છેલ્લા 3 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દર વર્ષે 1લી મે થી 7મે સુધી રાષ્ટ્રિય કક્ષાના પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના પુસ્તક મેળાનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના એક્ઝીબીશન હોલમાં કરવામાં આવ્યું હતું. પુસ્તકમેળાની મુલાકાતનો સમય શનિ-રવિના દિવસમાં સવારે 10થી રાતના 10 સુધીનો અને અન્ય દિવસમાં સવારના 12થી રાતના 10 સુધીનો સમય રાખવામાં આવેલ હતો.
પુસ્તક મેળાની સાથે સાથે અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમકે ગુજરાતી ગીતોની ષષ્ઠિપૂર્તિ, પુસ્તક વિમોચન, સર્જકો સાથે સાનિધ્ય, હાસ્યદરબાર, રંગ રંગ વાદળિયા અંતર્ગત યશવંત શુક્લ, અર્ચન ત્રિવેદી, વી. રામાનુજ વગેરે જેવા અનેક મહાનુભવોએ બાળકોને સાહિત્યની ભાતીગળ સમજૂતી આપી. (Event Reference Link : http://www.amdavadbookfair.com/event.php)
આ વર્ષે પુસ્તકમેળામાં 301 જેટલા વિવિધ સ્ટોલ હતાં. ગુજરાતીલેક્સિકોન ટીમે પણ આ વર્ષે પ્રથમવાર પુસ્તક મેળામાં ભાગ લીધો હતો. આપણો સ્ટોલ નંબર 171 હતો. ગુજરાતીલેક્સિકોન ટીમ બે કાર્યસમયમાં વહેંચાઈને કામ કરતી હતી. એક ટીમ સવારના 10 થી સાંજના છ વાગ્યા સુધી સ્ટોલ સંભાળતી હતી જેમાં મિનલ, અર્પિત અને મૈત્રીનો સમાવેશ થતો હતો જ્યારે બીજી ટીમ સાંજના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના સમયમાં કાર્યભાર સંભાળતી હતી જેમાં હિતેન્દ્ર, હાર્દિક, ઉપેન્દ્ર અને હિતેશનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ટીમના અન્ય સભ્યોએ પણ પુસ્તકમેળાની મુલાકાત લઈ ગુજરાતીલેક્સિકોનના પ્રચાર પ્રસારમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
સાત દિવસ ચાલેલા આ પુસ્તકમેળામાં હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. આ સમગ્ર મેળા દરમ્યાન આશરે 10000 કરતાં વધુ મુલાકાતીઓએ ગુજરાતીલેક્સિકોન સ્ટોલની મુલાકાત લીધી હતી અને ગુજરાતીલેક્સિકોનની કામગીરીથી માહિતગાર થયા હતાં. સૌથી વધુ મુલાકાત શનિવાર અને રવિવારના દિવસે રહી હતી. આ સાત દિવસ દરમ્યાન ગુજરાતીલેક્સિકોન ટીમ દ્વારા આશરે 2000થી વધુ લોકોને તેમના મોબાઇલમાં ગુજરાતીલેક્સિકોનની વિવિધ અૅપ્લિકેશન ડાઉનલોડ કરી આપવામાં આવી.
આવો અભૂતપૂર્વ ધસારો અને લોક પ્રતિસાદ જોઈને કહી શકાય કે હજી પણ ગુજરાતી ભાષા લોક હૃદયમાં જીવંત છે. હજારો મુલાકાતીઓએ આપેલા પોતાના પ્રતિભાવનો એક જ સૂર હતો કે રતિલાલ ચંદરયાએ માતૃભાષાની ખૂબ જ મોટી સેવા કરી છે એમના પ્રયાસો વંદનીય છે. આપ સર્વે ગુજરાતી ભાષાની અણમોલ સેવા કરી રહ્યા છો તે બદલ અમે આપ સહુના સદાય ઋણી છીએ. આ કાર્યમાં આપ વધુને વધુ આગળ વધો અને વધુને વધુ લોકો સુધી આ કાર્ય આપ પહોંચાડો એવી શુભકામના. આ ઉપરાંત એક સામાન્ય સૂર એવો પણ હતો કે આવું અદ્ભૂત કાર્ય આપે તદ્દન વિના મૂલ્યે આપવું જોઈએ નહીં તેનો કોઈક ટોકન ચાર્જ પણ લેવો જોઈએ. આના પ્રત્યુત્તરમાં અમે લોકોને એવું જણાવ્યું કે ગુજરાતીલેક્સિકોન એ શ્રી રતિલાલ ચંદરયાનો એક સેવા યજ્ઞ છે. પોતાની માતૃભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો તેમનું એક સ્વપ્ન છે. આથી અમે અહીં ફકત તેમના સ્વપ્નને સાકાર કરવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ.
આશરે 150થી વધુ લોકોએ પોતાના લેખિત પ્રતિભાવ લખી આપેલ છે જેમાં દેવાંગ પટેલ જેવા ગુજરાતી ગાયક, ઓસ્કારમાં નોમિનેશન પામેલ ગુજરાતી ફિલ્મ ‘The Good Road’ની કોસ્ચ્યુમ ડિઝાઇનર પૂર્વી ત્રિવેદી, જાણીતા બ્લોગર જીજ્ઞેશ અધ્વર્યુ, પત્રકાર મિત્રો, લેખકો, અધ્યાપકો વગેરેનો સમાવેશ થાય છે. ચાર-પાંચ અધ્યાપકોએ શાળા-કૉલેજમાં નવું સત્ર શરૂ થાય એટલે એમની શાળાઓમાં ગુજરાતીલેક્સિકોનનું એક નિદર્શન યોજવાનું આપણને આમંત્રણ પણ પાઠવેલ છે.
ટૂંકમાં કહી શકાય કે ગુજરાતીલેક્સિકોનના સ્ટોલની મુલાકાતે આવેલ દરેક મુલાકાતીના મુખ પર આ મુલાકાત લીધા બદલ એક પરમ સંતોષની લાગણી અને કંઈક વિશેષ ખજાનો મળી આવ્યો હોય તેવો આનંદ જોઈ શકાતો હતો.
-મૈત્રી શાહ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.