ચોમાસું ગાજે છે રાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઉપર દર્શાવેલ કવિતાના સર્જક છે ધ્રુવ ભટ્ટ. તેમના વિશેનો ટૂંકો કવિ પરિચય જાણીએ.
ધ્રુવભાઈ ભટ્ટના નામથી ગુજરાતી સાહિત્યરસિકો અપરિચિત નથી. સાહિત્યક્ષેત્રમાં તેમનું પ્રદાન સાવ નોખું છે. તેઓ નવલકથાકાર અને ખૂબ જ સુંદર કવિ-ગઝલકાર છે. ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ જેવી ઉત્કૃષ્ટ નવલકથાઓ તેમના અદ્ભૂત સર્જનોમાંનું એક સર્જન છે. તેમના ગીતો-કાવ્યોમાં એટલી સહજતા છે કે પ્રત્યેક વાચકને તે પોતાના હોય એમ લાગે છે. તેથી તેમના કાવ્યસંગ્રહ પુસ્તકનું નામ ‘ગાય તેનાં ગીત’ આપ્યું છે. તેમની વિવિધ કૃતિઓ અક્ષરનાદ પર પણ વાંચી શકો છો.
રાન – જંગલ; ખૂબ ઝાડીવાળો ભૂભાગ; વન
વાછટ – વરસાદ આવતાં બારી બારણાંમાંથી આવતી ઝીણી છાંટ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ