Gujaratilexicon

શું તમે જાણો છો કયા સાહિત્યકારો જાન્યુઆરી મહિનામાંં જન્મેલા ?

January 02 2020
GujaratilexiconGL Team

જન્મદિવસ હંમેશા એક અનોખો ઉત્સાહ સાથે લઈને આવે છે. શું તમે જાણો છો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શરૂ થતાં જાન્યુઆરી મહિનામાં કયા ગુજરાતી સાહિત્યકારોનો જન્મ દિવસ આવે છે?

અનંતરાય મણિશંકર રાવળ :

અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સૌરાષ્ટ્રના વલભીપુરના વતની હતા. તેમનો જન્મ 1લી જાન્યુઆરી 1912ના રોજ અમરેલી ખાતે થયો હતો. તેમણે તેમના લેખનની શરૂઆત સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકથી કરી હતી. ત્યારબાદ તેઓએ અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ એ એમનું શ્રેષ્ઠ સર્જન છે. એમ.એ કર્યા બાદ અધ્યાપક તરીકે તેમણે લાંબા સમય સુધી સેવા આપી હતી. એમને ‘તારતમ્ય વિવેચન સંગ્રહ’ના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ઉન્મિલન માટે નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Explore the English meaning of word : વિવેચન

ઉમર ઉઘરાતદાર (અઝીઝ ટંકારવી) :

ઉમર અહમદ ઉઘરાતદાર એક જાણીતા વાર્તાકાર અને ગઝલકાર જે અઝીઝ ટંકારવીના નામે પણ જાણીતા છે. તેઓનો જન્મ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં 1 જાન્યુઆરી 1944ના રોજ થયો હતો. બી.એ., બી.એડ. કર્યા બાદ પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવી યોગદાન આપ્યું. તેઓને ધૂમકેતુ પુરસ્કાર, સંસ્કાર પુરસ્કાર, શ્રેષ્ઠ તંત્રીલેખ એવોર્ડ, શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર વગેરે જેવા પુરસ્કારો મળી ચૂક્યા છે.

Also see Book summaries of ધૂમકેતુનાં વાર્તારત્નો

એષા દાદાવાળા :

એષા દાદાવાળાનો જન્મ 2 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં થયો. તેઓ ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે. 2013માં તેણીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘વરતારો’ તેઓનો 2008માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ છે, ત્યારબાદ 2013માં ‘જન્મારો’ પ્રકાશિત થયો હતો જેને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ કવિતા સંગ્રહનો પુરસ્કાર મળ્યો હતો. સ્ત્રીની લાગણીઓ અને સ્ત્રી જીવનના વિવિધ તબક્કાઓનું  તેઓ સુંદર વર્ણન કરે છે.  હાલમાં તેઓ દિવ્ય ભાસ્કરના સીટી ભાસ્કરમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર તરીકે  2012થી કાર્યરત છે.

જોરાવરસિંહ જાદવ :

જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી 1940ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેઓ એક વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક છે. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે. જોરાવરસિંહજીએ ગ્રામજીવનને અનુલક્ષીને વાર્તાઓ લખી છે. 2019માં તેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક, એન.સી.ઈ.આર.ટી.નું પ્રથમ પારિતોષિક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર એનાયત થયા છે.

કુન્દનિકા કાપડિયા :

તેમનો જન્મ જાન્યુઆરી 11, 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર છે. 1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ માટે મળ્યો. એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. ‘જન્મભૂમિ’ પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થયેલી. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.

દલપતરામ :

કવિ દલપતરામનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણમાં 21 જાન્યુઆરી, 1820ના રોજ થયો હતો. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેઓને બ્રિટિશ સરકાર તરફથી ઇલ્કાબ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની મુખ્ય કૃતિઓ માં ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ1-2, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાપાની પિંપર, તાર્કિક બોધ વગેરેનો સમાવેશ થાય છે.

માણો દલપતરામનું ખૂબ જ પ્રસિદ્ધ સર્જન ‘અંધેરી નગરી’ અહીંયા

ડોલરરાય માંકડ :

તેઓનો જન્મ 23 જાન્યુઆરી, 1902ના રોજ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં થયો હતો તેમનું વતન જોડિયા (જિ. જામનગર) છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક; સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં તેઓ સાહિત્યવિભાગના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ વિવેચનગ્રંથ, કાવ્ય વિવેચન, નૈવેધ અને ગુજરાતી કાવ્યપ્રકારો  માટે જાણીતા છે

પ્રિયકાંત મણિયાર :

પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા. તેમનો જન્મ 24 જાન્યુઆરી, 1927ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો. તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, અને  સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. તેમના નોંધપાત્ર સર્જનમાં પ્રતીક અને લીલેરો ઢાળ છે.

નંદકુમાર પાઠક :

પાઠક નંદકુમાર જેઠાલાલનો જન્મ 25 જાન્યુઆરી 1915ના રોજ થયો હતો. તેઓ એ નાટ્યકાર, કવિ, વિવેચક તરીકે યોગદાન આપ્યું છે. તેઓનો જન્મ ગોઠ (જિ. પંચમહાલ) માં થયો હતો . 1938માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું હતું. તેઓ તેમની કૃતિઓ  એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય અને પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો માટે જાણીતા છે.

કલાપી :

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, જેઓ ‘કલાપી’ના નામે વધુ  પ્રખ્યાત છે તેમનો જન્મ 26 જાન્યુઆરી 1874ના રોજ અમરેલી જિલ્લાના લાઠીના રાજકુટુંબમાં થયો હતો.  પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. 16થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરેણા જેવી રચનાઓ કરેલી. તેમનું કાવ્યસર્જન 1892થી શરૂ થયેલું. મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃદ્ધ કર્યું છે. તેઓનું કલાપીનું કેકારવ ખુબ જ પ્રસિદ્ધ છે. જેમાં કલાપીની 1892થી 1900 સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ છે.

માણો કલાપીનું કાવ્ય ગ્રામ્યમાતા અહીંથી

જયંત કોઠારી :

જ્યંત સુખલાલ કોઠારી નો જન્મ 28 જાન્યુઆરી 1930ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેઓ એ વિવેચન  ભારતીય કાવ્યસિદ્ધાંત, વિવેચનનું વિવેચન, અનુક્રમ, પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા, વ્યાસંગ, ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, વિવેચનો જેવી કૃતિઓનું નિર્માણ કર્યું છે જ્યારે સંપાદનમાં  સુદામાચરિત્ર, નિબંધ અને ગુજરાતી નિબંધ, ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા, એકાંકી અને ગુજરાતી એકાંકી, જૈન ગુર્જર કવિઓનો સમાવેશ થાય છે.

બ્લોગ લેખિકા : મૈત્રી માધુ

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects