Gujaratilexicon

જન્મદિન વિશેષઃ આનંદીબેન પટેલ (પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)

November 21 2014
Gujaratilexicon

આનંદીબેન મફતલાલ પટેલ ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે. તેણી સને ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.

આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાનાં સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વખતથી ચૂંટાયાં હોય. ………………………………………………………………………………………………………………………..

સુશ્રી આનંદીબેન પટેલનો આજે ૨૧ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. મુખ્યમંત્રીના જન્‍મદિવસને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્‍યક્ષ જ્‍યોતિબેન પંડ્યા, મેયર મીનાક્ષીબેન પટેલ તથા મહાનગર મહિલા મોરચાના અધ્‍યક્ષ ગીતાબેન પટેલે એક સંયુક્‍ત નિવેદનમાં ૨૧મી નવેમ્‍બર ૨૦૧૪ના રોજ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના જન્‍મદિન નિમિત્તે મહિલા તથા બાળ કલ્‍યાણના અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

આનંદીબેન પટેલના જન્‍મદિન નિમિત્તે અનેક કાર્યક્રમો : 

કર્ણાવતી મહાનગરના ૫૧ મહિલા કોર્પોરેટરો તથા ૧૫૦ જેટલા સંગઠનના મહિલા પદાધિકારીઓની યોજાયેલી એક સંયુક્‍ત બેઠકમાં મહિલા-બાળ કલ્‍યાણ માટે વિશેષરૂપે જાગરુક એવા ગુજરાતના કર્મઠ મહિલા મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના ૨૧મી નવેમ્‍બરે જન્‍મદિન નિમિત્તે અનેક કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.

મહિલાઓને ભાજપાની પ્રાથમિક સભ્‍ય બનાવવાની ઝુંબેશ હાથ ધરાશે
૨૧મી નવેમ્‍બરે સવારે ૯થી ૧૧ કલાકે શહેરના ૧૭ જેટલા સ્‍થળોએ મહાનગરના ડૉક્‍ટર સેલ દ્વારા નિઃશુલ્‍ક સ્ત્રી રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરેલ છે જેમાં શારીરિક તપાસ, સોનોગ્રાફી, જરૂર પડે મેમોગ્રાફી તથા લોહીના ટકા, બ્‍લડગ્રુપ તથા બ્‍લડસુગરની તપાસ તદ્દન નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે. શહેરની ૨૦૦૦થી વધુ આંગણવાડીઓમાં સવારે ૧૦ વાગે કોર્પોરેટર બહેનો તથા મહિલા મોરચાના કાર્યકરો દ્વારા સફાઈ ઝુંબેશ તથા બાળકોને ફ્રૂટ તથા પોષક આહાર વિતરણનો કાર્યક્રમ યોજાશે. મહિલાઓને ભાજપાની પ્રાથમિક સભ્‍ય બનાવવાની ઝુંબેશ હાથ ધરાશે.

મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ રાજ્‍યવ્‍યાપી ગુણોત્‍સવ અભિયાનના બીજા દિવસે એટલે કે ૨૧ નવેમ્‍બર શુક્રવારે અમદાવાદના ચાંદખેડા વિસ્‍તારની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. આનંદીબેન શાળામાં ગુણવત્તાયુક્‍ત શિક્ષણની પ્રવૃત્તિઓનું મૂલ્‍યાંકન કરવા સાથે સ્‍વચ્‍છતા સફાઈ અભિયાન અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા સંચાલન સમિતિઓને માર્ગદર્શન આપવાના છે.

મુખ્યમંત્રી આનંદીબેન સમાજ સુધારક માટે પ્રેરણારૂપ : 

પહેલા શિક્ષક અને હવે મુખ્યપ્રધાન બનેલાં આનંદીબેને સમાજ સુધારક માટે પ્રેરણારૂપ બન્યા હોવાનું તેમના નજીકના લોકોએ જણાવ્યું હતું. ગુજરાત ભાજપમાં જોડાયા પછી આનંદીબહેને પક્ષમાં કર્મનિષ્ઠાથી ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓનાં પણ દિલ જીતી લીધાં હતાં. નરેન્દ્ર મોદીના નજીકનાં ગણાતાં, એક કડક શિક્ષકમાંથી મુખ્યપ્રધાન સુધીની સફર અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાનનું બિરૂદ જેના નામે છે.

વિજાપુર તાલુકાના નાનકડા એવા ખરોડ ગામનાં અને ખેડૂત પરિવારમાં જન્મેલાં આનંદીબહેન પટેલ ગુજરાતનાં નવાં મુખ્યમંત્રી બનતા તેમના માદરેવતનમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. જયારથી તેમનું નામ ચર્ચામાં હતું, ત્યારથી ગામમાં ગજબની ઇંતેજારી હતી, તેઓ ચાર ગામ લેઉઆ પાટીદાર સમાજનાં આગેવાન છે.

આનંદીબેન શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રુચિ ધરાવતા હતા
ખરોડ ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલ આનંદીબેન પટેલને પાંચ બહેનો અને ચાર ભાઇઓ હતા. આનંદીબેનના પિતા ગામની સીમમાં આવેલ ફાર્મહાઉસમાં રહેતા હતા. જયાં આનંદીબેનનો જન્મ થયો હતો. નાનપણથી જ આનંદીબેન શિક્ષણમાં તેજસ્વી હતાં, જેમણે ધોરણ ૧થી ૭ સુધીનો અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં કર્યો હતો. જ્યારે વધુ અભ્યાસ પિલવાઈ ખાતે કર્યો હતો. આનંદીબેન શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રુચિ ધરાવતાં હતાં, જેમણે શિક્ષણમાં એમ.એસ.સી. એમ.એડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સમાજના નાના પ્રસંગોમાં પણ હાજરી આપતાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

કન્યા કેળવણીનું સ્વપ્ન લઈને નીકળેલ આનંદીબેન રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બની પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે. એમ કહેવાય છે કે અગાઉ સમાજની મહિલાઓ લાજપ્રથાની બંધાયેલી હતી અને સમાજમાં આ લાજપ્રથા દૂર કરવાનો શ્રેય આનંદીબેન પટેલને જાય તેમ લોકોનું કહેવું છે. આ ઉપરાંત લગ્નમાં પણ ઠાઠમાઠ તેમને પસંદ ન હતા, જેથી તેઓ સાદગીમાં લગ્ન કરાવવાનું વધુ માનતા હતાં જેમણે તેમની દીકરી તેમજ દીકરાનાં લગ્ન પણ સાદગીથી કરાવ્યાં છે. કન્યા કેળવણીનું સ્વપ્ન લઈને નીકળેલ આનંદીબેને આજે રાજયના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બની ગૌરવ વધાર્યું છે.

………………………………………………………………………………………………………………………………………………………………………

ગુજરાતીલેક્સિકોન તરફથી સુશ્રી આનંદીબેન પટેલને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસમાં તેમના હરેક પ્રયાસો સર્વથા સફળ નીવડે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે.

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects