Gujaratilexicon

કણેકણમાં ધબકતું પાત્ર……”માતા “

February 04 2020
Gujaratilexicon

      આંગળી ઝાલું ત્યાં આખો રસ્તો મળે, ને ……

        જરા છોડાવું હાથ ત્યાં અનાથ

      હરીન્દ્ર દવે

સ્થૂળ હાજરીએ હોય કે સૂક્ષ્મ હાજરીએ પણ ‘મા‘ આપણને સૌને કેટકેટલું શીખવતી રહેતી હોય છે…હેં ને ?મા એ આપણામાં જેટલું વાવ્યું છે એ જ આપણી માટે જીવન જીવવાની જડીબુટ્ટી,ખરું ને ! મા એ રોપેલા દરેક ગુણ,સારપ ,સ્નેહ, સમજણને આપણે જો આપણામાં અખંડ સૌભાગ્યવતી બનાવીને રાખવા પામીએ તો એ દરેક તત્ત્વની હાજરીમાં આપણી ‘ મા’ ધબકતી અનુભવાશે. માએ વાવેલા સંસ્કારોનાં સાતત્યમાં જો  ત્રુટી આવે તો માનવું કે હવે માનો ધબકારો હયાત નથી રહ્યો. આપણી મા તો જીવતાં જીવેય આપણી માટે મરતી રે’તી હોય છે. મર્યા પછીય તે સૂક્ષ્મરૂપે નિરંતર જીવી રહી હોય છે. મા વિષે તો આવું કહી શકાય છે પણ શું આપણા વિષે કશું કહેવા આપણે સક્ષમ છીએ ? આપણે એક સવાલ જાતને કરી તો જોઈએ……….” હેં …! માના જીવતાં જીવે આપણે એને કેટલીક જીવાડતાં હોઈએ છીએ ? “ સ્વને માત્ર સાચવવાને બદલે થોડોક  સિંચાય પણ ખરો કાં !

આ પણ જુઓ : બાળ ઉછેર : સંસ્કારોનું સ્તનપાન

મોઢે બોલું મા, ત્યાં સાથે નાનપણ સાંભરે ,

પછી મોટપની મજા , મને કડવી લાગે કાગડા ! 

દુલા ભાયા કાગ

        દરેકનાં જીવનમાં ‘મા’આ એક જ પાત્ર એવું છે જેને હૈયે હોય તેટલા સઘળાં વિશેષણો લગાડી શકાય છે. ત્યાગ, શક્તિ, મમતા, કરુણા, સહજતા, સરળતા, સંવેદના, ધૈર્ય, બલિદાન આવાં જેટલાં વિશેષણો મારા અને આપના હૈયે છે તે બધું માની અંદર હોય છે પોતાના બાળક માટે. ટૂંકમાં આ તત્ત્વો એટલે જ ‘મા’. મા તો આને જીવીને બતાવે છે જો આપણે એનાં જીવ્યે જતાં જીવનને જોઈને થોડું શીખવા પામીએ તો ! મા આ વારસો દરેકને દેતી જાય છે પણ આપણે તો સ્થૂળને પામવામાં જ રચ્યા-પચ્યા રે’તા હોઈએ છીએ. પામવા જેવો સાચો વારસો તો મા-બાપની જીવનશૈલીનાં વૈભવનો હોય છે. મા સતત ખટકો રાખીને મૂલ્યોનું વાવેતર આપણામાં એક શ્રેષ્ઠ માળી બની કરે છે. માની ગેરહાજરીએ આ વવાયેલા મૂલ્યો ધબકતા રે’તા હોય તો સમજવું કે મા ધબકે છે. આપણે જીવનની હર ક્ષણે માએ રોપેલા બીજ કુંપળ બની અંકુરિત થતા રહે છે કે નહી તેની ખરાઈ કરતી રહેવી જોઈએ.

પિતા પાસેથી જ્ઞાનનો વારસો અને માતા પાસેથી સંવેદનાનો વારસો પામનાર બાળક જીવનની વિઘ્નદોડમાં કદી હારતો નથી. આ હું જાત અનુભવે કહું છું. આ વારસો એમની ગેરહાજરીએ બાળકો માટે ‘ઉનાળે હેમાળો’ બની રહે. મારા મહુવાની  શેરીઓમાં ઉનાળામાં ‘મીઠો કુંભાર’ બરફવાળું વરિયાળીનું શરબત વેચતો અને બૂમ પાડતો…… ઉનાળે હેમાળો….સ્મરણ એ મિલનનું સ્વરૂપ હોય એવું નથી લાગતું ? પહેલા મા આપણને ચાલતા, રમતા, ખાતાં શીખવે પછી ધીરે ધીરે ખમતાં-ખમાવતા, કદર કરતા, વીણી-વીણીને સારપને વખાણતાં ને એ રીતે સારપને વધારતા શીખવે છે, નાના એવાં સુખને આગિયા કાચથી જોઈને એને મોટું ધારતા શીખવે, દુઃખને અવગણતા ને અતિક્રમી જતા શીખવે છે.

આપણે આ બધું જો શીખ્યા હોઈએ તો હવે એ જોવાનું રહે છે કે આપણે આપણી ચાલને સ્વસ્થ રાખીએ છીએ ? જીવનનાં ખેલમાં ખેલદિલી દાખવવાનું ચુકતા તો નથી ને ? કુટુંબ કે સમાજમાં આપણે રમત તો નથી રમી નાંખતા ને ? જયારે ટાંટીયા ખેંચની તક સમક્ષ થાય ત્યારે તેને ચૂકવી તો દઈએ છીએ ને ? કે પછી સ્વભાવવશ તક ઝડપી લઈએ છીએ ? વહેંચીને ખાવાની માએ પાડેલી ટેવનો  કોળીયો નથી ભરી લેતાં ને ? ‘ એક માટે બધા ને બધા માટે એક ‘માએ શિખવેલ આ ભાવનાને ભાવિને માની ખાલી પડેલી જગાએ ‘મા’ બની ઘરનો છાંયડો તો બન્યાં છીએ ને ?…….. ક્યારેક ભાઈની મા બની તો ક્યારેક પતિની મા બની કે ક્યારેક વૃધ્ત્વને આંબેલા વડીલોની મા બની.

               ———–અણધાર્યો એક સવાલ ————-

બધા માણસને જો “મા” બનતા આવડી જાય તો દુનિયામાં કોઈ અનાથ રહે ખરું ?

  • સુનીતા ઈજ્જતકુમાર

આ બ્લોગમાં આવતા ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જુઓ (Gujarati to English Meaning)

જડીબુટ્ટી – medicinal herb or drug; root producing magic effect

સાતત્ય – continuity

વરિયાળી – anise or fennel seed, foeniculum vulgara

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects