૪૦ વર્ષ પહેલાં ‘‘સરિતા’’ નામ પાડવા બદલ એને મા પર ગુસ્સો આવતો. ખાબોચિયા જેવું પોતાનું જીવન અને નામ સરિતા! એને પોતાના લટકતા હાથ અને લંગડાતા પગની ચીડ ચડતી.
પહેલાં ક્યારેક થતું કે કશો ચમત્કાર થશે અને પોતાના હાથ-પગ સાજા-સમા થઈ જશે. કલ્પ્નાનું મોરપીંછ એના અંગેઅંગ ફરી વળતું અને અનેરા ઉત્સાહથી એને રોમાંચિત કરી દેતું, પરંતુ કલ્પ્ના જોતજોતામાં ઊડી જતી અને મોરપીંછને કાંટા ઊગતા. વાસ્તવિકતા ત્યારે વધુ વિકરાળ બની જતી. નાની બહેનનો ને ભાઈઓનો સંસાર જેમ જેમ મહોરતો ગયો, તેમ તેમ એને પોતાની પાનખર વધુ વસમી લાગવા માંડી.
નવમે વર્ષે સખત તાવમાં એનો એક હાથ અને પગ લબડી ગયો. પછી ઓશિયાળાપણું એને કઠતું. છતાં હિંમત ન હારી. બુદ્ધિ તેજ હતી. ભણી. સ્નાતક થઈ. સારી નોકરી યે મળી.
પરંતુ અપંગતાની વરવી વાસ્તવિકતા અવારનવાર ભોંકાતી રહી. ઑફિસની જવાબદારીઓ ઉપાડવામાં અમુક મર્યાદાઓ આવી જ જતી. પુરુષો સહવાસ ઇચ્છતા, હલાવતા-દુલાવતા, પણ હાથ પકડવાની તૈયારી કોઈ ન બતાવતું. કોઈએ એક પાત્ર સૂચવ્યું : ‘ભણેલો છે, સારું કમાય છે, પણ પગ જરીક લંગડાય છે.’ બંને મળ્યાં એકમેકને પસંદ પડ્યાં, પણ છોકરાનાં મા-બાપ કહે, ગરીબની છોકરી ચાલશે, કાળીનોયે વાંધો નહીં, પણ બંને અપંગ કેમ ચાલે?
આવું બે-ત્રણ વાર બન્યું. એણે મનોમન નક્કી કરી નાખ્યું કે એકલી જ જીવી જઈશ. ભાઈ-બહેનનાં છોકરાંમાં એણે જીવ પરોવવા માંડ્યો. છોકરાં સાથે ભારે હળી ગઈ. છોકરાંનેય માસીબા અને ફઈબા વિના ઘડીકેય નહોતું ચાલતું.
નાનકો નીતિન કહે, ‘માસીબા! મોટો થઈને દાક્તર બનીશ, તાલા પગને સલસ કલી દઈશ. પછી મમ્મીની જેમ તુંય તપ તપ ચાલીશ. માસીબા હું મોતો ક્યાલે થઈશ?’
‘મારો રાજ્જા બેટા ઝ….ટ…. મોટો થઈ જશે,’ કહી સરિતાએ એને બચી કરી છાતીસરસો ચાંપ્યો.
એટલામાં તો સંધ્યા બોલી, ‘અરે ગાંડાભાઈ! ફઈબાના પગ કોઈ દાક્તર સારા નહીં કરી શકે. પપ્પા મારી મમ્મીને કહેતા હતા. એટલે હું તો જાદુગર થઈશ…. જંતર મંતર, જાદુમંતર કહીને ફૂંક મારીશ!’
છોકરાંવ વચ્ચે સરિતાને એકલતા સાલતી નહીં. એમની સાથે એ પરીઓના દેશમાં જતી, રાજમહેલના રાજકુંવરને મળતી, કેદ થયેલ રાજકુંવરીઓને છોડાવતી, પણ એકલી પડતાં મન ફરી ચકડોળે ચઢતું….. આ બધાં બાલપંખીઓ તો પાંખ આવતાં ઊડી જશે, પોતપોતાના માળા બાંધશે….. હું રહી જઈશ એકલી…..
તેવામાં આજે બસમાં ચઢતાં જરીક સમતુલા ગુમાવી. એક ભાઈએ સમયસર હાથ દીધો. ‘બહેન, આવું સાહસ કરશો નહીં. તમારા જેવાએ તો વધારે સંભાળીને….’
હા, ઉંમર વધતાં શક્તિયે ક્ષીણ થતી જશે…… સરિતા આખો દિવસ બહુ ખિન્ન રહી. સાંજે ઘેર આવી એણે છોકરાંને ભેળાં કરી વાર્તા માંડી :
‘એક હતો ચકો ને એક હતી ચકી. બંને દાણા લાવવા દૂર દૂર સુધી ગયાં. ત્યાં ચકી દેખાતી બંધ થઈ. ચકો રઘવાયો રઘવાયો તેને શોધવા લાગ્યો. છેવટે જોયું તો એક તારમાં ચકીનો પગ ભેરવાઈ ગયેલો. ચકાએ બહુ મહેનતે તાર તોડી નાખ્યો. ચકી મુક્ત થઈ, પણ એનો એક પગ મરડાઈ ગયો. પાંખેય એક કપાઈ ગઈ…..’
‘પછી આગળ કહો ને ફઈબા!’
‘પછી શું? ચકી રડતી રહી, હું ઊડી શકતી નથી, હું ઊડી શકતી નથી.’
‘છટ્! આવી કેવી વાર્તા!’
ત્યાં તો સંધ્યા બોલી, ‘અરે! હું કહું, પછી શું થયું….. તેવામાં એક પરી આવી. બોલી, ચકીબાઈ! ચકીબાઈ કેમ રડે છે?….. ચકી કહે, મારી પાંખ કપાઈ ગઈ, મારો પગ મરડાઈ ગયો….. પરી બોલી, હત્તારીની! એટલું જ ને!….. પરીએ તો મંત્ર ભણ્યો, ચકીના પગે ને પાંખે હાથ ફેરવ્યો. પછી હાથ હલાવી છૂ…… કર્યું અને ચકી તો સરસરાટ ઊડી ગઈ…..’
છોકરાં તો તાળીઓ પાડતાં નાચવા લાગ્યાં. સરિતા અન્ય-મનસ્ક થઈ ગઈ હતી. એની આંખ સામે ઘડીકમાં પરી તો ઘડીકમાં બસ દેખાતી હતી.
(મરાઠી લઘુકથા, લેખક – સુમન કર્વે, ગુજરાતી અનુવાદ – હરિશ્ચંદ્ર)
મોરપીંછ – peacock’s feather.
અપંગ – crippled; wanting a limb or an organ; invalid; [fig.] helpless.
ખિન્ન – sad; dejected; despondent; grieved.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.