નામ – અરુણાબેન જુવાનસિંહ જાડેજા (તાઈના નામથી લોકોમાં વધુ જાણીતા)
ઉંમર – ૬૦ વર્ષ
અભ્યાસ – એમ.એ. (ગુજરાતી- સંસ્કૃત), બી.એડ. (અંગ્રેજી-સંસ્કૃત)
એકદમ સરલ, નિખાલસ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનારા અરુણાબહેનને તમે એકવાર મળો તો વારંવાર તેમની સાથે વાત કરવાનું કે તેમની વાતો સાંભળવાનું મન થાય અને તેમ છતાં બિલકુલ પ્રસિદ્ધથી પરાંઙમુખ.
પોતે મરાઠી પણ શુદ્ધ ગુજરાતી બોલી શકે એટલું જ નહિ પણ ગુજરાતી સાહિત્યીક સુંદર લખાણ લખી શકે છે. આમ તો ૧૯૭૦થી ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું પણ તે છૂટક, લખવાની ખરી શરૂઆત તો થઈ સન ૨૦૦૦થી.
અનુવાદક તરીકે વધુ જાણીતા છે. તેમણે અત્યાર સુધી સંસ્કૃત – ગુજરાતી, મરાઠી- ગુજરાતી, અંગ્રેજી- ગુજરાતી અનુવાદક તરીકેની હથોટી જમાવેલી છે અને હવે હાલમાં તેઓ ગુજરાતી – મરાઠી અનુવાદ પ્રત્યે ગતિશીલ છે. આ ઉપરાંત ઘણાં નાટકોના અનુવાદ પણ કરેલા છે.
તેમના રસનો મુખ્ય વિષય રસોઈ. રસોઈમાં પારંગત અને એવી સ્વાદિષ્ટ રસોઈ બનાવે કે તમે આંગળાં ચાટતા રહી જાઓ. આ ઉપરાંત બાગકામ, ભરત-ગૂંથણ, નકશીકામ અને લેખન-વાંચન તો ખરું જ.
છેલ્લાં ૧૧ વર્ષથી અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે ધો. ૧૧ અને ધો. ૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયો ભણાવે છે. અને તેમના માટે રેકોર્ડિંગ પણ કરે છે.
તેમનું પ્રિય પુસ્તક ગીતા છે. તેમણે પરમાર્થે ગીતાનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
તેમણે ‘અખંડાનંદ’, ‘નવનીત-સમર્પણ’, ‘કુમાર’, ‘ઉદ્દેશ’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘જન્મકલ્યાણ’માં તેમના મૌલિક લેખો અને નિબંધો પ્રકાશિત થઈ ચૂક્યા છે જે મોટેભાગે સામાજિક અને સાંસ્કૃતિક વિષયોને લગતા હોય છે. એવા લેખો જેમાં કુંટુંબ ભાવના કેન્દ્રમાં હોય તેવા વિષયોમાં વધારે રસ ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત સમાચારમાં પ્રકાશિત થતાં કોલમ ઘર ઘરની જ્યોત માટે પણ લખી ચૂક્યા છે.
તેમના મતે જોડણી માટે પરંપરાને અનુસરવું જોઈએ કેમકે આંખ એને જોવા ટેવાયેલી છે.
તેમના મતે હાલના નવા સાહિત્યકાર- નવલકથાકાર- કવિ જગતમાં હિમાંશીબેન શેલત, પ્રવિણસિંહ ચાવડા, મીનળ દોશી, હર્ષદચંદા રાણા વગેરેની રચના કે કૃતિઓ સુંદર છે.
તેમને ક.મ.મુનશી, ગુણવંતરાય આચાર્ય, દર્શક, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, શરીફાબેન વીજળીવાલા, આઇ કે વીજળીવાલાની કૃતિઓ ઉપરાંત મરાઠી લેખકોની કૃતિઓ અને જુદી જુદી ભાષાના અનુવાદો વાંચવા ગમે છે.
તેમના પુસ્તકો (અનુવાદો)
– વિનોદમેલા – મરાઠી અનુવાદ (વિનોદ ભટ્ટ) પ્રથમ આવૃત્તિ ૨૦૦૩
– પુલકિત – ગુજરાતી અનુવાદ (પુ.લ.દેશપાંડેના ચૂંટેલા લેખસંગ્રહનું ૨૦૦૫, સંકલન) , દિલ્હી સાહિત્ય અકાદમી. આ માટે તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી વાઙ્મય પરિષદ તરફથી ૨૦૦૫માં પારિતોષિક પણ મળી ચૂકેલ છે.
– ઇડલી, ઓર્કિડ અને હું! – ગુજરાતી અનુવાદ (વિઠ્ઠલ વ્યંકટેશ કામત) ૨૦૦૫ – ફેબ્રુઆરી પ્રથમ આવૃત્તિ , ૨૦૦૫-એપ્રિલ પુન:મુદ્રણ, ૨૦૦૫ – ઓકટોબર બીજી આવૃત્તિ, ઇમેજ પ્રકાશન
– મુકામ શાંતિનિકેતન – ગુજરાતી અનુવાદ (પુ.લ.દેશપાંડે) ૨૦૦૬ – ફેબ્રુઆરી પ્રથમ આવૃત્તિ – ગુજરાતી સાહિત્ય પરિષદ. આ પુસ્તક માટે તેનને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળેલ છે.
– જોહડ (ચેકડેમ) – ગુજરાતી અનુવાદ (સુરેખા શાહ) (જલનાયક રાજેન્દ્રસિંહની જીવનગાથા) પ્રકાશન હેઠલ
– શ્રી ઇચ્છા બલવાન – ગુજરાતી અનુવાદ (શ્રીનિવાસ થાણેદાર) પ્રકાશન હેઠળ
– ગમતાંનો કરીએ ગુલાલ (સંપાદન – બળવંત પારેખ)
વૉલ્યુમ ૪, ૫, ૬, ૭, ૮ તેમજ ઉદ્દેશ સામયિકમાં મરાઠી કવિતાઓનો ગુજરાતી અનુવાદ
– ભારતીય કૃષ્ણ કવિતા (ગુજરાતી સાહિત્ય પરિષદ)માં મરાઠી કૃષ્ણકવિતાઓનો ગુજરાતી અનુવાદ
– રિયાઝની ગુરુચાવી – ગુજરાતી અનુવાદ (યશવંત દેવ) નવભારત પ્રકાશન
– ભૂમિ – ગુજરાતી અનુવાદ (આશા બગે) – દિલ્હી સાહિત્ય અકાદમી
– સંસ્મરણોનો મધપૂડો – યજ્ઞ પ્રકાશન
આ ઉપરાંત પાકશાસ્ત્ર અને પાકસાહિત્ય (રસોઈલીલા) પ્રકાશિત થવાની તૈયારીમાં છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.