30 ડિસેમ્બર, 1889ના રોજ ભરૂચ ખાતે જન્મેલા કનૈયાલાલ મુનશી ‘ઘનશ્યામ વ્યાસ’ તરીકે પણ જાણીતા છે. તેઓ સ્વતંત્ર ભારતની લડતમાં જોડાયેલા એક સૈનાનીની સાથોસાથ પ્રખ્યાત નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને નિબંધકાર પણ હતા. તેમના માતાનું નામ તાપી અને પિતાનું નામ માણેકલાલ મુનશી હતું.
મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને તેમણે વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. 19 વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી. 1910માં એલ.એલ.બી.ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા. 1913માં મુંબઈમાં વકાલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે 1922માં તેઓએ ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન 1937માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, વર્ષ 1948માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, 1952ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને 1937, 1949, 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી.
તેમણે પોતાની પહેલી નવલકથા ‘પાટણની પ્રભુતા’ ઘનશ્યામના નામે લખી હતી. આ નવલકથાને સારો આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. ‘જય સોમનાથ’ એ ‘રાજાધિરાજ’ પછી લખાયેલ કૃતિ છે, પણ તે હંમેશા પહેલી ગણાય છે.
ક. મા. મુનશી તરીકે ઓળખાતા આ સાહિત્યકારે પોતાના કાર્યક્ષેત્રને ફક્ત સાહિત્ય પૂરતો મર્યાદિત ન રાખતાં રાજકીય ક્ષેત્રે પણ સારી સેવા આપી. તેઓ ગાંધીજી સાથે સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો. ભારત આઝાદ થયું ત્યારે હૈદ્રાબાદના વિલિનીકરણમાં અને બાદમાં ગુજરાતના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ભારતનું બંધારણ ઘડતરમાં તેમણે પોતાની સેવા આપી અને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવા આપી.ભારતીય વિદ્યાભવન અને વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના કરી.
તેઓએ ભાર્ગવ અને સમર્પણ માસિક પુસ્તકોનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ ભરૂચમાં નિ:શુલ્ક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના પણ તેઓએ કરી હતી. તેઓ કરાંચી ખાતે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. વર્ષ 1988માં ભારત સરકારે તેમના નામની ટપાલ ટિકીટ બહાર પાડી હતી.
ભારતીય વિદ્યાભવન દ્વારા તેમના માનમાં સામાજિક કલ્યાણ માટે ‘કુલપતિ મુનશી પુરસ્કાર’ એનાયત કરવામાં આવે છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના ‘કૃષ્ણાવતાર’ છે, તેના કુલ આઠ ભાગ છે અને આઠમો ભાગ બાકી રહી ગયો હોવાથી જ તે રચના અપૂર્ણ છે.
મુનશીને સૌથી વધુ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘સ્વપ્નદૃષ્ટા’માં તેમણે આઝાદીની ચળવળના નેતાઓના પ્રભાવ હેઠળ નવયુવકોના માનસનો ચિતાર અપાયો છે તો ‘સ્નેહસંભ્રમ’માં વ્યંગકટાક્ષ કર્યો છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘પૃથિવીવલ્લભ’, ‘ભગવાન કૌટિલ્ય’, ‘જય સોમનાથ’, વગેરે જેવી ઐતિહાસિક નવલકથાઓ અને લઘુનવલોની પણ તેમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે. પૌરાણિક ઇતિહાસને વણી લઈને તેમણે ‘લોકમહર્ષિણી’, ‘ભગવાન પરશુરામ’ અને 8 ભાગમાં ‘કૃષ્ણાવતાર’ જેવી રચનાઓ પણ કરી. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’, ‘બે ખરાબ જણ’, ‘આજ્ઞાંકિત’, ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’, વગેરે જેવા પ્રહસનો અને વિવિધ વિષય પર તેમણે લખેલા નાટકો છે તો ‘ધ્રુવસ્વામિની દેવી’ એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. ‘અડધે રસ્તે’માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજ જીવનનાં 1887થી 1906 સુધીનાં સંસ્મરણો; ‘સીધા ચઢાણ’માં 1907થી 1922ના સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં 1923થી 1926ના સમયખંડને આવરીને આત્મકથારૂપે તેમણે પોતાના જીવનના સંસ્મરણો આલેખ્યાં છે એમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે.
કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ ‘મુનશી ગ્રંથાવલી’ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. તેમની નવલકથાઓમાં તેમના ઇતિહાસના રસ અને જ્ઞાનનો પ્રભાવ ચોખ્ખો દેખાય છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળા-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે. વર્ષ 1971માં, 8 ફેબ્રુઆરીના રોજ 83 વર્ષની વયે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.
આ Book Summary પણ વાંચો : ગુજરાતનો નાથ , પૃથ્વીવલ્લભ , વેરની વસૂલાત, કૃષ્ણવતાર
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.