અકબર બાદશાહે પ્રશ્ન કર્યો – ‘આદમીને કેવી રીતે માપવો?’
કવિ ગંગ સભામાં હાજર. તેણે તરત કહ્યું. ‘આદમીકો તોલ એક બોલમે પિછાનીએ.’
માણસને ઓળખાવો હોય તો એની વાણી પરથી તેને ઓળખી લ્યો. બોલ ઉપરથી તોલ થાય. વાણી પ્રાણીને ઓળખે એટલે ડાહ્યા માણસોએ કહ્યું છે. જીવનમાં જે પ્રકારે બોલવું આવશ્યક છે એ જ પ્રકારે ચુપ રહેવું. મૌન પકડવું જરૂરી છે. ડોક્ટરોનું કથન છે કે બોલવા કરતાં ચુપ રહેવામાં સ્વાસ્થ્ય વધુ જળવાય છે.
ચુપ રહો–ઉર્દૂમાં ચૂપને ‘ખામોશ‘ કહે છે. સંસ્કૃતમાં મૌન અને અંગ્રેજીમાં સાઇલેન્ટ કે પછી મમ.
ચુપકીદી–મૌનનો પ્રભાવ તેવો છે. મૌન સર્વકાર્યને સાધનારૂં છે. મૌનં સર્વાર્થ સાધકમ્. સબસે બડી ચુપ. Silence is God મૌનનો ઉત્તર વધુ મનાયો છે. એક ચુપ સૌને હરાવે. મૌનં સમ્મતિ લક્ષણમ્ ન બોલ્યામાં નવ ગુણ.
બોલી પરથી માણસ પરખાઈ જાય છે. એટલે નહિ બોલવામાં આવે તેમાં જ માલ છે. કારણ બોલવામાં આવે તો તેની બુદ્ધિ પરખાઈ જાય છે. કહેવત છે. ‘મૂંગી મંતર સાડા સત્તર.’ બંધ બેસતી વાતને સાચી વાતને માટે આપણે કહીએ છીએ વાત સાડાસોળ આના સાચી છે. આજ મુજબ ગુપ્ત વાતને મંત્રની જેમ આપણે છાની રાખીને મૂંગા રહીએ તો તે સોળ આના કે સ્હાડા સોળ આના નહિ પણ સ્હાડા સત્તર આનાની વાત કહી શકાય જ્યાં માણસની વાત કોઈ સાંભળતું ન હોય ત્યાં–
કહી ન માને કાંઈ, જુગતી
અણજુગતી જહાં,
શાણાને સુખદાઈ,
ચુપ રહેવું રાજીઆ,
જ્યાં કહ્યું મનાય નહીં ત્યાં ચુપ રહેવું તે શાણા પુરૂષને સુખદાઈ છે.
ચતુર માનવી ચુપ રહેવામાં જ માને છે, સાચું જ કહ્યું છે કે :-
ચુપ્પ સે શોભા જગતમેં,
ચુપ સે રહે આણ,
ચુપ સે ભજન ભજત હે,
ચુપ સે રહે માન.
મૂર્ખ સાથે પાનું પડે તો શું કરવું જોઈએ.
એક સમયે ભરસભામાં અકબરે બીરબલને પ્રશ્ન પૂછ્યો. ‘મૂર્ખ સાથે જો કામ આવી પડે તો શું કરવું જોઈએ?’
બીરબલે જવાબ ન આપ્યો.
બાદશાહે ફરી પૂછ્યું :- ‘બીરબલ ! મારા પ્રશ્નનો જવાબ આપ.’
બીરબલે કહ્યું – ‘નામદાર ! એનો ઉત્તર કાલે આપને મળી જશે.’
બીજે દિવસે ભરસભામાં બીરબલ એક ગૂંગા માણસને લઈને આવી પહોંચ્યો. બીરબલને જોતાં જ બાદશાહે કહ્યું ‘મારો જવાબ લાવ્યો?’
‘જી. હા કહીને તેણે પેલા ગૂંગા તરફ આંગળી કરી કહ્યું, ‘નામદાર ! આ મારા ગુરૂ છે. આપના પ્રશ્નનો ઉત્તર તેઓ આપી શકશે.’
અકબરે ગુરૂને પૂછ્યું – ‘મહારાજ ! મૂર્ખ સાથે જો પાનું પડે તો શું કરવું જોઈએ.’
ગૂંગો કંઈ જ બોલ્યો નહિ.
‘ગુરૂજી, કહો, શું કરવું જોઈએ?’ બાદશાહે ફરીથી પૂછ્યું, પણ જવાબ જ ન મળ્યો.
‘ગુરૂજી, બતાવો મૂર્ખ સાથે પાનું પડે તો શું કરવું જોઈએ.’ બાદશાહે હવે કંઈક અકળાઈને પૂછ્યું.
પણ જવાબ ન મળ્યો.
અરે, આપ બોલતા કેમ નથી?’
‘પણ મૂંગો બોલે કેવી રીતે?’
‘બીરબલ ! બાદશાહે હવે કંટાળીને કહ્યું, ‘આ તો બોલતા જ નથી……’
‘જી, જહાંપનાહ ! જવાબ તો એમનું મૌન જ આપી રહ્યું છે.’
બાદશાહ ઝંખવાઈ ગયો. બીરબલની આ મજાક તે સમજી ગયો. તે ચુપ જ બની ગયો. મૂર્ખ સાથે પાનું પડે તો ચુપ રહેવામાં સાર છે. બીરબલે ગૂંગાની દ્વારા બાદશાહને આ સાનમાં સમજાવી દીધું.
દ્રૌપદીની વાણીએ મહાભારત ખેલાયું.
દ્રૌપદીએ બોલવામાં કાબુ ન રાખ્યો અને કહી દીધું. ‘અંધના સંતાન અંધ જ હોય !’ આ કઠોર વાણી દુર્યોધનના હૃદયમાં સાલવા લાગી. તેણે બદલો લીધો. યુધિષ્ઠિરને જુગારમાં હરાવી દ્રૌપદીને જીતી લીધી. એટલું જ નહિ. ભરસભામાં તેણે તેના ચીર ખેંચાવ્યા. ચીર ખેંચતાં દુર્યોધન ભીમ તરફ જોઈ તેને કહેવા લાગ્યો – કૌઆ ! તારાથી થાય તે કરી લે…..તાકાત હોય તો અહીં આવ અને મદદ કર !’
પણ વડીલભાઈની આજ્ઞાથી ભીમ ચુપ રહ્યો. તેનાથી આ અપમાન સહન ન થયું. તેણે દુર્યોધનના સંહારની પ્રતિજ્ઞા લીધી અને આમ દ્રૌપદીની કઠોર વાણીથી જ મહાભારતનું યુદ્ધ ખેલાયું.
બોલ્યા કેમ ?
રાજાનો એકનો એક કુંવર જન્મથી જ મૂંગો હતો. એ હતો મૂંગો પણ જાણે બુદ્ધિશાળી હોય– લોકોનું કહેવું સમજતો હોય તેવું જણાતું. રાજાની ઇચ્છા હતી કે એ ગમે તે ઉપાયે પણ બોલતો થાય અને આ માટે તે અનેક પ્રયત્નો યોજી રહ્યો હતો.
એક દિવસે કેટલાક શિકારીઓની સાથે તેને શિકાર માટે જંગલમાં મોકલવામાં આવ્યો. આખો દિવસ સૌ ભમ્યા પણ કોઈ શિકાર જ ન મળ્યો. એટલામાં એક તેતર પક્ષીએ અવાજ કર્યો. શિકારીઓએ આ અવાજ પારખ્યો અને જ્યાંથી અવાજ આવ્યો હતો ત્યાં ગોળી છોડી. તેતરનો પ્રાણ ગયો. તેને તરફડતું જોઈ કુંવરથી બોલાઈ ગયું – ‘બોલ્યું કેમ ?……’
કુંવર બોલ્યા એથી શિકારીઓ ખુશ થયા અને તેમણે રાજા પાસે દોડી જઈ આ વધામણી આપી.
રાજાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. આ આનંદમાં તેમણે સારાય શહેરને આજ્ઞા ફરમાવી – ‘કુંવરનું સામૈયું કરી તેને મહેલમાં વાજતે ગાજતે લઈ આવો……’
કુંવરને ઠાઠથી મહેલમાં લાવવામાં આવ્યો. સૌ પ્રસન્ન હતા પણ કુંવર તો હતા તેવા જ ઉદાસીન અને મુંગા જણાયા. રાજાએ તેમને બોલવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કુંવરે એક શબ્દ પણ કાઢ્યો નહિ.
રાજાને હવે શિકારીઓ પર ક્રોધ ચડ્યો. તેને લાગ્યું કે આ લોકોએ ઇનામની લાલચે અહીં દોડી આવી મને આ ખોટા સમાચાર આપ્યા છે. તેમણે શિકારીઓને ધમકાવ્યા. શિર છેદી નાખવાની ધમકી આપી પણ શિકારીઓએ કહ્યું – ‘મહારાજ ! આપ, ભલે અમને મારી નાખો–પણ અમે કુંવરને બોલતા સાંભળ્યા જ છે….જે શબ્દો અમે અમારા કાને સાંભળ્યા છે તેને માટે અમે ખોટું કેમ કહીએ?’
‘પણ કુંવર બોલતા નથી. એ તો ઉદાસ વૃત્તિ રાખી આમતેમ જોઈ જ રહ્યા છે. રાજાની અકળામણ વધી ગઈ. તેમણે શિકારીઓને મારવાનો હુકમ ફરમાવ્યો.
શિકારીઓને ઉઘાડી પીઠ પર ચાબુકના ફટકાઓ પડવા લાગ્યા. લોહીની છાંટો ઉડવા લાગી. કુંવરથી આ સહન ન થયું. તેનાથી શબ્દો બોલાઈ ગયા – ‘બોલ્યા કેમ…..’
કુંવર બોલ્યા તે રાજાએ કાનોકાન સાંભળ્યું. તેને આશ્ચર્ય થયું. પણ પાછા કુંવર ચુપ થઈ ગયા. તેઓ કંઈ જ બોલ્યા નહિ.
જ્યારે સૌ ઝંપી ગયા ત્યારે રાજાએ એકાંતમાં કુંવરને આજીજીભર્યા સ્વરે પૂછ્યું -‘તું બોલી શકે છે છતાં મૂંગો કેમ રહે છે? તારી ચૂપકીદીનું કંઈ કારણ છે ખરું?’
કુંવરે કહ્યું-‘મારા ગયા ભવનું મને જ્ઞાન છે અને મારા તે ભવનો એવો અનુભવ છે કે જે બોલે તે હેરાન થાય. આથી જ હું મૌન રહું છું. બોલેલું તેતર અને માર ખાધેલા શિકારીઓએ આથી જ શું એને પ્રત્યક્ષ પુરાવો નથી?’
વાત કરવામાં કુશળ માનવી લાખ્ખો કમાઈ શકે છે?
આમ મૌન–ચુપકીદી માટેની અનેક કહેવતો છે, વાતો છે. આ કહેવતો કહે છે કે ‘ચુપ રહો-‘ ઓછું બોલો….’ પણ એનો અર્થ એમ નથી કે તમારે કંઈ બોલવું જ નહિ. મૂંગા જ રહેવું. જરૂર બોલવું પણ એવું બોલવું કે જેથી કોઈને દુ:ખ ન લાગે :-
જો શબ્દ દુ:ખ ના લગે,
સોહી શબ્દ ઉચ્ચાર.
તપ્ત મીટી શિતળ ભયા
સોહી શબ્દ તતસાર
એવું બોલો કે જેથી કોઈને ક્લેશ ન થાય. સારરૂપ તો તે જ શબ્દ છે કે જેથી સામાનો તાપ મટીને તે શિતળ બની જાય.
‘થોડા બોલો જીતી જાય અને બહુ બોલો વેતરી જાય‘ પણ માનવી જો વાત કરવાની કલામાં કુશળ હોય તો લાખ રૂપિયા પણ કમાઈ શકે છે :-
બાત બાતમેં ભાત હૈ,
ભાત ભાતકી બાત;
એક બાત ગજ દેત હે,
એક બાત ગજ લાત.
બાતનસેં દેવી અરૂ દેવતા પ્રસન્ન હોત,
બાતનસેં સિદ્ધ અરૂસાધુ પતિપાત હૈં;
બાતનસેં કીર્તિ અપકીર્તિ સબ બાતનસેં
માનવી કે મુખકી બાત કરામાત હૈં અને
બાતનસેં મુઢ લોક લાખન કમાત હૈં.
આ બધું વાતથી સિદ્ધ થઈ શકે છે. બોલવાની પણ હદ હોય છે. અને એટલે જ કહ્યું છે કે –
અતિ ભલા નહિ બોલના,
અતિ ભલા નહિ ચુપ.
અતિ ભલા નહિ બરસના,
અતિ ભલા નહિ ધુપ.
બોલે તે બે ખાય.
બોલવામાં જોખમ જણાય તો ચુપ રહો. વાતનું વતેસર થઈ જતું હોય તો ચૂપકીદી પકડી લ્યો. જે બોલે તે બે ખાય–અબોલે ત્રણ ખાય.’ બે બ્રાહ્મણોએ રસોઈ કરી. પાંચ લાડવા બન્યા. બે વચ્ચે પાંચ લાડવાને કેવી રીતે વહેંચવા? બન્નેએ નક્કી કર્યું; ‘જે બોલે તે બે ખાય. મૂંગો રહે તે ત્રણ ખાય. બન્ને સૂઈ રહ્યા. પણ એકના જીવને ચટપટી થઈ. ભૂખ પણ તેને હેરાન કરવા લાગી. તેણે વિચાર્યું. રસોઈ બગડી જશે તેના કરતાં બોલતાં બે ખાવા શું ખોટા એટલે તેણે પોતાના સાથીને કહ્યું ભાઈ મારા બે–તું ત્રણ લેજે–કારણ તું ચુપ રહ્યો છે.’ ઉતાવળથી બોલવામાં આવે તેમાં નુકશાન પણ રહેલું છે–ઉતાવળ કર્યેથી ખોટ પણ આવે તે આ કહેવતનો ભાવાર્થ છે.
Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-122)
તોલ – weight; measure of weight; measure; value; appreciation; burden; dignity
ચુપકીદી – silence.
જુગાર – gambling.
ઉદાસીન – indifferent; having no interest, detached.
ધમકી – threatening, threat; reproof; menace.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ