અમૃત ઘાયલ એ ગુજરાતી કવિતા જગતમાં ખૂબ જાણીતું નામ છે. એક ગૌરવવંતા ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ ગુંજે છે. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ ૧૯ ઓગસ્ટ, ૧૯૧૬ના દિવસે સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુ નામ સંતોકબેન અને પિતાનુ નામ લાલજીભાઇ હતુ. તેમનુ અવસાન ૨૫ – ડીસેમ્બર૨૦૦૨ ના રોજ રાજકોટ ખાતે થયુ હતુ.
ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ’ મુખ્યત્વે ગઝલકાર તરીકે જાણીતા છે. તેમણે સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુ હતુ.પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી થયા હતા.
મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કશાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવત સ્વરૂપ, રૂઢિપ્રયોગ સ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.
આજે ૧૯ ઑગસ્ટના રોજ તેમના જન્મદિન નિમિત્તે તેમને યાદ કરી તેમની કેટલીક અમર ગઝલ રચનાઓ અત્રે પ્રસ્તુત કરે છેઃ
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના
કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.
કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.
ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.
પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !
જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !
ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.
બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!
ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !
તેમની અન્ય ગઝલો આપેલ લિંક દ્વારા માણી શકાશે.
http://gujaratikavitaanegazal.wordpress.com/category/અમૃત-ઘાયલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.