વર્ષોથી આપણાં વડીલો કહે છે કે પૈસો (Money) એ તો હાથનો મેલ છે. લક્ષ્મી હંમેશા એક હાથમાંથી બીજા હાથમાં વહેતી રહે છે એટલે કે તે નદીની જેમ વહ્યા જ કરે છે. હવે તો સમગ્ર વિશ્વ પણ આ હકીકત સ્વીકારે છે. આપણા ગ્રંથોએ લક્ષ્મીને પૂજ્ય સ્થાન આપ્યું છે અને તેને સંગ્રહિત અથવા સાચવણી કરવા માટેના અનેક વિવરણો પણ આપ્યા છે. દિવાળીમાં ખાસ લક્ષ્મીપૂજન ધનતેરસના દિવસે કરવામાં આવે છે.
આપણે આપણી મૂડી (wealth and prosperity) ને સમજી વિચારીને યોગ્ય દિશામાં વાપરવી જોઈએ. સ્વઉપયોગની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક કાર્યો માટે પણ યથાશક્તિ યોગદાન આપણે આપવું જોઈએ. આપણા પુરાણોમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આજકાલ પશ્ચિમી અનુકરણની આંધળી દોડમાં યુવાનોના ખર્ચા ખૂબ વધી ગયા છે. ટીવીમાં જે કોઈ નવી જાહેરાત જોઈ તે વસ્તુ લેવી જ એવી તેમની વિચારસરણી થઈ ગઈ છે. જાહેરાતની અસર હેઠળ નવા બુટ કે ચપ્પ્લ, કપડાં, હોટલ કે રેસ્ટોરાંમાં જમવાનું, કેક, આઇસ્ક્રીમ, પિત્ઝા, બર્ગર વગેરે જેવી જંકફૂડ ખાવાની ટેવ વધી રહી છે.
આ બધા મોજશોખ કરવા માટે ખિસ્સુંં પણ ભરેલું હોવું જરૂરી બની ગયું છે કેમ કે ખાલી ખિસ્સે આ શક્ય નથી. આથી યુવાનો ગમે ત્યાંથી ગમે તેમ કરીને પોતાનું ખિસ્સુંં ભરવા પ્રયત્નશીલ રહે છે. છૂટા હાથે વપરાતો, ઉડાઉ હાથે ખર્ચાતો પૈસો (money) અનેક અનર્થ નોતરે છે. આર્થિક પાયમાલીથી લઈને સમસ્ત સમાજની પાયમાલી. ઇતિહાસ એનો સાક્ષી છે. રોજબરોજ આપણી નજર સામે બનતા અને છાપામાં ઠલવાતા અનેક સમાચારો એના પુરાવાઓ છે.
હંમેશા આપણી આવક હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ. જેટલી ચાદર હોય તેટલા જ પગ ખેંચવા જોઈએ. જો વગર વિચાર્યે આપણે પૈસા વાપર્યા જ કરીએ તો કુબેરનો ધનભંડાર પણ ખૂટી જાય. એટલે કે ધન વિવેક બુદ્ધિથી વાપરવું જોઈએ. કોઈની દેખાદેખી કરીને કે પરાણે ખેંચાઈને કોઈ ખર્ચ કરવો જોઈએ નહીં.
આ વાતને સમજવા ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું ઉદાહરણ સમજવા જેવું છે. સંગ્રામસિંહજી રાજાને ત્યાં સન ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ભગવતસિંહજીનો જન્મ થયેલો. તેમણે ભારતના રજવાડાંઓને એક ઉત્તમ રાજાવીનું ઉહાદરણ પૂરું પાડ્યું હતું. એમની વહીવટ દક્ષતા, કરકસર એટલે અદભુત અર્થશાસ્ત્ર ! ખૂબ વ્યવહારુ અને કોઈને પરેશાનીરૂપ ન બને એવી કરકસર !
વિશ્વયુદ્ધ વખતે દેશનું મોટા ભાગનું લોખંડ યુદ્ધ સરંજામ માટે કારખાનાંઓમાં લઈ જવામાં આવતું હતું ત્યારે લોખંડની એટલી બધી તંગી ઊભી થઈ કે ઓફિસોમાં વપરાતી ટાંચણીઓની પણ સખત ખેંચ ઊભી થઈ. ટાંચણીઓના ભાવ પણ ખૂબ વધ્યા. ખૂબ મોંઘા ભાવે મળતી ટાંચણી પણ તદ્દન હલકી કક્ષાની અને થોડા જ સમયમાં કટાઈ જાય તેવી ! સૌ લાચાર બનીને ચલાવી રહ્યા હતા.
એવા સમયમાં ભગવતસિંહજી રાજ્યની કચેરીમાં અણધાર્યા આવી ચડ્યા. તેમની સૂક્ષ્મ નજરે નોંધાઈ ગયું કે કાગળ પર લગાડેલી ટાંચણીઓ કાગળ સાથે કચરા ટોપલીમાં જાય છે. મોંઘી ટાંચણીઓ આમ જાય, રાજ્યને કેમ પોસાય ?
ભગવતસિંહ બાપુએ બીજે જ દિવસે દીવાનને ફરમાન કર્યું : ‘આપણા રાજ્યમાં જેે લોકો શૂળ વેચે છે તેના મુખીને હાજર કરો.
મુખી હાજર થયા ત્યારે બાપુએ કહ્યું, ‘તમે રોજ દાતણ કાપીને વેચો છો તેની શૂળો સાફ કરીને ફેંકી દો છો?’
‘હા બાપજી.’
‘હવેથી એ બધી શૂળો ભેગી કરવાની. તેમાંથી સારી મજબૂત શૂળો-કાગળમાં ભરાવવાના કામમાં લાગે તેવી શૂળો જુદી તારવી રોજ તેનાં બંડલ કરવા ને સાંજે અહીં પહોંચાડી જવાં. સમજાય છે ?’
‘હોવે બાપુ ! આપનો હુકમ શિર સાટે. આપનો હુકમ છે ને રોજે રોજની કોથળા ભરીને શૂળું દઈ જાશું.’
‘કાલથી જ દેવા માંડો… અને તમે અટાણે બજારમાં શાક મારકેટ પાસે દાતણ વેચવા બેસો છો, તેનું રાજને કાંઈ ભાડું ચૂકવો છો કે નહીં ?’
‘હોવે બાપુ ! દેવું તો પડે જ ને !’
‘ઈ ભાડું હવેથી માફ ! પણ જો બાવળની શૂળો પહોંચાડવામાં ચૂકશો તો તે દિ’થી ભાડું ચાલુ થઈ જશે…’ અને બીજા જ દિવસથી બાપુનું ફરમાન દરેક કચેરીએ લાગી ગયું : ‘હવેથી સૌએ ટાંચણી-પીનને બદલે શૂળોનો જ ઉપયોગ કરવો. પીન કરતાં વધુ સારું કામ આપે છે અને ઉપયોગ કરી લીધા પછી ફેંકી દેવામાં આવે તો પણ રાજને કશું નુકસાન થતું નથી.’
બે વર્ષ પછી ગોંડલ નરેશે દીવાન પાસે આંકડો કઢાવ્યો. દીવાને કહ્યું : ‘હજૂર ! આનાથી રાજ્યની તિજોરીને પૂરા એક લાખ ને બાવીસ હજાર રૂપિયાનો બચાવ થયો !’
આ પણ જુઓ : પૈસા ઉપરથી બનેલી કેટલીક કહેવતો
ગોંડલ નરેશની કરકસરના એવાં અનેક ઉદાહરણો છે ! સમસ્ત રાજમાં તેમજ લોકોના ઘરમાં કોઈપણ કામની વસ્તુને નકામી બનાવીને ફેંકી દેવામાં ન આવે તે માટે બાપુ ખાસ તકેદારી રખાવતા. બાટલીઓ, કાચનો સામાન, ધાતુઓનો ભંગાર, કોથળા, ચીંથરાં આ તમામ વસ્તુઓમાંથી પૈસા ઉપજાવવામાં આવતા અને તિજોરીમાં જમા કરાવાતા.
ગોંડલમાં સરકારી ખર્ચે ચાલતું રાજનું બેનમૂન ગેસ્ટહાઉસ હતું. પણ મહારાજનો સખ્ત આદેશ હતો કે ગમે તેવા ઉચ્ચ દરજ્જાના મોંઘેરા મહેમાનને પણ ત્રણ દિવસથી વધારે સમય અતિથિગૃહમાં રહેવા દેવો નહિ અને જો રોકાય તો ચોથા દિવસથી ખર્ચનું બિલ આપવા માંડવું.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમના કાઠિયાવાડના પ્રવાસ દરમિયાન અન્ય તમામ રજવાડાંઓની જેમ જ ગોંડલના પણ અતિથિ બન્યા હતા. રવીન્દ્રનાથના દરજ્જાને છાજે તેવી સુન્દર રીતે સર ભગવતસિંહજીએ ત્રણ દિવસ તેમની પરોણાગત કરી. પણ કવિ તેમની શાંતિનિકેતન નામની સંસ્થા માટે ફંડ કરવા નીકળ્યા હોઈ, ત્રણ દિવસમાં તેનું કાર્ય સમાપ્ત થાય તેમ ન હતું તેથી બે દિવસ વધુ રોકાઈ જવું પડ્યું. પાંચમે દિવસે જ્યારે તેઓ ટ્રેનમાં બેઠા ત્યારે અતિથિગૃહના મેનેજરે હળવેક રહીને તેમના હાથમાં વધારાના બે દિવસનું બિલ મૂકી દીધું અને વાંચીને કશુંય બોલ્યા વગર ટાગોરે ચુપચાપ રોકડાં નાણાં ચૂકવી દીધાં.
સર ભગવતસિંહજીને કંજૂસ ન હતા. તેમણે સાચી જરૂરિયાતવાળાઓને જરાય સંકોચ વગર છૂટે હાથે નાણાં આપ્યાં હતાં. સ્વયં રવીન્દ્રનાથ ટાગોરને પણ તેમણે આપેલો ફાળો કાઠિયાવાડમાં ભાવનગર પછી બીજે નંબરે હતો. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને ટાગોર સાથે અંગત સંબંધ હોવાથી જ ભાવનગરના મહારાજાએ વધારે નાણાં આપ્યાં હતાં. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સત્યાગ્રહની લડત ચલાવતા ત્યારે સર ભગવતસિંહજીએ તેમની લડતમાં સહાયરૂપ થવા ખાનગી રીતે નાણાં મોકલ્યાં હતાં.
આવી અદ્ભુત કરકસર વડે રાજની તિજોરીને જે લાભ થતો અને નાણાંનો બચાવ થતો, તેનો ઉપયોગ મહારાજાએ લોક કલ્યાણનાં કાર્યો પાછળ કર્યો. રાજની આવી કરકસર દ્વારા જે નાણાં બચી શકતાં હતાં તેનો પ્રજાને એ ફાયદો હતો કે ગોંડલમાં પ્રજાના કોઈ પણ વર્ગ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન હતો. આખા હિંદમાં એક ગોંડલ જ એવું સ્ટેટ હતું જે સંપૂર્ણ ‘ટેક્સફ્રી’ ગણાતું હતું. ખુદ વાઈસરોય અને અંગ્રેજ સરકારને પણ નવાઈ લાગતી હતી : ‘નામનાય કરવેરા વગર આ રાજ્ય પોતાનો વહીવટ કેવી રીતે ચલાવી શકતું હશે ?’
ઉપરના ઉદાહરણો પરથી દરેક યુવાન તથા પરિવારે બિનજરૂરી ખર્ચા ટાળાવાનો કે કરકસર કરવાનો પ્રયત્ન કરવા જેવો છે.
BLog idea : https://www.baps.org/GujaratiEssay/2011/Paiso-Udaupanu-anae-karkasar-2510.aspx
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.