Gujaratilexicon

જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક

November 28 2014
Gujaratilexicon

તારીખ ૨૮ નવેમ્બરના રોજ જાણીતા સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેકનો જન્મદિન છે. ચાલો, તેમના જીવન અને કવન વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ.

પરિચય

કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.

મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં.

જાણીતી રચનાઓ

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનુંને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

કરસનદાસ માણેક

એવું જ માગું મોત

એવું જ માગું મોત,
હરિ, હું એવું જ માગું મોત !
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત
અન્ત સમે એવા ઓરતડાની
હોય ન ગોતાગોત ! હરિ, હું

કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાન્ત સરોદ:
જો જે રખે પાતળું કદી યે
આતમ કેરું પોત ! હરિ, હું

અન્તિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત:
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણ-કપોત ! હરિ, હું

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
તરતાં સરિતા-સ્નોત.
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માગું મોત !

કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !

 જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન-દુ:ખિયાના આંસુ લોતો અંતર કદી ન ધરાજો ! મારું જીવન
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો  ! મારું જીવન
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો  ! મારું જીવન

કરસનદાસ માણેક

માહિતી સ્રોતઃ

https://gujaratikavitaanegazal.wordpress.com

http://www.gujaratisahityaparishad.com

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

વેરણ – સ્ત્રી વેરી

દોહ્યલું – મેળવવું મુશ્કેલ, દુરાપ. (૨) (લા.) અઘરું, મુશ્કેલી ભરેલું, કઠણ

સરોદ – એ નામનું એક તંતુવાદ્ય, સારંગી

આતમ – આત્મા

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects