જાણીતા બહુમુખી પ્રતિભાવંત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીનો જન્મદિન ૩૦ સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે તેઓ પોતાના જીવનનાં ૭૫ વર્ષ પૂર્ણ કરતા હોવાથી ગુજરાતી સાહિત્ય જગત તેમનો અમૃત મહોત્સવ ઉજવતાં ગૌરવ તથા હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે.
કવિતા, નાટક, વાર્તા, નવલકથા વગેરે વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં તેમનું સાહિત્યિક ખેડાણ પ્રસંશનીય છે. ગુજરાતી સાહિત્યની તેમણે કરેલી સેવાઓ અમૂલ્ય છે. ચિરકાળ સુધી સાહિત્યના સર્જકો, ભાવકો, ચાહકો સદા તેમને યાદ કરતા રહેશ. સૌ સાહિત્યપ્રેમીઓએ તેમના અમૃત મહોત્સવ પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતીલેક્સિકોન પરિવાર વતી હું ગુર્જર ઉપેન્દ્ર તેમને જન્મદિનની તથા તેમના અમૃત મહોત્સવની ખૂબ હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરતાં તેમના નિરામય સ્વાસ્થ્ય તથા ચિરકાળ સુધી તેમના દ્વારા સાહિત્ય સર્જનની અપેક્ષા સહ શુભકામનાઓ પાઠવું છું.
તેમની કેટલીક પ્રસિદ્ધ ગઝલોનો આસ્વાદ માણીએ.
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
કારણ
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.
વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.
બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.
હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?
જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.
એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.
સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.
આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.
તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.
મુંઝાય છે
જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને, એ કાચમાં ક્હોવાય છે.
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.
સેજ – શય્યા, શયન, પથારી, બિછાનું
મેજ – ખાનાંવાળી અને ચાર પાયાની જેના ઉપર રાખી લખાય તેવી માંડણી, ‘ટેબલ.’
પથ્થરવત્ – પથ્થર જેવું; જડ; અચેતન
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.