એક શહેરમાં બે દોસ્ત રહેતા હતા. તે બંને એકબીજાનો સાથ છોડતા ન હતા. ભેગા જ રહેતા. સાથે સાથે જમતા, સૂતા-જાગતા, ઉઠતા-બેસતા. ક્યારેક મુસાફરીમાં જતા તો સાથે જ જતા. એમનામાં ફર્ક હતો તો એ વાતનો હતો કે એક દુબળો-પાતળો હતો, કમજોર હતો. ઘણું ઓછું ખાતો. એક દિવસ ખાતો તો બે દિવસના ઉપવાસ કરતો. બીજો મિત્ર દિવસમાં ચારવાર ખાતો. તો જ એને ચેન પડતું. જાડો ભારેખમ હતો. તાકાતવાન હતો. એને પોતાની તાકાતનો ઘમંડ હતો.
એકવાર બંને દોસ્તો બીજા પ્રદેશમાં ગયા. જેવા શહેરમાં દાખલ થયા એવા એમને જાસૂસીના અપરાધમાં પકડી ગિરફ્તાર કરવામાં આવ્યા. બંનેને જેલ કોટડીમાં બંધ કરવામાં આવ્યા. જેલ કોટડીમાં હવા-ઉજાસ જવા માટે કોઈ જગ્યા નહોતી. બારી-બાકોરાં નહોતા. ભૂલથી તેમને તેમના શહેરના ખતરનાક જાસૂસ માની લેવામાં આવ્યા હતા.
જ્યારે આ બંને મિત્રોની પૂછપરછ તપાસ કરવામાં આવી તો માલૂમ પડ્યું કે આ જાસૂસ ન હતા. ભળતાને જ પકડવામાં આવ્યા હતા. ચાર દિવસે કોટડીનું બારણું ખોલી નાખવામાં આવ્યું. જોયું તો જાડા તાકાતવાન મિત્રે શ્વાસ છોડી દીધા હતા. એની લાશ પડી હતી. દુબળો પાતળો મિત્ર જીવતો જાગતો બેઠો હતો. સૌને આશ્ચર્ય થયું. જોનારામાંથી કોઈ એક હોશિયાર વ્યક્તિ બોલ્યો, ‘એમાં નવાઈ પામવા જેવું શું છે?’
નવાઈ પામવાનું ત્યારે થાય કે જાડો માણસ જીવતો રહ્યો હોત અને દુબળો-પાતળો મૃત્યુ પામ્યો હોત.
મોટો જાડો તાકાતવાન મનાતો દોસ્ત એટલા માટે મરી ગયો કે તે બહુ ખાવાનું ખાતો હતો. એનાથી ભૂખ સહન ના થઈ. ભૂખ સહન કરવાની એની તાકાત ન હતી. એટલે મરી ગયો. બીજો મિત્ર દુબળો પાતળો હતો. ઉપવાસી હતો. ભૂખ સહન કરવાની તાકાત હતી. એટલે પોતાના મનોબળ અને સહન શક્તિથી જીવતો રહ્યો. ભૂખ્યો રહેવાની આદત અને ધીરજના સહારે બચી ગયો.
કોઈએ સાચું જ કહ્યું છે કે કોઈને ઓછું ખાવાની આદત પડી જાય છે ત્યારે તેને જો કોઈ દિવસ ખાવાનું ન મળે તો તે તકલીફ સહન કરી શકે છે. પરંતુ, જેને વધારે ખાવાની આદત પડી જાય છે તે એક દિવસ પણ ભૂખે રહી શકતો નથી. ભૂખનો માર્યો મરી જાય છે.
જેનું મનોબળ ઊંચું હોય, ભૂખ-તરસ સહન કરવાની શક્તિ હોય તે ગમે તે પરિસ્થિતિમાં જીવીત રહે છે. માણસનું મનોબળ કેવું છે એ ત્યારે જ ખબર પડે છે જ્યારે એના સંજોગો બદલાય છે. સારા સંજોગોમાં સારા રહેવું બહુ જ આસાન છે, ખરાબ સંજોગોમાં પણ સારા રહેવું, સમર્થ રહેવું અને સજ્જ રહેવું એ મનોબળ છે. અને આ ઉપરથી કહેવાય છે કે “દરેક વ્યક્તિમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે”
source-ગુર્જરનગરી.કોમ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.