી,
બિના લીખા કિર્તાર.
દરિદ્રી ચલ દરિયાવમેં,
કર્મ લે ચલે સાથ:
મરનેકું ડુબ મરે,
તો શંખ લગ ગયા હાથ.
દરિયામાં પાણી છીછરું આવ્યું એટલે મરવાને ડૂબકી મારી છતાં મરી જવાયું નહીં–પણ શંખ હાથમાં આવ્યો.
પુરુષાર્થ–દૈવત પામેલા માનવીને માટે લોકસાહિત્યે કહ્યું છે –
લાખમેં એક લખશેરી,
સોમેં એક સુજાન,
સબ નર બાંધે પાઘડી,
સબ નરકું નહીં માન.
Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-15)
ઋગ્વેદ – ચાર વેદોમાંનો પહેલોપ્રાચીનતમ વેદ.
ઐતરેય – ઇતર કે ઇતરા નામના ઋષિને લગતું, ઇતર નામના ઋષિએ જેનો આવિષ્કાર કર્યો છે તેવું
ભાગ્યવાદી – ભાગ્યવાદમાં માનનારું
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.