પુસ્તકના પ્રેમમાં પડવું એ પરમાત્માના પ્રેમમાં પડવા જેવી પુણ્ય ઘટના છે. વાચનનો શોખ આપણી પાછલી અવસ્થાને, આપણી એકલતાને અને આપણી અંગત સમસ્યાઓને કાબૂમાં રાખે છે.
પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલે એવું એક સાંસ્કૃતિક અભિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું, ‘વાંચે ગુજરાત.’ આપણે એ અભિયાનમાં આપણા પૂરતો થોડોક શાબ્દિક ફેરફાર કરીને ‘વાંચે ગુજરાત’ને બદલે ‘વાંચે ગુજરાતી’ કરી લઈએ તો આપણને કોણ ના પાડવાનું છે?
આટલો ફેરફાર કરવાથી બે નવા અર્થ મળશે. એક તો દરેક ગુજરાતી (ભલે એ ગુજરાતની બહાર ગમે ત્યાં વસતો હોય) વાંચતો થાય અને બીજો અર્થ ગુજરતી ગ્રંથો વાંચવાનો થાય. આપણને ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ પચાસ ગ્રંથોનાં નામ હૈયાવગાં ન હોય તો આપણે વળી શાના ગુજરાતી ?
વાંચવું એટલે તૃપ્ત થવું.
વાંચવું એટલે સમૃદ્ધ થવું.
પ્રાચીન કાળમાં યજ્ઞો થતા. યજ્ઞમાં ઋષિમુનિઓ સમધિ હોમતા. ‘વાંચે ગુજરાત’ પણ પવિત્ર યજ્ઞકાર્ય છે. એમાં સુજ્ઞજનોએ સુંદર પુસ્તકો વસાવવાનાં, વાંચવાનાં અને ભેટ આપવાનાં છે. અનેક લોકો એવા છે કે જેમને વાંચવાની રુચિ નથી અને ફુરસદ પણ નથી. એવા લોકોને વધુ નહીં તો દરરોજ માત્ર એક વાર્તા, એક લેખ, એક નિબંધ કે પછી એકાદ કવિતા વાંચવાની ચાનક ચડાવવી એ આ યજ્ઞકાર્યમાં મંત્રવિધાન જેવું પુણ્યકારય છે. જેમને ફુરસદ નથી એવા લોકોને દરરોજ માત્ર ભલામણ કરીને ન અટકીએ, દસ મિનિટમાં જ વાંચી શકાય એવી કંઈક ઉત્કૃષ્ટ – રસપ્રદ વાંચવાની સામગ્રી પણ આપીએ. જેમને રુચિ નથી તેમને પ્રેમાગ્રહ કરીને તેમના પ્રિય વિષયનું કશુંક વાંચવાની હઠ કરીએ. શરૂ-શરૂમાં તેમને થોડુંક કષ્ટ પડશે જ, પરંતુ જો એવા લોકોને ખાસ તેમની રુચિનું – તેમની પસંદગીનું સાહિત્ય આપણે વાંચવા આપ્યું હશે તો ધીરે-ધીરે તેઓ વાંચવા માટે ફુરસદ પણ કાઢશે અને રુચિ પણ કેળવશે.
એક વખત આટલું થાય એટલે આપણું કામ ફિનિશ્ડ.
પછી તો એ લોકો જાતે જ નવું કશુંક વાંચવા ઉત્સુક બનશે, આપણી પાસે નવા સાહિત્યની ડિમાન્ડ કરશે. બજારમાં ક્યાં નવાં પુસ્તકો આવ્યાં છે એની પોતે જ તપાસ પણ કરશે અને ખરીદી પણ કરશે. એ લોકો આપણી જેમ જ સૌને સાહિત્ય-પુસ્તકો ભેટ આપતા થઈ જશે.
આપણે વાચનનો આવો ચેપ લગાડવાનો છે. વાચન એક પ્રકારનો ચેપી રોગ છે, પરંતુ એનું પરિણામ ધન્ય કરનારું છે, એટલે એને રોગ ન કહેતાં આપણે ચેપી યોગ કહીશું.
કોઈકના મનમાં પ્રશ્ન થાય કે સ્વજનો-મિત્રોને અમથેઅમથાં પુસ્તકો ભેટ આપવાનો શો અર્થ ? કંઈક કારણ–પ્રસંગ-નિમિત્તો બેસુમાર છે. બસ, એ તરફ આપણું ધ્યાન જ નથી ગયું આજ સુધી.
આજકાલ તો નૂતનવર્ષની શુભેચ્છાઓ આપવા માટે ગ્રીટિંગ્સ કાર્ડને બદલે સાહિત્યપ્રેમીઓ પુસ્તકો ભેટરૂપે મોકલે છે. એવી જ રીતે અન્ય પર્વ-તહેવારો વખતે પણ પુસ્તકો ભેટ આપી શકાય. કેટલાંક પર્વ-ઉત્સવો વખતે આપણે સ્વજનોને મીઠાઈ કે રોકડ રકમનું કવર ભેટ આપીએ છીએ. એની સાથે એકાદ નાનકડું-રૂપકડું પુસ્તક ભેટમાં જરૂર સરકાવી દઈ શકાય.
કોઈકનો બર્થ-ડે હોય, લગ્નપ્રસંગ હોય, લગ્નતિથિ હોય ત્યારે પણ અન્ય જે કંઈ ગિફટ આપીએ એની સાથે એકાદ પુસ્તક મૂકી દઈએ ત્યારે રૂડું સુગંધકાર્ય થાય. કોઈ બીમાર વ્યક્તિની ખબર પૂછવા જઈએ ત્યારે ફ્રુટ્સની સાથે-સાથે એક પ્રેરક પુસ્તક ભેટ તરીકે મૂકી જોજો. એમ કરવાથી તમારી ઈમ્પ્રેશન જુદી (એટલે કે વિશિષ્ટ) જ પડશે. બાળકના બર્થ-ડે વખતે આમંત્રિતોને રિટર્ન ગિફટમાં એક મજાનું પુસ્તક જરૂર આપી શકાય. કોઈ સ્વજન-મિત્રને નવી જોબ મળી હોય, તેને જોબમાં પ્રમોશન મળ્યું હોય અથવા તો કોઈ સ્વજનની કંઈક ખાસ અચીવમેન્ટ બદલ સન્માન–અવૉર્ડ–ભેટ આપવાનો જાહેર અભિવાદનનો સમારોહ યોજાયો હોય ત્યારે આપણે તેને બુકે આપીએ છીએ. એ બુકેની સાથે એકાદ બૂક મૂકવાથી શુભેચ્છાઓ ઑર નીખરી ઊઠશે.
મારા એક ડૉક્ટર-મિત્ર ફર્સ્ટ ટાઈમ વિદેશના પ્રવાસે જવાના હતા ત્યારે મેં તેમને પ્લેનમાં બેઠાં-બેઠાં વાંચવા માટે બે પુસ્તકો ભેટ આપેલાં. હવે તે ડૉક્ટર-મિત્ર જ્યારે-જ્યારે વિદેશ જાય છે ત્યારે-ત્યારે મને ફોન કરીને કહે છે કે, પ્લેનમાં વાંચવા માટે કંઈક જોઈશે જ !’
તેમણે રીતસર આ અધિકારભાવ કેળવી લીધો છે એનું રહસ્ય એ છે કે તેઓ જ્યારે વિદેશથી પાછા આવે છે ત્યારે મારા માટે ત્યાંના ઘણાં સુંદર પુસ્તકો ભેટ લાવવાનું કદી ચૂકતા નથી. એક ભાઈ તો એક કેદીને મળવા વારંવાર જતા હોય છે, ત્યાં પણ તેને ભેટરૂપે એક પુસ્તક આપતા આવે છે.
કોઈ વ્યક્તિ રિટાયર થઈ હોય, કોઈ વ્યક્તિએ કંઈક તપશ્વર્યા કરી હોય, કોઈકે નવું ઘર લઈને વાસ્તુ-અવસર ઊજવ્યો હોય, કોઈ વિદ્યાર્થીને ઈનામ આપવાનું હોય, કોઈ મહિલાને સીમંત (ગોદભરાઈ) નો પ્રસંગ હોય, કોઈ સ્પર્ધાના વિજેતાને સન્માનવાના હોય, વૅલેન્ટાઈન્સ ડે તથા ફાધર્સ-ડે, મધર્સ-ડે કે ફ્રેન્ડશિપ-ડે ઊજવવાનો હોય ત્યારે સુંદર પુસ્તકો ભેટ આપીને અવસરને સુગંધમય અને સ્મરણીય બનાવી જ શકાય. બનાવીશું ને?
વાચનનો ચેપ લગાડે તે શબ્દર્ષિ
આપણે કેટલીક હોટેલના ફોનનંબર હાથવગા રાખીએ છીએ જેથી ગમે ત્યારે મનગમતું ભોજન હોમ-ડિલિવરીથી મગાવી શકાએ. એ જ રીતે કેટલાક બૂક-પબ્લિશર્સ અને બૂકસ્ટૉલના ફોનનંબર પણ હાથવગા રાખતા થઈએ. કોઈ પણ પુસ્તકની નકલો મગાવવા માટે ત્વરિત સંપર્કની સગવડ રાખીએ. જો સમગ્ર સમાજ વાચનના રવાડે ચડી જાય તો વિચારક્રાન્તિના શ્રીગણેશ થઈ જાય ! ‘વાંચે ગુજરાત’ની જેમ જ ‘વાંચે મહારાષ્ટ્ર’, ‘વાંચે પંજાબ’, ‘વાંચે મધ્યપ્રદેશ’, ‘વાંચે હરિયાણા’ની ચળવળ ચલાવીને આખરે ‘વાંચે ભારત’ સુધી પહોંચી શકાય. વાચનનો ચેપ લગાડે તેને જ ‘શબ્દર્ષિ’થી સન્માનીએ.
પુસ્તકો ન ખરીદે તેને બબૂચક કહેવાય
હું કૉલેજમાં ભણતો હતો ત્યારે ડૉ. રમણલાલ જોશી અમને ભણાવતી વખતે ગમ્મતમાં બહુ સરસ વાત કહેતા. તેઓ કહેતા કે લખે તેને લેખક કહેવાય, પણ સારું લખે તેને સર્જક કહેવાય. વાંચે તેને વાચક કહેવાય, પણ વાંચીને સમજે તથા જીવનમાં ઉતારે તેને ભાવક કહેવાય. પોતે કોઈ કૃતિ વાંચ્યા પછી એનું તટસ્થ મૂલ્યાંકન કરીને એની ખૂબીઓ-ખામીએ જણાવે તેને વિવેચક કહેવાય. આ ત્રણ પૈકીની એક પણ પ્રવૃત્તિ ન કરે તેને બબૂચક કહેવાય. જગતમાં એવા સંખ્યાબંધ બબૂચકો હશે જેમણે જીવનમાં એક પણ નવલકથા નહીં વાંચી હોય. ઘણા લોકો મોંઘવારીનાં બહાનાં બતાવીને પુસ્તકો ખરીદવાનું ટાળે છે. પુસ્તકો સિનેમાની ટિકિટ અને હોટેલના બિલ જેટલાં મોંઘાં તો નથી જ ને ! છતાં પુસ્તકો ન ખરીદે તેને હું મહાબબૂચક કહું છું.
( શ્રી રોહિત શાહના પુસ્તક ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ માંથી સાભાર.)
ફુરસદ – leisure respite, spare time.
ઉત્કૃષ્ટ – very good, excellent.
ચેપ – pressure; obstinacy; stickiness.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં