Gujaratilexicon

શ્રી બાલકૃષ્ણ દોશીને શબ્દાંજલિ

January 24 2023
Gujaratilexiconpqdc0a909aafcd2b92a165efb9bcf79ddd42e5b906pq pq87fc1335e9098e92156c6333f911e7954b985b15pq

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટ વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વકોશ એ એમની પ્રિય અને માનીતી સંસ્થા બની રહી હતી. તેઓએ એમના સસરા અને વિખ્યાત વિવેચક, સંશોધક તથા “મેના ગુજરી’ નાટકના સર્જક શ્રી રસિકલાલ પરીખની સ્મૃતિમાં એમણે ઘણો મોટો આર્થિક સહયોગ આપ્યો હતો. એમને ૨૦૧૭ના વર્ષનો વિશ્વકોશના શિલ્પી ડૉ. ધીરુભાઈ ઠાકરની સ્મૃતિમાં અપાતો સવ્યસાચી સારસ્વત એવોર્ડ પણ એનાયત થયો હતો તેમજ વિશ્વકોશના કેટલાય કાર્યક્રમોમાં એમણે પ્રમુખ તરીકે મૌલિક વિચારો ધરાવતાં વક્તવ્યો આપ્યાં છે. કોરોનાકાળ પછી પણ તેઓ વિશ્વકોશની કલાવીથિકામાં યોજેલા કલાપ્રદર્શનના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. હિનાબહેન શુક્લે લીધેલી એમની વિસ્તૃત મુલાકાત “વિશ્વવિહાર’માં પ્રકાશિત થઈ હતી. એમની વિદાયથી વિશ્વકોશ
ટ્રસ્ટે એક આત્મીય સ્વજન અને માર્ગદર્શક ગુમાવ્યા છે. વિશ્વકોશ ટ્રસ્‍ટ વતી કુમારપાળ દેસાઈ

શ્રી બાલકૃષ્ણ દોશી વિશે પ્રા. નીલકંઠ છાયાનો ૨૭ જૂન, ૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ લેખ.

છ દાયકાથી પણ વધુ (૧૯૫૦ થી ૨૦૧૭) સમયગાળામાં વિસ્તરેલું બાળકૃષ્ણ દોશીનું કાર્ય તે પ્રજા અને રાજનીતિ, અર્થશાસ્ત્ર અને ટૅકૂ્નોલોજીએ સર્જેલી ઘટનાઓ અને વહેણોના ઇતિહાસનો એક ભાગ છે. શ્રી બાલકૃષ્ણ વિઠ્ઠદાસ દોશીનો જન્મ ૧૯૨૭માં પશ્ચિમ ભારતના પુણેમાં થયો. તેમનો ઉછેર એક વિશાળ અને પરંપરાને અનુસરતા કુટુંબમાં થયો. એ સમયે પુણે મૌલિક વિચાર અને જ્ઞાનનું કેન્દ્ર હતું, તેમ છતાં, એમના કુટુંબમાં થતા ઉછેર ઉપર, આ બૌદ્ધિક વાતાવરણની મર્યાદિત અસર થઈ. બાલકૃષ્ણભાઈના બાળવિશ્ચને આકાર આપ્યો પૌરાણિક વાર્તાઓએ, વિધિઓ અને પ્રસંગોએ, ઉત્કટ વાતાવરણના રસપૂર્ણ આનંદ અને દરરોજની જિંદગીની સાદાઈ સાથેના વિરોધાભાસે.

આમ, એક મહત્ત્વના પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા ભારતીય સમાજમાં એમનો ઉછેર થયો. બાળકૃષ્ણ દોશીના બાળપણ અને યુવાનીના સમયે, ભારતીય સ્વાતંત્ર્યઆંદોલન સહુની કલ્પના પર છવાઈ ગયું હતું. મહત્ત્વના વિચારકો વચ્ચે સંસ્કૃતિને ઘડનારા મૂળભૂત સિદ્ધાંતો વિશે ચર્ચા ચાલુ હતી. એક રીતે એમ કહી શકાય કે સમગ્ર જનતા આદર્શ સમાજ, આદર્શ જીવન, પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંબંધ, સમાજમાં ટૅકૂનૉલૉજીનું સ્થાન તથા તાર્કિક અને ભાવપૂર્ણ મૂલ્યોના સ્થાન જેવા વિષયોની ચર્ચામાં પરોવાઈ ગઈ હતી. એટલે કે સાંસ્કૃતિક અને સામાજિક સિદ્ધાંતોની સંપૂર્ણ ચકાસણી થતી હતી.

આઝાદી તરફ આગળ વધી રહેલાં વર્ષોમાં, આજુબાજુમાં થઈ રહેલા બૌદ્ધિક ખળભળાટથી બાલકૃષ્ણ દોશી જરૂર પ્રેરિત થયા હશે. નિઃસંદેહપણે એમ કહી શકાય કે આ પ્રેરણા એમના દષ્ટિકોણ અને સિદ્ધાંતોમાં ઘડતરરૂપ બની. સામાજિક પરિવર્તનમાં રસ, ટૅકૂનોલોજી અને તર્ક તરફનું આકર્ષણ, તળપદી છતાં સૂક્ષ્મ કલાનાં મૂલ્યોની શોધ — એમના કાર્યફલકના આગવા પાસાં બન્યાં. એની સાથોસાથ પરિવર્તન લાવનારું શિક્ષણ અને એને મદદરૂપ સંસ્થાઓની સ્થાપના પણ ચાલુ રહી. આ રીતે જોતાં બાળકૃષ્ણ દોશી આઝાદી પહેલાનાં વર્ષોમાં પ્રવર્તી રહેલા સિદ્ધાંતોના વારસદાર હતા. સમયાંતરે બાળકૃષ્ણ દોશી આર્ડિટેક્ચર, માનવનિર્મિત વાતાવરણ અને વિવિધ સંસ્થાઓમાં આ વિચારોને વ્યક્ત કરવાના હતા.

બાલકૃષ્ણ દોશીએ એમના આર્કિટેક્ચરના શિક્ષણનો જે. જે. કોલેજ, મુંબઈમાં પ્રારંભ કર્યો. ઘરેલુ માહોલમાંથી મુંબઈ જેવા પચરંગી આધુનિક શહેરમાં આવવાનો અનુભવ આઘાતજનક છતાં વિચાર વિસ્તારનારો બન્યો હશે. જે. જે. કોલેજનો અભ્યાસ છોડીને તેઓ લંડન ગયા. અંગ્રેજી ભાષાની જાણકારી હતી જ, વળી લંડનમાં ભારતીય મિત્રો પણ મળ્યા, જેથી લંડનના નવા વાતાવરણને સ્વીકારવામાં થોડી સરળતા થઈ હશે. આ નવા શહેર અને નવી સંસ્કૃતિના અનુભવે એમની ક્ષિતિજો વિસ્તારી. યોગાનુયોગ પેરિસના મહાન સ્થપતિ લકર્બુસિયરની ઓફિસમાં એમને કામ કરવાનો મોકો મળ્યો. અચાનક બદલાયેલા શહેર, ભાષા અને રીતિરિવાજોએ એમના પર ગાઢ અસર કરી. લ કર્બીઝિયરની ઓફિસમાં એમણે થોડાં વર્ષ કામ કર્યું. આ તબક્કો એમના જીવનમાં ખૂબ મહત્ત્વનો પુરવાર થવાનો હતો. આ અનુભવે સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિની રેખાકૃતિ બનાવી, જે બાલકૃષ્ણ દોશી વિક્સાવતા રહ્યા.

આ સમગ્ર અત્તુભવે એમના પારંપરિક અભિગમની સામે પ્રશ્ચાર્થ ઊભો કર્યો. આ ઓફિસમાં ભવિષ્યમાં આર્કિટેક્ચરમાં ખ્યાતિ મેળવનારા વિચારકો હતા, જેના વર્તુળના બાળકૃષ્ણ દોશી એક ભાગ બન્યા, તે જ પ્રમાણે પેરિસમાં રહેતા ભારતીય કલાકારો અને વિચારકોનો સહવાસ મળ્યો. આ બધા લોકો સાથેના આદાનપ્રદાનથી બાલકૃષ્ણ દોશીનું એક વૈશ્વિક નગરજન તરીકે રૂપાંતર થયું. બોદલેરના શબ્દોમાં એક ફ્લેનર જ જોઈ લ્યો. આ મિત્રો સાથેનો સંપર્ક એમના કાર્યફલકને સમૃદ્ધ કરતો રહ્યો. લ કર્બીઝેયરના ભારતમાં ચાલતાં કામોની સંભાળ લેવા માટે પહેલા એમને ચંડીગઢ મોકલવામાં આવ્યા, ત્યાર પછી તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદ આવવું એમના વ્યાવસાયિક અને અંગત
જીવનનો પાયો નિવડવાનું હતું. લ કર્બીઝેયરના કામની દેખરેખ રાખવાની સાથે સાથે એમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો.

અમદાવાદના શરૂઆતના દિવસોમાં તેમનો સંપર્ક કમલા પરીખ સાથે થયો. ટૂંક સમયમાં તેમના લગ્ન થયા. આ લગ્ન એમના કુટુંબે સરળતાથી સ્વીકાર્યું નહીં, જેથી તેઓ તેમના કુટુંબથી વિખૂટા પડ્યા અને વધુ આત્મનિર્ભર બન્યા. આ પછી બાલકૃષ્ણ દોશી પોતાનું જીવન અમદાવાદમાં ઘડે છે.

સુલતાન અહેમદશાહ (૧૫મી સદી) અને એના વંશજોના સમયથી અમદાવાદ પ્રાંતિક છતાં વૈશ્વિક શહેર હતું. જૈન, ઇસ્લામ અને હિંદુ ધર્મો અહીં સાથે વિકસ્યા. અહીંની ભાષા સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ઉપરાંત અરેબિક અને ફારસીના સંમિશ્રણથી સમૃદ્ધ હતી. અહીં વસેલા વેપારીઓ અને વિદ્ઘાનો કોઈ સુલતાનથી ઓછા ન હતા.

આ મુક્ટીભર વેપારીઓએ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું. જૈન ધર્મગુરુઓ અને વેપારીઓ સંસ્કૃતિ અને શહેરીજીવન સાથે વર્ષોથી સંકળાયેલા હતા. અંગ્રેજો આવ્યા. એમણે કોર્ટ-ક્ચેરીઓ સ્થાપી, આનાથી એક આધુનિક શિક્ષિત અમદાવાદી ભદ્ર વર્ગ ઊભો થયો. ૧૯મી અને ૨૦મી સદીના સામાજિક સુધારણાની સાથે સાથે ગુજરાતી સાહિત્યમાં નવાં સ્વરૂપોનો વિકાસ થયો. ગાંધીજીના આશ્રમની સ્થાપનાએ અમદાવાદના આગવા વ્યક્તિત્વને નવો ઓપ આપ્યો.

દોશીનું આર્કિટેક્ચર

દોશીના વિશાળ કાર્યફલકમાંના દરેક કાર્યની ઝાંખી અહીં આપવી શક્ય નથી. દોશીના કામને બે પ્રકારના નમૂનારૂપ વર્ગમાં વહેંચી શકાય અને તે છે સંસ્થાઓ અને ઘર.

આઝાદી પછીના પહેલા દાયકામાં બાલકૃષ્ણ દોશીએ પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો. અમદાવાદ એ સમયે આ આઝાદ દેશનું આગળ પડતું શહેર હતું. બીજા વિશ્વયુદ્ધ પછીનાં આ વર્ષોમાં વૈશ્વિક સ્તરે. ઘણાં નવા એતિહાસિક પ્રવાહોની શરૂઆત થઈ રહી હતી. મૂડીવાદી અને સામ્યવાદી સંઘ વચ્ચેનું શીતયુદ્ધ તથા દુનિયાના મોટા ભાગના સામ્રાજ્યવાદી સંસ્થાનોનો અંત, એ પ્રવાહના એક ભાગ હતા. વૈશ્વિક સ્તરે અને આર્કિટેક્ચરની દુનિયામાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો.

ઔપચારિક રીતે, બાલકૃષ્ણ દોશીની તાલીમ અને અનુભવે એમને એક મોડર્નિસ્ટ, ફંક્શનાલિસ્ટ, ટૅક્નિક તરફ ધ્યાન આપનાર તરીકે સ્થાન અપાવ્યું. આ મૉંડર્નિસ્ટ દષ્ટિબિન્દુ આધુનિક સમાજનાં વિશ્વવ્યાપક વહેણ ઉપર પણ આધારિત હતું, છતાં નવા ભારતના આર્કિટેક્ચર પાસેથી રાષ્ટ્રીય ગર્વ અને દેશની આગવી ઓળખ છતી કરવાની આશા રખાતી. આ કરવાના બે રસ્તા હોઈ શકે છે. પારંપરિક મકાન બનાવવાની રીત, લક્ષણ અથવા ભાષાને અપનાવવી અથવા આધુનિક ટૅક્નોલોજીને વાપરીને આગળ પડતાં રાષ્ટ્રો સાથેની સુસંગતતા દશિવી. શ્રી બાળકૃષ્ણ દોશીએ આમાંથી જુદો
જ માર્ગ શોધ્યો.

કામ કરતાં કરતાં એમને સાર્વજનિક અને ખાનગી અસીલો સાથેનો ભેટો થયો, જેમાં આધુનિક ભારત અને પારંપરિક ભારત જેવા બે કિનારાઓની વચ્ચે વહાણ ઢંકારવાનું હતું. મોડર્ન આર્કિટેક્ચર અથવા ભારતીય આર્કિટેક્ચરની શોધ કરવા કરતાં “આર્કિટેક્ચર એટલે શું ?” એ એમના માટે ખરો પ્રશ્ન થઈ પડ્યો.

જો આપણે બાલકૃષ્ણ દોશીએ ડિઝાઈન કરેલી વિવિધ સંસ્થાઓનો. અભ્યાસ કરીએ તો આપણને જણાશે કે એમણે સ્થાનિક આબોહવા, જીવનપદ્ધતિઓ અને અલગ અલગ મટીરિયલ સાથે કામ કરવાની કલાઓનો ખૂબ કાળજીપૂર્વક પોતાના કામમાં સમાવેશ કર્યો છે. અમદાવાદમાં આવેલી શ્રેયસ શાળા (૧૯૬૧), સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ)નું કેમ્પસ (૧૯૪૮) અને બેંગાલુરુમાં આવેલ ભારતીય પ્રબંધ સંસ્થાન (૧૯૮૩) આ અભિગમનાં આદર્શ ઉદાહરણો છે. ઇતિહાસ કે સમકાલીનતાના રૂઢિચુસ્તવાદના બોજા હેઠળ આવ્યા વિના એક નવીનતાભર્યું આર્િટેક્ચર
કરવા તરફનું ધ્યાન, આપણે જોઈ શકીએ છીએ. આર્ડિટેક્ચરની કલાના મૂળભૂત ઘટકતત્ત્વો જેમ કે તેજ અને છાયા, અંદર અને બહારની જગ્યાની સુક્ષ્મતા, સપ્રમાણતા અને લયબદ્ધતા, મટીરિયલનો રસપૂર્ણ આનંદ – આ દરેક ઉદાહરણોમાં ખૂબ આગવી રીતે છતો થાય છે.

છતાં શ્રી બાલકૃષ્ણ દોશીનું આર્કિટેક્ચર માત્ર એની કળાના મૂળભૂત તત્ત્વો ઉપરના પ્રભુત્વ ઉપર આધારિત નથી. તેઓ સાંસ્કૃતિક સંસ્થાઓની મૂળ વિભાવનાની નવી જ વ્યાખ્યા કરે છે. શિક્ષણ મેળવવાની જગ્યા અક્કડ વાતાવરણ પર ભાર મૂકતી નથી. પ્રાચીન સમયમાં જેમ વિચારાતું કે શિક્ષણની સંસ્થા એક જ્ઞાનની આપ-લે કરવાનું સ્થાન છે. એક ચૌરાહો છે, જ્યાં અનાયાસે ભેટો થાય છે અને ચચઓ થાય છે. ત્યાંથી જતા-આવતા લોકો ત્યાં કંઈક આપીને પણ જાય છે અને
ત્યાંથી કંઈક લઈ પણ જાય છે. સંસ્થાના માળખા અને મૂર્ત સ્વરૂપને એમણે નવી રીતે જોયું અને અભિવ્યક્ત કર્યું છે. આ રીતે જોતાં એમનું આર્કિટેક્ચર ખાલી “મહાન” બનીને રહેવા કરતાં, ખરેખર ક્રાંતિકારી અને સર્જનાત્મક બની રહે છે.

શ્રી બાલકૃષ્ણ દોશીના કામનો બીજો મહત્ત્વનો પ્રકાર તે ઘર અથવા રહેઠાણ છે. તેઓ ઘરના અનુભવને એક નવી અભિવ્યક્તિ આપવાનો પ્રયાસ કરે છે. ભારતમાં પારંપરિક ઘરો એકાકી માણસ કરતા સમૂહને સમાવવા માટે બનતાં હતાં. વિસ્તૃત કુટુંબ અને પોતીકા સમાજે, સાથસંગાથે રહેવાની વૃત્તિને ઉત્તેજન આપતા ઘર અને પડોશને આકાર આપ્યો હતો. સામાજિક ઘરોબો સરળ રીતે અને સતત ચાલતો રહેતો.

શહેરી જીવન વધુ આધુનિક બનવાની સાથે, સમાજ વધુ ને વધુ વ્યક્તિપ્રધાન બની રહ્યો હતો. બાલકૃષ્ણ દોશીએ આ પ્રશ્નની કાળજીપૂર્વક તપાસ કરી. કૌટુંબિક હૂંફ સાચવવાની સાથે સાથે વ્યક્તિગત જગ્યાને કેવી રીતે મહત્ત્વ આપવું ? આ ઘરમાં વ્યક્તિ એકાંતની પળો કેવી રીતે માણી શકે?

શ્રી બાલકૃષ્ણ દોશી ઘરને સુરક્ષિત અને હૂંફભર્યું બનાવવા તરફ ધ્યાન આપે છે. વ્યક્તિપ્રધાન પ્રવૃત્તિઓ અને કૌટુંબિક પ્રવૃત્તિઓ માટેની જગ્યા ચુસ્ત રીતે અલગ અલગ કરવાને બદલે, એકબીજામાં સતત વહેતી રહે છે. આકાશ અને વૃક્ષોથી આચ્છાદિત બાહ્યજગત ઘરની જગ્યાઓની અક્કડતાને ઢીલી કરે છે. તેઓ પોતાના અને પોતાની દીકરીઓના ઘરની
ડિઝાઈનમાં આ વિચારોને વિકસાવે છે, દરેક કુટુંબની આગવી રહેણીકરણી પર ભાર મૂકે છે. આ રીતે આર્કિટેક્ચર માત્ર ભૌતિક સ્વરૂપ ન રહેતા કૌટુંબિક સંસ્થાની ઊંડી સમજણ વ્યક્ત કરે છે. અહીં પણ આર્કિટેક્ચરના ઘટક્તત્ત્વોને (મટીરિયલ, પ્રકાશ, રંગ, સ્પેસની જટિલ ગોઠવણ) ખૂબ સુંદર રીતે વાપરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરનાં આ પાસાંઓનું સુંદર સંમિશ્રણ દરેક ઘરને આગવું અને રસપ્રદ બનાવે છે.

એક રીતે, આર્કિટેક્ચર લોકોની સભ્યતાઓ અને ઇચ્છાઓને છતું કરનારું હોય છે. દોશીનું કામ એક આગવા અભિગમથી જીવન જીવવાની શૈલીનાં નવાં ક્ષેત્રો ખેડે છે, આ કારણથી એમનું આર્કિટેક્ચર માત્ર ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે મહત્ત્વનું છે.

સંસ્થાઓના ઘડવૈયા –

બાલકૃષ્ણ દોશીની આગેવાની હેઠળ યુવાન વિચારકોએ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (૧૯૬૨)ની અમદાવાદમાં સ્થાપના કરી. આર્કિટેક્ચર ઉપર જરૂરી એવા વિવેચન અને વિચારણા કરવા માટેની આ જગ્યા બની. જો યુરોપમાં નવી પેઢીના આર્કિટેક્ટ્સ દ્રારા આર્કિટેક્ચરનું વિવેચન ચાલતું હતું, તો બાલકૃષ્ણ દોશીની દુનિયામાં પણ આ પ્રક્રિયા સમાંતર રીતે ચાલતી હતી.

૧૯૪૦ના દસકામાં વિશ્વમાં ખળભળાટ મચી રહ્યો હતો. એક બાજુ માનવી ચંદ્ર ઉપર પહોંચ્યો. ભૌતિક વિજ્ઞાન, ઇલેક્ટ્રોનિક્સ અને દાક્તરી ક્ષેત્રે નવી શોધો થઈ. વિચારકો આ નવી દુનિયાએ ઉત્પન્ન કરેલી આશાઓ અને ભયસ્થાનોને જોઈ શક્યા. ટૅક્નોલૉજી સમગ્ર કુદરતી વ્યવસ્થાને પણ ભયમાં મૂકી શકે છે એનો ખ્યાલ આવ્યો. આખા વિશ્વને છાવરી લેતી કુદરતી વ્યવસ્થાની સમગ્રતા સમજાઈ અને માનવસર્જિત વિભાજનોની નિરર્થક્તા સમજાઈ. માનવીના પૃથ્વી સાથેના સંબંધો અંગેના મૂળભૂત પ્રશ્નો પૂછવાનો સમય આવી ચૂક્યો હતો અને બકમિન્સ્ટર ફૂલર જેવા પ્રખર વિચારકે ‘સ્પેસશીપ અર્થ’નો વિચાર છતો કર્યો. આવા વાતાવરણમાં સ્કૂલની સ્થાપના થઈ. બાલકૃષ્ણ દોશીએ પણ આવા ગંભીર પ્રશ્નોની છણાવટ શરૂ કરી.

ત્યાર પછીનાં ૪૦ વર્ષોમાં બાલકૃષ્ણ દોશીએ આવી અનેક સંસ્થાઓ ઊભી કરવાની પહેલ કરી. આ બધી સંસ્થાઓ ચીલાચાલુ ઢાંચાઓથી દૂર રહીને શિક્ષણ અને ચર્ચાવિચારણાનાં અગ્રેસર કેન્દ્રો બની. તેઓ માને છે કે જ્ઞાન અલગ અલગ વિષયોમાં વહેંચાયેલું નથી, પણ બધા વિષયો એકબીજાના પૂરક છે. આર્કિટેક્ચરમાં પ્રાથમિક રસ જરૂર હતો, પણ બીજા વિષયોમાં પણ એ રસ દાખવતા, જેના ફળસ્વરૂપે દોશીએ સ્કૂલ ઓફ પ્લાનિંગ, સ્કૂલ ઓફ બિહ્િંડેગ સાયન્સ, સ્કૂલ ઓંફ ઇન્ટીરીયર ડિઝાઇન, કમ્યૂનિટી સાયન્સ સેન્ટર, હઠીસીંગ વિઝ્યૂઅલ આર્ટ્સ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, હરવીટઝ્‌ આર્ટ ગૅલરી અને હુસેન-દોશી ગુફા (અમદાવાદની ગુફા) જેવી સંસ્થાઓ ઊભી કરવાની પહેલ કરી, આ રીતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલૉજી (સેપ્ટ)ની રચના થઈ.

પોતાની પ્રેક્ટિસ અને શિક્ષણપ્રવૃત્તિની સાથે સાથે એમણે ફરવાનું, જુદાં જુદાં વિશ્વવિદ્યાલયોમાં ભણાવવાનું તથા આર્કિટેક્ટ્સ અને જુદા જુદા વિચારકોને મળવાનું ચાલુ રાખ્યું. તેમની ખોજ ચાલુ રહી અને મિત્રોનું વર્તુળ બહોળું થતું ગયું. આ રીતે એ વિશ્વવિખ્યાત આર્ડિટેક્ટ લૂઈસ કાહ્ધના સંપર્કમાં આવ્યા. લૂએસ કાહ્યને અમદાવાદ લાવવાનું શ્રેય પણ એમને જાય છે. તેમની સાથેનો આ સંપર્ક, એમની વચ્ચેના વિચારોના આદાનપ્રદાનનું કારણ બન્યું.

બાલકૃષ્ણ દોશીનું કામ હંમેશા વિવિધતાપૂર્ણ રહ્યું છે અને એમની કામ કરવાની ઢબ કોઈ ચોક્કસ નામથી ઓળખાવવી મુશ્કેલ છે. શું એ પરંપરાના હિમાયતી છે ? શું એ નવો ચીલો પાડનાર સર્જક છે ? શું એમનું કામ અનુભવગત અને સુરસિક છે ? કે પછી બૌદ્ધિક અભિગમથી કંડારેલું છે ? ખરેખર આ પ્રશ્નોના જવાબ અઘરા છે.

એવો જ બીજો એક પ્રશ્ન; એ છે કે દોશીના કામને “માર્ગી’ કહી શકાય કે “દેશી’ ? આઝાદી પછીનાં વર્ષોમાં સર્જકો “માર્ગી અભિગમની જડતાને ઓછી કરીને “દેશી’ અભિગમનો પોતાના કામમાં સમાવેશ કરવા માંડ્યા હતા. આનો ઉદેશ કલાનો પ્રભાવ માત્ર ભદ્ર વર્ગ પૂરતો ન રહે એમ હતો. એક રીતે જુઓ તો આ પ્રયાસ, માર્ગી પદ્ધતિમાં ઘર કરી ગયેલી પંડિતાઈના ઘમંડને દૂર કરવાનો પણ હતો, પણ આર્કિટેક્ચરના ક્ષેત્રમાં મકાન બનાવવાના નવાં મટીરિયલ્સ, કામ કરવાની પદ્ધતિ અને વ્યવસ્થા એ માર્ગી અને દેશી એ બંને અભગમોને ક્ષીણ કરવા માંડ્યા હતા. આર્કિટેક્ટ દિશાહીન બની રહ્યો હતો.

આવા સંજોગોમાં આર્કિટેક્ટ તરીકે બાલકૃષ્ણ દોશીએ પોતાનો જ રસ્તો કાઢવો રહ્યો. એમની પાસે લ કર્બુઝિયર પાસેથી મેળવેલી “ક્લાસિકલ એસ્થેટીક’ની તાલીમ તો હતી જ. જાતઅનુભવે આપણી પરંપરાને સમજવા માટે તેમણે માર્ગી અને દેશી સર્જનોના ઉત્તમ નમૂના પ્રવાસ અને પ્રત્યક્ષ અનુભવો દ્વારા માણ્યા.

એક રીતે જોતા દોશીનાં કામોમાં એક ક્લાસિસીસ્ટ તરીકેના લક્ષણ જોઈ શકાય છે. આર્કિટેક્ચરના યોગ્ય પ્રકારોનું વ્વવસ્થિત છતાં અનોખું વિવરણ, લયબદ્ધ અને પ્રમાણસર ગોઠવણી, ભૂમિતિ અને સમપ્રમાણતાના સિદ્ધાંતોનો ચીવટપૂર્વક પ્રયોગ, સાદા અને જૂજ સંખ્યામાં મટીરીયલનો અસરકારક ઉપયોગ આ બધા માર્ગી અભિગમનાં ઓજારો છે. આ અભિગમમાં તાત્વિક અને અમૂર્ત સિદ્ધાંતો મહત્ત્વના ઘટકો છે. અલબત્ત, બાલકૃષ્ણ દોશીના કામમાં આ બધું સરળ રીતે સમાઈ જાય છે અને એનો ભાર છતો થતો નથી.

બાલકૃષ્ણ દોશીના કોઈ પણ કામનો પ્રત્યક્ષ અનુભવ એક જુદો જ ચિતાર ઊભો કરે છે. સરળ અને રમતિયાળ ભાવ, અટપટા અને જંટેલ સંજોગોની મજા, છૂટાછવાયા અને અજુગતા ભાગોનું સંમિશ્રણ કરવાનું સાહસ, અવગણી ન શકાય એવા સંજોગોને કારણે મૂળ વિચારને મઠારવાનું કૌશલ્ય, રચનાના પદાર્થો દ્વારા રસ અને ભાવોનું પ્રાધાન્ય – આ બધું બાલકૃષ્ણ દોશીનાં કામોમાં અનુભવાય છે. જાણે “દેશી’ અભિગમ જ જોઈ લ્યો. એટલે બાલકૃષ્ણ દોશીનું કામ “માર્ગી’ અથવા “દેશી’ બેમાંથી એકેય ચોકઠામાં ગોઠવી દેવું સાચું નહીં ગણાય. આર્કિટેક્ચર શરીરના હલનચલનની સાથે અનુભવાય છે. તેથી પ્રત્યક્ષ અનુભવ બાલકૃષ્ણ દોશી માટે અમૂર્ત અને તાત્ત્વિક સિદ્ધાંતો કરતાં વધારે મહત્ત્વનો
છે. ભલે એમનું સર્જન ભૂમિતિ અને સમપ્રમાણતાના સિદ્ધાંતો પર અવલંબિત હોવા છતાં આ સર્જન દર્શક અને મકાનના અરસપરસના સિદ્ધાંતો પર આધારિત છે. આ સંબંધ નજરના વેધ અને હલનચલનની રીતો દ્વારા અનુભવાય છે. હવે એ બૌદ્ધિક અવલોકનને બદલે દૈહિક અનુભવ બની જાય છે.

સામાન્ય રીતે આર્ફિટેક્ચરનું વિવેચન જુદા જુદા એતિહાસિક કાલખંડ જેમ કે, કન્ટેમ્પરરી, મોર્ડન, પોસ્ટ-મોડર્ન, ટ્રેડિશનલ વગેરેનો ઉપયોગ કરે છે અથવા કૃતિને પ્રાદેશિક બીબાંઓ જેમ કે, ઇન્ડિયન, રીજનાલિસ્ટ, ક્રિટીકલ, નોન વેસ્ટર્ન, થર્ડ વર્લ્ડ વગેરેમાં ઢાળે છે.

બાલકૃષ્ણ દોશીના કામને વિવેચનના આવા ચોકઠામાં ન બેસાડવાનું એક ખાસ પ્રયોજન છે. એમના કામને તાત્ત્વિક અને રસપૂર્ણ એ બંનેના મંથનમાંથી ઉદ્ભવ્યું હોય એ તરીકે જોવું વધું ઉચિત ગણાય. આર્ડિટેક્ચરની દુનિયામાં દોશીનું કામ એક એવા સ્તરે ઊભું છે કે જ્યાં દેશ અને કાળના સંદર્ભ કરતાં, કામની પ્રકૃતિ અને સ્વભાવ વધુ મહત્ત્વ ધરાવતાં હોય.
દોશીનાં કામોને આ રીતે સમજવાથી આપણે જડ થઈ ગયેલા વિભાજનોથી પર થઈ શકીશું. આમ બાલકૃષ્ણ દોશીએ આર્કિટેક્ચરના ક્ષેત્રમાં કરેલું મહત્ત્વનું પ્રદાન આપણને એક નવો જ માર્ગ ચીંધે છે.

  • પ્રા. નીલકંઠ છાયા

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

ગુરૂવાર

21

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects