ગુજરાતી સાહિત્યનાં વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર, લઘુકથા ના જનક મોહનલાલ પટેલ લઘુકથાના સ્વરૂપ અંગે સંક્ષિપ્તમાં જ જણાવતાં કહે છે : ‘લઘુકથામાં મનુષ્યના જીવનની કોઈ નાજુક ક્ષણને સંક્ષેપમાં પણ અત્યંત સૂચકતાથી નિરૂપવામાં આવે છે. એમાં ઉત્કટ સંવેદન ઝિલાયું હોય છે. અને એક જ ભાવ સંદર્ભને સ્પર્શ થતો હોય છે. નાનકડા ફલક પર પડેલું તીવ્ર સંવેદનાનું બિન્દુ વાચકના ચિત્તમાં વિસ્તરીને આસ્વાદ્ય બનતું હોય છે.’
વાંચો કેટલીક લઘુકથાઓ (short stories) :
ટુ-ટ્રેક
એકસો એંસી ફૂટનો રિંગ રોડ. નિયોન લાઈટનો પીળો પ્રકાશ. આછું અંધારું. રોડની બંને બાજુ કાર-સ્કુટરનું ભરચક પાર્કિંગ. પચ્ચીસથી સિતેર વર્ષના સ્ત્રી-પુરુષોનું મોર્નિગ વોક. હાંફતાં, પરસેવાથી તરબતર લોકોનો બબડાટ : ‘આ ઓવર વેઇટ એંસી કિલો ? બાંસઠ હતું. તેમાંથી ટેરીફીક !
યાર, તને બી.પી. હાઈ રહે છે. તો મને ડાયાબીટિસ છે. મહેશનું કોલોસ્ટોલ વધતું જાય છે.
જયેશની વાઈફને લો-બી.પી. હેરાન કર્યા કરે જ છે. મયૂરે એન્જોગ્રાફી કરાવી. ઋત્વિકે બાયપાસ. જયેશના ફાધરને સોરાઈસીસ છે.
પ્રકાશનાં મધરને હોજરીમાં પાણી ભરાયું ને ડોકટરે નિદાન કર્યું કે, કેન્સર છે.’ જોગીંગ કરતાં પુરુષો જ ગણગણતાં નહોતાં. મહિલાઓના ટોળામાંય ગણગણાટ.
‘ડિમ્પલ, લીઝા, સ્વીટી આ પિત્ઝા, સેન્ડવીચ, પંજાબી, ચાઇનીઝ, આપણા ફેમિલીના ફાસ્ટ ફૂડની મજા તો ગ્રેટ છે.
વી લીવ હાઈ-ફાઈ ઈવન ધો ફ્રેશનેશ તો આપણને મળતી જ નથી !
રોડની બંને બાજુ હાથમાં ત્રિકમ ઉપાડી મજૂરી કરતાં શરીરે નરવા મજૂરો હરખાતાં-હરખાતાં ગણગણતાં હતાં: “હાલો, મનુ…હાલો કનુ… હાલો ભનુ…. હાલો બાપલા….હાલો !”
સારાંશ : પહેલું સુખ તે જાતે નર્યા અર્થાત શરીર નરવું હશે તો બધું જ પ્રાપ્ત થઈ જશે.
દુ:ખમાં સૌ સુખમાં નહીં
અમિતનું સ્વપ્ન સાકાર, હાઈ-ફાઈ એરિયામાં અમિતે બસ્સો વારનો પ્લોટ લીધો. લકઝરિયસ બંગલો બનાવવા માટે આર્કિટેકટ એન્જિનિયર સાથે ટર્મ્સ-કંડિશન થઈ. કન્સલ્ટીંગ સિવિલ એન્જિનિયરનાં માર્ગદર્શન હેઠળ કોન્ટ્રાક્ટરે બંગલો બનાવવાના શ્રી ગણેશ કર્યાં. ત્રણ માળનો બંગલો તૈયાર વાસ્તુ-પૂજન પ્રસંગમાં કુટુંબને, બા, ભાઈ-ભાભી બધાંને તેડાવવા માટેની લાગણી અમિતના મનમાં પ્રગટી. તેને બાપુજીની યાદ આવી. બાપુજી આજે હોત તો કેવા રાજી થાત !
આંખ ભીની થઈ ગયેલી જોઈ પત્ની અમિતા તાડૂકી : ‘મારે કોઈની જરૂર નથી. બા એ, ભાઈએ બંગલો બાંધવામાં આપણને મદદ કરી શું મોથ મારી છે ? આપણું કામ થઈ ગયું ને ?’ વાસ્તુ પૂજન સંપન્ન. અમિતા ફૂલાઈ ગઈ. સ્વપ્ના જોઈ લીધાં. સ્વપ્ના જોતાં-જોતાં નિંદ્રાધીન. સવાર થઈ. અમિતા જાગી. બ્રેકફાસ્ટ તૈયાર કરતી વખતે તેના હાથમાંથી સેન્ડવીચ ટોસ્ટર પડી ગયું. તીવ્ર ધ્રુજારી. તે સફાળી દોડી. રાડ પાડી. ધરતીકંપ… ધરતીકંપ… બધાં બંગલામાંથી બહાર.
ભૂકંપથી ડરી ગયેલો અમિતનો પરિવાર ત્રણ દિવસ અને ત્રણ રાત બંગલાની સામે ટેન્ટમાં પડ્યો રહ્યો. આશિત-અર્ચના માંદા. બંગલામાં જવા નાખુશ.
અમિત મૂંઝાણો. શું કરવું, તે તેને સમજાયું નહીં. પતિને મૂંઝાયેલો જોઈ અમિતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહ્યું. ‘આમ મરદ થઈને શું મૂંઝાઈ બેઠા છો ? ભૂકંપ થયો તો શું થયું ? આપણા મોટા ઘેર રહેવા પહોંચી જઈશું. ભાઈ-ભાભી ભોળા છે, તેને હું મનાવી લઈશ. તમે બાને મનાવી લેજો. મુશ્કેલીમાં બધાં ભેગાં જ સારાં ને ?’
સારાંશ : કુટુંબમાં ઘણાં વ્યક્તિગત સુખમાં બધાંને ભાગીદાર કરતા નથી પણ દુઃખમાં ભાગીદાર કરે છે.
બોજ
ઢળતી સાંજ, નયનરમ્ય વાતાવરણ, અમદાવાદ-રાજકોટ ફોર-ટ્રેકની બંને બાજુ હરિયાળી. ડૉક્ટર વસંત તેમજ તેમનાં પત્ની અમદાવાદ કોન્ફરન્સમાં ભાગ લેવા જતાં હતાં. બાજુના ટ્રેકમાં ટ્રક અને કારની ટક્કર. નાસભાગ, ચિચિયારી, બચાવો-બચાવોની બૂમ. કારમાં બેઠેલું દંપતી કણસતું હતું. તેમની બે વર્ષની દીકરી બચી ગયેલી. ટ્રકના ડ્રાઈવરનો પગ કપાઈ ગયો. ડૉક્ટર વસંતે ભયંકર રીતે ઘાયલ દંપતીને બચાવવા ઘણાં પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. વાહનવ્યવહાર ઠપ્પ. અરેરાટીભર્યાં દૃશ્યો, લોકોનાં ટોળાં. ચર્ચા : ‘કુદરતની કરામત તો જુઓ ! મા-બાપ છીનવીને આ બે વર્ષની ફૂલ જેવી દીકરીને નોંધારી બનાવી દીધી. ભાઈ, ક્યારે શું બની જાય કહેવાતું નથી.’
મા વિનાની માસુમ દીકરીનું આક્રંદ.
‘પોલીસ આવે, પંચનામું થાય ત્યાં સુધી આ માસુમ દીકરીને ભૂખી-તરસી થોડી પડી રહેવા દેવાય.’ ડૉક્ટર વસંતે બોલતાં-બોલતાં નોંધારી દીકરીને વહાલ કરી, પોતાની કારમાં પોતાના દીકરાની બાજુમાં સુવડાવી ત્યાં જ…ડૉક્ટરની પત્ની બોલી:
‘આ શું કરો છો ? જોજો પાછા દયાળુ થઈને આ બોજને દત્તક લેતા નહીં !!!’
સારાંશ : શિક્ષિત લોકો પણ આજે રૂઢ માન્યતામાંથી બહાર આવ્યાં નથી.
બે મા
“ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી ના’યો, પાટલો ગ્યો ખસી, ભઈલો પડ્યો હસી.”
ઘોડિયાનાં ખોયાની દોરી પગનાં અંગૂઠે વિંટાળી ગીત ગાતાં-ગાતાં મયંકને હીંચકાવતી કુસુમે ચોથા ધોરણમાં ભણતી કિન્નરીનું ઘરકામ જોયું. રાજી થઈ. કિન્નરીના માથે હાથ ફેરવ્યો.
‘મમ્મી, ભઈલો ઊંઘી ગયો છે ! ચાલને આપણે રમીએ !’ કિન્નરીની લાગણીને કુસુમ રોકી શકી નહીં, બંને રમવા બેઠાં.
કુસુમે રમત શરૂ કરી. ચકી ઊડે… કાગડો ઊડે… કોયલ ઊડે…મોર ઊડે… ભેંસ ઊડે… ભેંસ ઊડે ? કિન્નરી કુસુમ ખડખડાટ હસી પડ્યાં. ત્યાં તો બાજુના ફ્લેટમાં રહેતા મમતા મેડમે કાન ફાટી જાય તેવી ચીસ પાડી.
દીકરી શ્વેતા સામે તાડુક્યાં : ‘નોનસેન્સ, મેં તને કેટલીવાર કીધું છે કે, મને બાજુવાળી જેવાં હાલરડાં ગાતાં નથી આવડતાં ને રમતે ય રમાડતાં નથી આવડતી. શટ અપ, ચૂપ મર, નહીં તો ચીરી નાખીશ !!’
સારાંશ : મા ધારે તો બાળકનો સર્વાંગી વિકાસ અથવા રકાસ પણ કરી શકે છે.
ફલક : સપાટ પાટિયું (2) પાનું (3) સ્તર; થર; પડ; સપાટી (4) બાણનું ફળું (5) પરિપ્રેક્ષ્ય (લા.)
આસ્વાદ્ય : આસ્વાદ લેવા યોગ્ય
ત્રિકમ : તીકમ; જમીન ખોદવાનું એક ઓજાર
બ્લોગ લેખક : નટવર અહલપરા
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં